ગુજકોમાસોલ તેની પ્રોડક્ટસનાં વેચાણ માટે રાજ્યભરમાં 250 મોલ બનાવશે

મહેસાણાના લોજિસ્ટિક પાર્કથી ૪ લાખ ખેડૂતોને લાભ થશે
મહેસાણા, ખેડૂતોની ખેતપેદાશોને મૂલ્યવર્ધક બનાવી સીધા એક્ષ્પોર્ટની વ્યવસ્થા સાથેનો ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક પાર્ક મહેસાણામાં પાલાવાસણા રોડ પર આરટીઓ પાસે ર૧ એકર જગ્યામાં રૂ.૬પ કરોડના ખર્ચે બે વર્ષમાં તૈયાર કરી દેવામાં આવશે.
સોમવારે રાજયના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીના હસ્તે આ પાર્કનું ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે ચેરમેન સંઘાણીએ કહ્યું કે, ખેડૂતોની ઉપજને વેલ્યુએડેડ બનાવવા માટેનો આ પ્રોજેકટ ખેડૂતોની સમૃદ્ધિ સાથે નવી રોજગારી ઉભી કરશે.
આ પાર્ક એક વર્ષમાં પૂરો થઈ જશે. આગામી સમયમાં મહેસાણામાં રૂ.૩૦૦ કરોડના પ્રોજેકટ બનાવવાની પણ વિચારણા છે. જયારે રાજયમાં ખેડૂતોને નાની-મોટી ચીજવસ્તુ, પ્રોડકટના વેચાણ માટે માર્કેટ મળી રહે તે માટે ગુજકોમાસોલ રપ૦ મોલ ઉભા કરનાર છે.
મહેસાણાના ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક પાર્કથી ઉત્તર ગુજરાતના પાંચ અને અમદાવાદ, ગાંધીનગર સહિત સાત જિલ્લાની ર૦૦૦ મંડળીઓ અને ચાર લાખ ખેડૂતોને ફાયદો થશે. ખેડૂતોની ખેતપેદાશોને પ્રોસેસિંગ કરી સીધી એક્ષ્પોર્ટ કરવામાં આવશે.