Western Times News

Gujarati News

યુએસમાં લૂંટનું નાટક કરી વિઝા ફ્રોડ બદલ મૂળ ગુજરાતી યુવક દોષિત

હ્યુસ્ટન, અમેરિકાના વિવિધ રાજ્યોમાં લૂંટનું નાટક કરી લોકોને ખોટી રીતે અમેરિકન ઈમિગ્રેશનના લાભો અપાવવામાં મદદ કરનારા મૂળ ગુજરાતી રામભાઈ પટેલ (૩૭)ને અહીંની એક અદાલતે કસૂરવાર ઠેરવ્યો છે.

પટેલની સજાની સુનાવણી ૨૦ ઓગસ્ટે હાથ ધરાશે.અમેરિકન વકીલના જણાવ્યાં અનુસાર, પટેલ અને તેના સાગરીતોએ અમેરિકાના વિવિધ રાજ્યોમાં આવેલા ગ્રોસરી સ્ટોર્સ, રેસ્ટોરાં અને કન્વેયન્સ સ્ટોર્સમાં ઓછામાં ઓછી ૯ લૂંટ કર્યાનું તરકટ ઉભું કર્યું હતું.

આ લૂંટ પાછળનો આરોપીઓનો હેતુ હિંસક અપરાધોનો માહોલ ઉભું કરવાનો હતો જેથી આ સ્ટોર્સમાં કામ કરતાં ક્લાર્ક્સ અથવા માલિકો, આવા ગુનાઓનો ભોગ બનેલાં પીડિતોને અપાતા યુ નોનઈમિગ્રન્ટ્‌સ સ્ટેટસ (યુ વિઝા) માટે અરજી કરી શકે.

આ તમામ બનાવટી લૂંટની શરૂઆત માર્ચ, ૨૦૨૩થી કરાઈ હતી. તમામ ઘટનાઓના સર્વેલન્સ ફૂટેજની ચકાસણી કરતાં તેમાં નકલી લૂંટારાઓ સ્ટોર્સમાં હથિયારો દેખાડી રોકડ ચોરી નાસી જતાં હોવાનું દેખાયું હતું.આ હુમલાના પીડિતો કે જેમણે પટેલને આવા એક કેસમાં ૨૦૦૦૦ ડોલર આપ્યાં હતાં, તેઓ આ હુમલાની ફરિયાદ પોલીસમાં કરતાં હતાં.

ત્યારબાદ તેઓ તેમની સાથે થયેલી લૂંટની ઘટનાના આધારે પીડિત હોવાનો દાવો કરી યુ વિઝા માટે અરજી કરતાં હતાં. પટેલને ઓછામાં ઓછી પાંચ વર્ષની જેલ અને ૨.૫૦ લાખ ડોલરનો દંડ થાય તેવી શક્યતા છે.

એટલું જ નહીં તેની સજા પૂર્ણ થયાં બાદ તેનો દેશનિકાલ કરાય તેવી પણ પ્રબળ શક્યતા છે. આ કેસની તપાસ એફબીઆઈ ઉપરાંત અમેરિકાના ઈમિગ્રેશન વિભાગ દ્વારા માસાચુસેટ્‌સ, પેન્સિલવેનિયા સહિતના રાજ્યોમાં કરાઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.