પ્રથમ વખત ગુજરાતી ખાખી ગરબાનું આયોજન અમદાવાદના આંગણે થશે
આપણે કેડિયા, ચણિયાચોલી તેમજ વિવિધ પ્રકારની થીમ સાથેના ગરબા અવનવા પહેરવેશ સાથે જરૂર જોયા હશે પરંતુ ખાખી ગરબાનું આયોજન આજ સુધી નથી થયું. ત્યારે પ્રથમ વખત આ ગરબાનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ, દૂધેશ્વર અમદાવાદ ખાતે પૂનમના દિવસે રાત્રે તારીખ 9 ઓકટોબરના રોજ થવા જઈ રહ્યું છે. અમદાવાદીઓ માટે આ અનોખો ગરબાનો લ્હાવો છે. Gujarati Khakhi Garba for the first time in Ahmedabad
ગરબા એ શક્તિની ઉપાસના પણ છે. ગરબા એ નારી શક્તિને સમર્પિત પણ છે. ખાખી પણ એક શકિતના પ્રતિક સમાન છે. ગુજરાત પોલીસની મહિલાઓને સમર્પિત આ ખાખી ગરબાનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવશે.
ગુજરાત પોલિસ તરફથી શ્રી સંજય શ્રીવાસ્તવ, અમદાવાદ પોલિસ કમિશનરના સપોર્ટ અને માર્ગદર્શન થકી ગ્રીષ્મા ત્રિવેદી અને અર્ચના ગુપ્તાએ અમલમાં આ પ્રકારનું આયોજન મૂક્યું તેમજ વિશેષરુપે આયોજન વિશે વિચાર્યું છે. 9 ઓકટોબરના રોજ સાંજે 7.30 કલાકે ખાખીની ખુમારી સાથે આ ગરબાનું સાક્ષી અમદાવાદ બનશે. જેમાં ખાસ કરીને દેશની ખુમારી એવી ખાખીના મહત્વને ધ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદીઓને માટે ગરબાનું આયોજન ખૂબ જ વિશેષ મહત્વનું હોય છે. હજુ નવરાત્રિનો રંગ ઉતર્યો નથી તેવામાં ફરીથી શહેરીજનોને ગરબાના તાલે થિરકવા માટે આ ઈન્ટરનેશનલ ક્રિએટીવ આર્ટ સોસાયટી એનજીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું માર્કેટીંગ તેમજ સપોર્ટ અચિવર્સ ઈન્સ્ટિટ્યૂટ આર્ચવ ગુપ્તા તરફથી જ્યારે પ્રોગ્રામનો ડીઝાઈન કન્સેપ્ટ્યુલાઈઝડનું મેનેજમેન્ટ બોલીવૂડ હબ ગ્રીષ્મા ત્રિવેદી દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમનો આ ખાખીનો અનોખો કન્સેપ્ટ ગરબામાં ચાર ચાંદ લગાવી દેશે.