Western Times News

Gujarati News

ગુજકોમાસોલની સફળતા: કચરામાં ફેંકી દેવાતા કેળના થડમાંથી કાપડ, કાગળ, ગમ, ખાતર જેવા ઉત્પાદનો બનાવ્યા

ગુજકોમાસોલનું કોર્પોરેટ હાઉસ ગાંધીનગરમાં 5 વિઘા જમીનમાં તૈયાર કરવામાં આવ્યુ છે. જેમાં આધુનિક બોર્ડ રૂમ, કેન્ટીન તેમજ અન્ય સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. 

અમદાવાદ, રાષ્ટ્રીય સહકારી સંઘ (NCUI), ઈફકો (IFFCO) અને ગુજકોમાસોલના અધ્યક્ષ તેમજ અમરેલીના પૂર્વ સાંસદ શ્રી દિલીપ સંઘાણીએ જણાવ્યું કે ગુજકોમાસોલ  ઉત્તરોત્તર પ્રગતી કરી રહ્યુ છે અને એક સમયે જે ગુજકોમાસોલનો નફો 4 થી 5 કરોડ હતો તે આજે 125 કરોડ રૂપિયાનો છે.

જ્યારથી દિલીપભાઈ સંઘાણીએ ગુજકોમાસોલનો વહીવટ સંભાળ્યો છે ત્યારથી ગુજકોમાસોલના તમામ કાર્યસ્થળોની કાયાપલટ કરવાનું કાર્ય શરૂ કરી દેવાયુ છે. ગાંધીનગરમાં 5 વિઘા જમીનમાં આધુનિક સુવિધાઓથી સજ્જ કોર્પોરેટ હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. આ અંગે દિલીપભાઈએ જણાવ્યુ હતું કે, ગુજકોમાસોલના કોર્પોરેટ હાઉસનો “આત્મા કો-ઓપરેટીવનો છે પરંતુ લુક કોર્પોરેટ છે”. 

શ્રી દિલીપભાઈ સંઘાણીએ પર્યાવરણીય સંરક્ષણ અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે એક નવીન પહેલની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, “અત્યાર સુધી કેળના થડને કચરામાં નાંખી દેવામાં આવતું હતું, પરંતુ હવે ખેડૂતોને કેળના થડમાંથી કાપડ, કાગળ, ગમ અને ઓર્ગેનિક ખાતર બનાવવા માટે પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યુ છે અને જરૂરી મશીનરી ખરીદવા માટે આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે.”

ગુજકોમાસોલ ભરૂચ જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોના કેળા ઉગાડતા ખેડૂતો પાસેથી કેળાના સ્યુડો-સ્ટેમ ખરીદશે. કેળાના લૂમ દૂર કર્યા પછી કેળાના સ્યુડો-સ્ટેમ (થડ)નો નિકાલ કરવા માટે, ખેડૂતો પ્રતિ હેક્ટર રૂ. ૧૨૦૦૦ થી રૂ. ૧૫૦૦૦ ખર્ચ કરી રહ્યા છે. તેથી, તે ખેડૂતોને આર્થિક લાભ મળશે અને કેળાના સ્યુડો-સ્ટેમ ના નિકાલની સમસ્યા હલ થશે તેમજ તેનાથી થતા પ્રદૂષણને અટકાવશે.

ગુજકોમાસોલ  ભરૂચ જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોના કેળા ઉગાડતા ખેડૂતો માટે મફત તાલીમ, માહિતી શિબિર પૂરી પાડી રહ્યુ છે. ખેડૂતોને તેમના ખેતરમાં રાસ્પોડોર મશીન સ્થાપિત કરવા, તેમના કચરામાંથી કેળાના સ્યુડો-સ્ટેમમાંથી ફાઇબર ઉત્પન્ન કરવા, ઉત્પાદિત ફાઇબર ગુજકોમાસોલને વેચવા અને તેનાથી આવક મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે.

ગુજકોમાસોલ કેળાના થડમાંથી કેળાના સ્યુડો-સ્ટેમ ન્યુટ્રિઅન્ટ લિક્વિડ, વિવિધ કેળાના ફાઇબર આર્ટિકલ, વર્મીકમ્પોસ્ટ/મલચ વગેરેનું ઉત્પાદન કરવાની પણ યોજના ધરાવે છે.

