યુગાન્ડામાં વધુ એક ગુજરાતી યુવકે જીવ ખોયો
કુતંજ પટેલની યુગાન્ડામાં ગોળી મારીને હત્યા કરાઈ-કુંતજ સ્ટોર પરથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની- સ્ટોરની બહાર જ છાતીના ભાગે ગોળી મારી હત્યા
ખેડા, વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવી છે. ઠાસરા તાલુકામાં આવેલ સાંઢેલી ગામના ૨૪ વર્ષીય કુતંજ પટેલની યુગાન્ડામાં કરપીણ હત્યા કરાઈ છે. ચાર વર્ષ પહેલા કુતંજના લગ્ન થયા હતા.
લગ્ન બાદ કુંતજ અને તેની પત્ની યુગાન્ડામાં સ્થાઈ થયા હતા. માસીના ગ્રોસરીના સ્ટોર પર કુંતજ સેલ્સમેન તરીકે કામ કરતો હતો. પરંતુ દુર્ભાગ્યવશ ૨૭ તારીખના રોજ બપોરે ૨ વાગ્યાની આસપાસ કુંતજ સ્ટોર પરથી ઘરે જઈ રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી. સ્ટોરની બહાર જ કુંતજના છાતીના ભાગે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ હત્યારો ત્યાંથી ભાગી ગયો હતો.
આ ઘટના બાદ યુગાન્ડા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાની ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ કરતા જ ચોંકાવનારો ખુલાસો થયો છે. હત્યા કરી ભાગનાર હત્યારો યુગાન્ડા પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે. પરંતુ હજું સુધી જાણી શકાયું નથી કે હત્યા શા માટે કરવામાં આવી? તે કારણ હજુ અકબંધ છે.