Western Times News

Gujarati News

હૃદયરોગના દર્દીઓ માટે આશાની કિરણ બની ગુજરાતની યુ.એન. મહેતા હોસ્પિટલ

યુ.એન. મહેતા હોસ્પિટલમાં હૃદયરોગ સંબંધિત સારવાર પ્રક્રિયાઓ વર્ષ 2020માં 13,615થી વધીને વર્ષ 2023માં 29,510 થઈ –હાર્ટ સર્જરીઓની સંખ્યા 2020માં 3267થી વધીને 2023માં 7438 થઈ

યુ.એન. મહેતા હોસ્પિટલમાં આઉટ પેશન્ટ વિઝિટ્સ 2020માં 1,57,747થી વધીને 2023માં 3,35,124 થઈ છે, જ્યારે ઓગસ્ટ 2024 સુધીમાં 2,41,033 દર્દીઓનો ઇલાજ કરવામાં આવ્યો

ગાંધીનગર, 29 સપ્ટેમ્બર: તાજેતરના વર્ષોમાં, ગુજરાત હૃદયરોગની અદ્યતન સારવાર માટે એક પ્રમુખ ગંતવ્ય સ્થાન તરીકે ઉભર્યું છે, જે ભારતભરમાંથી તેમજ આંતરરાષ્ટ્રીય સરહદોની પારથી આવતા દર્દીઓને હૃદયરોગની ઉત્તમ સારવાર ઉપલબ્ધ કરાવે છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રયાસો અને વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના આરોગ્ય માળખામાં કરવામાં આવેલા સુધારાઓએ ગુજરાતને હૃદયરોગની સારવાર માટે એક ઉત્કૃષ્ટ મોડલ તરીકે સ્થાપિત કર્યું છે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે 29 સપ્ટેમ્બરનો દિવસ ‘વિશ્વ હૃદય દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે, ત્યારે ગુજરાતની યુ.એન. મહેતા હોસ્પિટલના હૃદયરોગ સંબંધિત પ્રયાસો પર ચર્ચા કરવી મહત્વપૂર્ણ બને છે. અમદાવાદમાં સ્થિત યુ.એન. મહેતા કાર્ડિયોલોજી અને રિસર્ચ સેન્ટર હૃદયરોગની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે આશાનું કિરણ બનીને ઉભર્યું છે. પોતાના સમર્પિત મેડિકલ સ્ટાફ અને અત્યાધુનિક સુવિધાઓ સાથે આ સંસ્થાએ અનેક લોકોની જિંદગીમાં બદલાવ લાવ્યો છે.

4 મહિનાના બાળક ઘનશ્યામને મળ્યું નવું જીવન

“જ્યારે અમને જાણ થઈ કે અમારા 4 મહિનાના બાળકને ગંભીર બીમારી છે, તો અમારા પગ તળેથી ધરતી સરકી ગઇ. અમને અમારા માસૂમ દીકરાની ખૂબ ચિંતા હતી અને અમને એ વાતનો પણ ડર હતો કે અમારો દીકરો ક્યારેય સાજો થઈ પણ શકશે કે નહીં. હૃદયરોગની સારવાર માટેનો ખર્ચ પણ અમારા માટે મોટી ચિંતાનો વિષય હતો. પણ ત્યારે અમને યુ.એન. મહેતા હોસ્પિટલ વિશે જાણવા મળ્યું અને અમે અમારા દીકરાનો ઇલાજ આ હોસ્પિટલમાં કરાવવાનો નિર્ણય કર્યો. જે પ્રકારની આરોગ્ય સુવિધાઓ તેમજ પ્રેમ અને સ્વાસ્થ્ય સંભાળ અમને યુ.એન. મહેતા હોસ્પિટલમાં મળ્યા, તેનાથી અમે ખૂબ જ અભિભૂત થઈ ગયા. ગુજરાત સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ અને યુ.એન. મહેતા હોસ્પિટલમાં મળેલી મફત સારવારના કારણે અમારો દીકરો આજે સંપૂર્ણ સ્વસ્થ છે અને અમારી સાથે છે.”

આ ભાવપૂર્ણ શબ્દો ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રહેતા હીનાબેન અને તેમના પતિ સુરેશભાઈના છે, જેમણે તેમના 4 મહિનાના દીકરા ઘનશ્યામના ગંભીર હૃદયરોગનો ઇલાજ યુ.એન. મહેતા હોસ્પિટલમાં કરાવ્યો હતો. નિષ્ણાંતો દ્વારા સ્વાસ્થ્ય સંભાળ અને સારવારના કારણે તેમના બાળકને એક નવું જીવન મળ્યું. ઘનશ્યામની સર્જરી 26 જુલાઈ, 2024ના રોજ યુ.એન. મહેતા હોસ્પિટલમાં થઈ હતી.

