Western Times News

Gujarati News

ગુજરાતની બેડમિંટન ક્ષેત્રની પ્રતિભાઓનું સન્માન રાજ્યપાલના હસ્તે કરાયું

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગવર્નર હાઉસમાં આંતરરાષ્ટ્રીય સિનિયર ચેમ્પિયન્સને સમ્માનિત કર્યા

ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે તાજેતરમાં વિયેતનામ ખાતે યોજાયેલ બેડમિન્ટન એશિયા સિનિયર ઓપન 2023માં રાજ્યના બેડમિન્ટન ખેલાડીઓની સિદ્ધિઓ બદલ આજે તેમનું સન્માન કર્યુ હતું. ગુજરાત ગવર્નર હાઉસ ખાતે વિજેતા ખેલાડીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.

સન્માનિત ખેલાડીઓમાં મુખ્યત્વે ECA ગ્લોબલના સીઇઓ રાજેશ સિંઘ અને DGM SIDBI અજય માથુરનો સમાવેશ થાય છે, જેમણે મેન્સ ડબલ્સ એબોવ 50 (50 વર્ષથી ઉપરની વય) કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. રાજ્યપાલે જીતેન્દ્ર યાદવ અને સમીર અબ્બાસીને મેન્સ ડબલ્સ એબોવ 45 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ બદલ તેમજ ઉન્નીકૃષ્ણ વર્મા અને અરૂપ બીને મેન્સ ડબલ્સ અબોવ 50 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ માટે પણ સન્માનિત કર્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે તેમના સંબોધનમાં વરિષ્ઠ ખેલાડીઓની પ્રતિભા અને પ્રયત્નોને ઓળખવા અને તેનું સન્માન કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ખેલાડીઓના સમર્પણ અને સખત મહેનતને બિરદાવી હતી, અને ભારતમાં બેડમિન્ટનના સ્ટાન્ડર્ડને ઊંચું લઇ જવામાં અને ભાવિ પેઢીઓને પ્રેરણા આપવામાં તેમના યોગદાનની પણ પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી શ્રી મયુર પરીખ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉલ્લેખ કર્યો કે બેડમિન્ટન એશિયા સિનિયર ઓપન 2023માં મેન્સ ડબલ્સ 50+ કેટેગરીમાં રાજેશ સિંઘ અને અજય માથુરની પ્રભાવશાળી જીતનો શ્રેય તેમની સજ્જતાપૂર્વકની તાલીમને જાય છે.

તેમણે શ્રી હાર્દિક આચાર્યની આગેવાની હેઠળ ચાલતી ગુજરાતની નોંધપાત્ર તાલીમ અકાદમીઓ, ‘કેલિકા બેડમિન્ટન ઈન્ડિયા ટ્રેનિંગ એકેડમી’ અને ‘બ્લેક એન્ડ વન’ની પણ પ્રશંસા કરી હતી. ખેલાડીઓની આ ઓળખ દર્શાવે છે કે ગુજરાતમાં બેડમિન્ટન તાલીમ કેટલી વિકસિત થઇ છે અને રાજ્યમાં બેડમિન્ટનની રમતમાં, ખાસ કરીને સિનિયર શ્રેણીમાં ખંતથી આગળ વધી રહેલી પ્રતિભાઓની કમી નથી.

વિવિધ કેટેગરીમાં રાજેશ સિંઘ અને અજય માથુરે સિલ્વર મેડલ મેળવ્યો હતો જ્યારે જિતેન્દ્ર, સમીર, ઉન્નીક્રિશ્નન અને અરુપ બીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો. આ સફળતાએ ભારતીય બેડમિન્ટનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર પ્રોત્સાહન આપ્યું છે.

રમતમાં અસાધારણ પ્રદર્શન બદલ શ્રી મયુર પરીખે ખેલાડીઓને બિરદાવ્યા હતા, અને તેઓએ એસોસિએશન કેવી રીતે સિનિયર પ્રતિભાઓને વિકસિત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરે છે તેના પર ભાર મૂક્યો હતો. આ ઇવેન્ટ, ભારતીય બેડમિન્ટનમાં ઉભરી રહેલી પ્રતિભાઓના પ્રદર્શનની સાક્ષી બની હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.