ગુજ-રાજ યુવા સંઘ દ્વારા રાજસ્થાનના સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગ ઉજવણી
અમદાવાદ ખાતે ગુજ-રાજ યુવા સંઘ દ્વારા આયોજિત ૧૯મા હોલી સ્નેહ સંમેલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ
આપણે સૌ વિવિધ રંગોથી રંગાઈને હોળીની ઉજવણી કરીએ છીએ, પરંતુ આપણે સૌએ દેશપ્રેમના રંગમાં રંગાઈ જવું જોઈએ: મુખ્યમંત્રીશ્રી
અમદાવાદ ખાતે ગુજ-રાજ યુવા સંઘ દ્વારા ૧૯મા હોલી સ્નેહ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજનો દિવસ રાજસ્થાનને સમર્પિત રહ્યો છે. આજે જ બ્રહ્માકુમારીના ભારત નશામુક્તિ અભિયાનની શરૂઆત કરાવવા રાજસ્થાનની મુલાકાત લેવાનું બન્યું અને સાંજે અમદાવાદમાં રાજસ્થાનને ફરી મળવાનું થઈ રહ્યું છે, તેનો ખૂબ જ આનંદ થઈ રહ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આમ તો દેશભરમાં હોળીની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ રાજસ્થાનમાં જે રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે, તે અદભુત રીતે કરવામાં આવે છે, તે જોઈને ખૂબ જ આનંદ અનુભવાય છે, આપણે સૌ વિવિધ રંગોથી રંગાઈને હોળીની ઉજવણી કરીએ છીએ પરંતુ આપણે સૌએ દેશપ્રેમના રંગમાં રંગાઈ જવું જોઈએ અને દેશને આત્મનિર્ભર ભારતની દિશામાં આગળ વધારવા કાર્યરત થવું જોઈએ, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની દિશામાં ઉમદા કામગીરી કરી છે, જેનું પરિણામ છે કે આપણે સૌ વિવિધ તહેવારોને એકસાથે મળીને ઊજવીએ છીએ, તેવું તેમણે ઉમેર્યું હતું.
અંતે તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ આપણે સૌ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસની દિશામાં આગળ વધીએ અને દેશમાં વિકાસની ગતિશીલતાને વેગ આપીએ.
આ પ્રસંગે ગુજ-રાજ યુવા સંઘ દ્વારા રાજસ્થાનના સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દસ્ક્રોઇના ધારાસભ્ય શ્રી બાબુભાઈ જે. પટેલ, બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશભાઈ કુશવાહ, પ્રદેશ કારોબારી સભ્ય દિનેશભાઈ શર્મા, ગુજરાજ યુવા સંઘના સંયોજક શ્રી ભરતભાઈ રાજપુરોહિત તથા સંઘના વિવિધ સભ્યો અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.