ગુજરાતની રિન્યૂએબલ એનર્જીની કુલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 19,415 મેગાવોટ
નવી અને રિન્યૂએબલ એનર્જી તથા ઊર્જા મંત્રીનો રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણીને પ્રત્યુત્તર
સમગ્ર દેશમાં રિન્યૂએબલ એનર્જીની કુલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટીના મામલે 30મી જૂન 2022ની સ્થિતિએ 19,414.87 મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન પામે છે. ન્યૂ અને રિન્યૂએબલ એનર્જી તથા ઊર્જા મંત્રી શ્રી આર.કે. સિંઘ દ્વારા રાજ્યસભાના સભ્ય શ્રી પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં 19 જુલાઈ 2022ના રોજ રાજ્યસભામાં ઉપરોક્ત માહિતી રજૂ કરવામાં આવી હતી.
ઊર્જા મંત્રીના નિવેદન મુજબ, ગુજરાતની 19,414.87 મેગાવોટની રિન્યૂએબલ એનર્જીની કુલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં 9419.42 મેગાવોટ પવન ઊર્જા, 7806.80 મેગાવોટ સૌર ઊર્જા, 1990 મેગાવોટ મોટી હાઈડ્રો પાવર યોજના, 109.26 મેગાવોટ બાયો પાવર અને 89.39 મેગાવોટ નાની હાઇડ્રો પાવર યોજનાનો સમાવેશ થાય છે.
શ્રી નથવાણી દેશમાં રિન્યૂએબલ એનર્જીની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી તેમજ ઉત્પાદન તથા ભારતમાં રિન્યૂએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી/ આવનારી વિવિધ યોજનાઓ વિશે જાણવા માગતા હતા.
ઊર્જા મંત્રીના નિવેદન અનુસાર, સરકારે નાના ગ્રીડ કનેક્ટેડ સોલાર એનર્જી પાવર પ્લાન્ટ્સ, સ્ટેન્ડ-અલોન સોલાર પાવર્ડ એગ્રીકલ્ચર પંપ અને હાલના ગ્રીડ સાથે જોડાયેલા કૃષિ પંપના સોલરાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે PM-KUSUM સ્કીમ શરૂ કરી છે.
આ યોજના માત્ર ખેડૂતો માટે જ નહીં પણ રાજ્યો અને વીજ વિતરણ કરતી કંપનીઓ એટલે કે DISCOMs માટે પણ ફાયદાકારક છે, તેમ જણાવી તેમણે ઉમેર્યું કે રાજ્યો કૃષિ ગ્રાહકોને વીજળી માટે આપવામાં આવતી સબસિડી પર બચત કરશે અને DISCOMsને ટ્રાન્સમિશન અને વિતરણના નુકસાનને બચાવવા માટે વિતરણ માળખામાં છેક છેવાડા સુધી સસ્તી સોલાર ઊર્જા મળશે.
ઊર્જા મંત્રીના જણાવ્યા અનુસાર, 40,000 મેગાવોટ ક્ષમતાની સ્થાપનાના લક્ષ્ય માટે સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સના વિકાસ માટે જમીન, રસ્તાઓ, ટ્રાન્સમિશન સિસ્ટમ (આંતરિક અને બાહ્ય), પૂલિંગ સ્ટેશન, પાણી ઉપલબ્ધ થવાની શક્યતાઓ જેવી માળખાકીય સુવિધાઓની સાથે તમામ વૈધાનિક પરવાનગીઓ/મંજૂરીઓ સાથે યોજના તૈયાર કરવામાં આવી છે. આમ, સોલાર પ્રોજેક્ટ ડેવલપર્સને પ્લગ એન્ડ પ્લે જેવી ઝડપથી કામ કરવાની અનુકૂળતા મળી રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકારે ઉચ્ચ કાર્યક્ષમતા સોલાર પીવી મોડ્યુલ્સમાં ગીગા વોટ (GW) સ્કેલની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ ‘નેશનલ પ્રોગ્રામ ઓન હાઇ એફિશિયન્સી સોલર પીવી મોડ્યુલ્સ’ શરૂ કરી છે.
મંત્રાલયે ગ્રીડ સાથે જોડાયેલા સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટ્સ માટે રૂફટોપ સોલર પ્રોગ્રામ ફેઝ ટુ પણ શરૂ કર્યો છે. આ યોજના હેઠળ રેસિડેન્શિયલ સેક્ટર માટે સબસિડી પૂરી પાડવામાં આવે છે અને DISCOMsને નિર્ધારિત મર્યાદાથી વધુ ક્ષમતા હાંસલ કરવા માટે પર્ફોર્મન્સ લિન્ક્ડ ઇન્સેન્ટિવ આપવામાં આવે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.