અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/USA.jpg)
મુંબઈ, અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગુજરાતીઓ આજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. પોલીસ તેમના નામ સરનામા સહિતની નોંધ કરી. અને આવનારા દિવસોમાં તેમની પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછમાં ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વહેલી સવાર ૬ઃ૧૫ કલાકે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન લેન્ડ થયું હતું.પૂછપરછ બાદ મોટા એજન્ટોના નામ સામે આવી શકે છે. અમદાવાદ એરપોર્ટ પર તેમના આગમન દરમ્યાન એરપોર્ટ પર અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમાં આઈબી, સીઆઈડી અને સ્થાનિક પોલીસનો કાફલો હાજર હતો.ગુજરાતના તમામ લોકોને લઈને અમૃતસરથી વિમાન દિલ્હી થઈને અમદાવાદ પહોંચ્યું હતું.
આ તમામ લોકોની ઓળખની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે તેમને ઘરે વતન પહોંચાડવામાં આવી રહ્યા છે.એક અંદાજ મુજબ અમેરિકામાંથી હાલમાં ૧૮ હજાર ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવશે. એક અંદાજ મુજબ અમેરિકામાં ૭.૨૫ લાખ ભારતીયો ગેરકાયદે રહે છે.
આમ અમેરિકામાં ગેરકાયદે રહેનારાઓમાં મેક્સિકન અને અલ સાલ્વાડોરના નાગરિકો પછી ભારતીયો ત્રીજા સ્થાને આવે છે. ગયા મહિને ભારત સરકારે જણાવ્યું હતું કે તે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીય નાગરિકોને પરત લેવા માટે હંમેશા તૈયાર રહે છે.
વિદેશ પ્રધાન જયશંકરે જણાવ્યું હતું કે ભારત તપાસ કરી રહ્યું છે કે અમેરિકામાં કેટલા ભારતીય ગેરકાયદેસર રીતે રહે છે. તેને પરત મોકલી શકાય છે કે નહીં.
રાજ્યના પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. માહિતી અનુસાર જિલ્લા પોલીસના વાહનોમાં આ તમામ લોકો અમદાવાદ એરપોર્ટથી તેમના વતન રવાના થશે. એરપોર્ટ પર આઈબી, સીઆઈડી અને સ્થાનિક પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે અમેરિકાથી પરત આવનારા ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના ૧૨-૧૨ લોકો અને સુરતના ૪ તથા અમદાવાદના ૨ અને ખેડા-વડોદરા તથા પાટણના ૧-૧ લોકો સામેલ છે. ટ્રમ્પે પરત મોકલેલા ૧૦૪ ભારતીયોમાં ૬૯ પુરુષ, ૨૫ મહિલા અને ૧૩ બાળકો સામેલ છે. આ બધા ભારતમાંથી તો કાયદેસર રવાના થયા હતા, પરંતુ અમેરિકામાં ડંકી રુટે ઘૂસ્યા હતા.
અમેરિકામાંથી ડિપોર્ટ કરીને લાવવામાં આવેલા ભારતીયોને મેક્સિકો-અમેરિકા સરહદ પર પકડવામાં આવ્યા હતા. ભારત પહોંચેલા આ લોકોની હાલમાં ધરપકડની કોઈ શક્યતા નથી, કારણ કે તેમણે કોઈ કાયદાનો ભંગ કર્યાે નથી. હાલમાં ૧૦૪ ભારતીયોને વિવિધ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓએ કોઈ ગંભીર ગુના આચર્યા છે કે નહીં તેની તપાસ થશે.SS1MS