મહેસાણામાં નવા એક્સપોર્ટ યુનિટની સ્થાપના અંગે પણ માહિતી આપતાં તેમણે કહ્યું કે આ યુનિટ દ્વારા ગુજરાતના ઉત્પાદનો વિશ્વભરમાં નિકાસ કરવામાં આવશે. “આગામી ત્રણ વર્ષમાં ‘ગુજકો’ બ્રાન્ડના નામે દેશભરમાં વિવિધ મોલ્સની સ્થાપના કરવાની યોજના છે,” તેમ શ્રી સંઘાણીએ ઉમેર્યું.

શ્રી સંઘાણીએ ઈફકોની સફળતા વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ૩૫ કંપનીઓ યુરિયા ઉત્પાદન કરે છે, જેમાં ઈફકો અગ્રેસર છે. તેમણે નેનો યુરિયાની વિશેષતાઓ અને લાભો વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી, જે ખેડૂતો માટે અત્યંત લાભદાયી સાબિત થઈ રહી છે.

આ પહેલથી ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થવાની સાથે કચરાના નિકાલનો પ્રશ્ન પણ ઉકેલાશે અને પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદ મળશે.

‘ગુજકો’ બ્રાન્ડના મોલના વિસ્તરણની ગુજરાતમાં આગામી ત્રણ વર્ષમાં યોજના

ગુજરાત રાજ્ય સહકારી માર્કેટિંગ સંઘ લિમિટેડ (ગુજકોમાસોલ) દ્વારા એક મહત્વપૂર્ણ વ્યવસાયિક પગલાંની જાહેરાત કરવામાં આવી છે. સંસ્થાએ ‘ગુજકો’ નામની બ્રાન્ડ હેઠળ આગામી ત્રણ વર્ષમાં રાજ્યભરમાં વિવિધ મોલ્સની સ્થાપનાની મહત્વાકાંક્ષી યોજના બનાવી છે.

ગુજકોમાસોલના અધ્યક્ષ અને ઈફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ આ યોજના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ ખેડૂતોથી લઈને ગ્રાહકો સુધીની શૃંખલાને મજબૂત બનાવવાનો છે. ‘ગુજકો’ બ્રાન્ડના મોલ્સ દ્વારા અમે ખેડૂતોના ઉત્પાદનોને સીધા ગ્રાહકો સુધી પહોંચાડીશું, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઘટશે અને ખેડૂતોને તેમની ઉપજનું વાજબી મૂલ્ય મળશે.”

પ્રથમ તબક્કામાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર જેવા મુખ્ય શહેરોમાં ‘ગુજકો’ મોલ્સની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કામાં નાના શહેરો અને મોટા ગામડાઓમાં પણ આ મોલ્સનું વિસ્તરણ કરવામાં આવશે. આ મોલ્સમાં ખેતી સંબંધિત સાધનો, બીજ, ખાતર, કિટનાશકો ઉપરાંત શાકભાજી, ફળો અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

વધુમાં જણાવ્યું હતું કે, “અમારો લક્ષ્યાંક માત્ર વ્યાવસાયિક સફળતા મેળવવાનો નથી, પરંતુ સહકારી ક્ષેત્રની મજબૂતીકરણ અને ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં યોગદાન આપવાનો પણ છે. ‘ગુજકો’ મોલ્સ ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સેતુરૂપ બનશે.”

આ પહેલથી આગામી પાંચ વર્ષમાં આશરે ૫૦૦૦ લોકોને રોજગારીની તકો ઉપલબ્ધ થશે અને સહકારી ક્ષેત્રમાં નવા પ્રયોગો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ગુજકોમાસોલનું ટર્નઓવર 1600 કરોડ હતું જે દિલીપભાઈ સંઘાણીનાં નેતૃત્વ મા વધીને 9000 કરોડ થયું. ગુજકોમાસોલે ગત વર્ષે ૧૨૫ કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો, જે સંસ્થાની નાણાકીય મજબૂતીનો પુરાવો છે. શ્રી સંઘાણીએ ઉમેર્યું હતું કે, “ગુજકો બ્રાન્ડ રાજ્યની પ્રગતિ અને સમૃદ્ધિનું પ્રતીક બનશે. અમે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.