‘સલામી સવારની’ અને ‘સુપ્રભાતમ્’ના લેખક સુરેશ ભટ્ટ સાહિત્ય જગતને છેલ્લી સલામ કરી ગયા
જાણીતા લેખક-કૉલમિસ્ટ સુરેશ પ્રા. ભટ્ટનું દુઃખદ નિધન-રવિવારે સાંજે 4 થી 6 દરમિયાન બ્રહ્મભવન, સેક્ટર-16, ગાંધીનગર ખાતે બેસણું-વિદ્યાર્થીઓમાં તેઓ ‘માસ્તર’ તરીકે અભૂતપૂર્વ ચાહના ધરાવે છે.
ગાંધીનગરના જાણીતા લેખક શ્રી સુરેશ પ્રા.ભટ્ટનું ગુરુવારે મોડી રાત્રે દુઃખદ નિધન થયું છે. તેઓ 85 વર્ષના હતા. શુક્રવાર, તા. 10મી ફેબ્રુઆરીએ સવારે ગાંધીનગરના સેક્ટર-30 અંતિમધામમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. ગાંધીનગરના આગેવાન નાગરિકો, પત્રકારો, સાહિત્યકારો અને પરિવારજનોએ સ્વર્ગસ્થ શ્રી સુરેશ પ્રા.ભટ્ટને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
રાજ્યપાલશ્રી ના પ્રેસ સેક્રેટરી અને ગાંધીનગર કલ્ચરલ ફોરમના ટ્રસ્ટી શ્રી હિરેન ભટ્ટ, ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ લિમિટેડ, સાણંદના ઑપરેશન હેડશ્રી આશિષ ભટ્ટ અને ગાંધીનગર લાયોનેસ ક્લબના પૂર્વ પ્રમુખ શ્રીમતી આરતી હ્રૃષિકેશ ભટ્ટના પિતાજી શ્રી સુરેશભાઈ પ્રા. ભટ્ટ 1938 ની 28 ડિસેમ્બરે ભુજ-કચ્છમાં જન્મ્યા હતા.
વર્ષોથી ગાંધીનગરમાં સ્થાયી થયેલા શ્રી ભટ્ટ છેલ્લે શિક્ષણાધિકારી પદેથી નિવૃત્ત થયા હતા. કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે પણ અસંખ્ય અને વિદ્યાર્થીઓમાં તેઓ ‘માસ્તર’ તરીકે અભૂતપૂર્વ ચાહના ધરાવે છે.
ગુજરાતી ભાષાના શિક્ષક રહેલા શ્રી સુરેશ પ્રા. ભટ્ટે ટૂંકી વાર્તા અને રેડિયો નાટકોથી લેખનની શરૂઆત કરી હતી. શૈક્ષણિક ટીવી કાર્યક્રમના નિર્માતા તરીકે તેમણે 100 થી વધુ ટીવી કાર્યક્રમોનું નિર્માણ કર્યું હતું. તેમણે લખેલી ત્રણ કલાકની ટેલીફિલ્મ ‘મૂંઝારો’ દૂરદર્શનના રાષ્ટ્રીય પ્રસારણમાં પ્રસારિત થઈ હતી, જેને વિવેચકોએ ખૂબ વખાણી હતી.
નિયમિતતા, નિષ્પક્ષતા, નિર્ભિકતા અને નિષ્ઠા તેમના વ્યક્તિત્વની સાચી ઓળખ હતી. પાટનગરમાંથી પ્રસિદ્ધ થતા ‘ગાંધીનગર સમાચાર’માં તેમની દૈનિક કોલમ ‘સુપ્રભાતમ્’ અત્યંત લોકપ્રિય કોલમ હતી. સતત, દરરોજ, નિયમિત રીતે 25 વર્ષ સુધી તેમણે આ કોલમનું આલેખન કર્યું હતું.
‘સુપ્રભાતમ્’ કોલમ પર આધારિત તેમના આઠ પુસ્તકો પ્રકાશિત થયા છે. ગાંધીનગર સમાચારના સાપ્તાહિક સંકરણમાં તેમણે સૌ પ્રથમ કોલમ ‘સલામી સવારની’ થી કૉલમિસ્ટ તરીકેની શરૂઆત કરી હતી. ગાંધીનગરને વર્ષો સુધી ‘સવારની સલામી’ આપનારા શ્રી સુરેશ પ્રા. ભટ્ટ ગુરુવારે ગાંધીનગરને છેલ્લી સલામ આપીને મહાપ્રયાણ કરી ગયા છે. તેમના નિધનથી ગાંધીનગરના શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં મોટી ખોટ પડી છે.
શ્રી સુરેશ ભટ્ટનું બેસણું રવિવાર, તા. 12 ફેબ્રુઆરીએ સાંજે 4:00 થી 6:00 દરમિયાન બ્રહ્મભવન, સેક્ટર-16 રંગમંચની સામે, ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યું છે.