16 વર્ષીય પ્રણયના નિઃશુલ્ક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટે તેનું જીવન બદલી નાખ્યું

આ વર્ષની શરૂઆતમાં ગાંધીનગરના 16 વર્ષીય પ્રણયસિંહ વાઘેલાએ યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી અને હવે તેઓ એક સ્વસ્થ જીવનનો આનંદ લઇ રહ્યા છે. પોતાના અનુભવ વિશે જણાવતા પ્રણય કહે છે કે, “સર્જરી પહેલા હું ખૂબ ગભરાયેલો હતો, પરંતુ હોસ્પિટલના સ્ટાફે મને ઘર જેવું વાતાવરણ આપ્યું અને ડોક્ટરોએ બહુ જ કુશળતાથી મારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું, જેનાથી મને એક નવું જીવન મળ્યું. આ પ્રક્રિયા ગુજરાત સરકારના સ્કૂલ હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી, અને આ પહેલ હેઠળ પહેલી વાર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આ જીવનદાન માટે હું મને હૃદયનું દાન આપનાર દાતા અને ડોક્ટરો તેમજ નર્સોની આખી ટીમનો આજીવન આભારી રહીશ.” પ્રણયનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન 27 સપ્ટેમ્બર, 2022ના રોજ થયું હતું.

આ માર્મિક ઉદાહરણો દર્શાવે છે કે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં આશા, સાહસ અને કરૂણાસભર સ્વાસ્થ્યસંભાળની પરિવર્તનકારી શક્તિઓ છે, કારણકે આ હોસ્પિટલમાં હૃદયનો પ્રત્યેક ધબકાર મહત્વપૂર્ણ છે.

યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર: હૃદયરોગની સારવારમાં ગુજરાતની અગ્રણી સંસ્થા

છેલ્લા પાંચ વર્ષોમાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે પોતાની હાર્ટ પ્રોસીજર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો કર્યો છે, જે વર્ષ 2020માં 13,615થી વધીને 2023માં 29,510 સુધી પહોંચી છે. ઓગસ્ટ 2024 સુધીમાં, રાજ્યમાં 19,560 હાર્ટ પ્રોસીજર પૂરી કરવામાં આવી છે, જે ભારતમાં હૃદયરોગની સારવારમાં આ સંસ્થાની મહત્વપૂર્ણ ભૂમિકાને દર્શાવે છે.

યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર જટિલ સર્જરીઓ માટે પણ એક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. અહીંયા કરવામાં આવેલી હાર્ટ સર્જરીઓની સંખ્યા 2020માં 3267થી વધીને 2023માં 7438 થઈ ગઇ  છે, અને ઓગસ્ટ 2024 સુધીમાં 5440 સર્જરીઓ થઈ ચૂકી છે, જેમાં ઘણા હાઇ રિસ્ક ઇન્ટરવેન્શન એટલે કે ઉચ્ચ કોટિના જોખમોવાળા હસ્તક્ષેપ પણ સામેલ છે.

વ્યાપક સ્તરે વધી રહી છે આઉટ પેશન્ટ અને ઇન પેશન્ટ સુવિધાઓ

યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની તાકાત મજબૂત આઉટ પેશન્ટ અને ઇન-પેશન્ટ સંભાળ પણ છે. આ સંસ્થામાં આઉટ પેશન્ટ વિઝિટ્સ 2020માં 1,57,747થી વધીને 2023માં 3,35,124 થઈ ગઈ, જ્યારે ઓગસ્ટ 2024 સુધીમાં આ હોસ્પિટલમાં 2,41,033 દર્દીઓની સારવાર થઈ ચૂકી છે. અહીંયા ઇન-પેશન્ટ સ્વાસ્થ્ય સંભાળ સેવાઓનો પણ વિસ્તાર થઈ રહ્યો છે, જેમાં નિયમિત મોનિટરિંગથી લઇને પોસ્ટ-સર્જરી સપોર્ટ સુધીની સુધીની સેવાઓ સામેલ છે, જેના કારણે હૃદયરોગની સારવાર માટે ગુજરાતની પ્રતિષ્ઠા વધુ મજબૂત થઈ રહી છે.

યુ.એન. મહેતા હોસ્પિટલને મળી રહી છે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ

યુ.એન. મહેતા હોસ્પિટલ તેની હૃદયરોગ સંબંધિત સ્વાસ્થ્ય સંભાળ અને સારવાર સુવિધાઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ મેળવી રહી છે. આ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હૃદયરોગના આંતરરાષ્ટ્રીય દર્દીઓની સંખ્યા 2020માં 21થી વધીને 2023માં 195 થઈ ગઈ છે. ઓગસ્ટ 2024 સુધીમાં અહીંયા 134 વધુ હૃદયરોગના આંતરરાષ્ટ્રીય દર્દીઓએ પોતાનો ઇલાજ કરાવ્યો છે, જે આ સંસ્થાની પોસાય તેવી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર સેવાઓના કારણે શક્ય બન્યું છે.

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ મામલે યુ.એન. મહેતા હોસ્પિટલ બની રહી છે માઇલસ્ટોન

યુ.એન. મહેતા હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ મામલે પણ મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. 2022માં આ હોસ્પિટલમાં કરવામાં આવેલા કેટલાક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા અને 2023માં 14 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન સફળ રહ્યા. ઓગસ્ટ 2024 સુધીમાં રાજ્યમાં 18 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન્સ કરવામાં આવ્યા છે, જે આ હોસ્પિટલની જટિલ હાર્ટ સર્જરીઓને સંભાળી શકવાની ક્ષમતા દર્શાવે છે.

ગુજરાત આરોગ્ય ક્ષેત્રે પોતાની અદ્યતન માળખાકીય સુવિધાઓ, કુશળ પ્રોફેશનલ્સ અને પોસાય તેવી તેમજ ઉત્તમ આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે ભારતમાં હૃદયરોગની સારવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.