કચ્છમાં મીઠાની જમીન મામલે ગોળીબાર થયો
કચ્છ, કચ્છના રણમાં મીઠું પકવવાની જમીન કબજે લેવા બાબતે થયેલા ગોળીબાર તથા હિંસક હુમલામાં એકનું મોત નિપજ્યું છે જ્યારે ત્રણ વ્યક્તિ લોહીલુહાણ થઈ હતી.
પાંચ ગાડીઓ ભરીને આવેલા એક જૂથે બીજા જૂથ પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગતા ઘટનાસ્થળે જ ઢળી પડ્યો. ગોળી માર્યા બાદ હોસ્પિટલમાં લઈ જવાતા ઈજાગ્રસ્તને ગાડીથી કચડવાનો પણ પ્રયાસ કરાયો હતો.
પોલીસે ૧૭ જેટલા આરોપી સામે હત્યા સહિતના ગુનાની ફરિયાદ નોંધી તમામને પકડી લેવા કવાયત હાથ ધરી છે. શિકારપુર નજીક રણમાં જ્યાં ઘુડખર અભ્યારણ વિસ્તારમાં આવેલા છે, તે વિસ્તારમાં મીઠાના જૂના કારખાના પર કબજો જમાવવા બાબતે હિંસક ધીંગાણામાં ત્રણ લોકો પર આરોપીઓએ બોલેરો ગાડી ચડાવી હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે કાનમેરના ફરિયાદી મગનભાઈ ગોહિલે સામખિયાળી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ સોમવારે બપોરે ફરિયાદી સહિત ૧૧ લોકો શિકારપુર નજીકના રણમાં આવેલા મીઠાના જૂના કારખાના પર ગયા હતા.
દરમિયાન સાંજે ૪.૩૦ના આરસામાં આરોપી ભરત દેવા ભરવાડ, ભરત રવા વાઘેલા, સબરા પાલા વાઘેલા, દેવા કરશન ડોડિયા, ઈશ્વર રજપૂત, શક્તિ ડાયા ડોડિયા, બળદેવ ગેલા રજપૂત, રાયપણ ઉસેટિયા, વિજય રાયધણ ઉસેટિયા, કાજા અમરા રબારી, વિરમ રબારી, સતીષ કલા ભરવાડ, લખમણ દેવા ભરવાડ, અજા ટપુ ભરવાડ, રૂપા ટપુ ભરવાડ, થાવર આંબા રબારી અને સવા રતના રબારી બોલેરો અને કાર લઈને આવ્યા હતા.
બંદૂક, ધારિયા અને ધોકા સહિતનાં હથિયારો પણ સાથે લાવ્યાં હતાં. આરોપીઓએ મીઠાના જૂના કારખાનાવાળી જગ્યા ખાલી કરી દેવાનું કહી ધમકી આપી હતી. જે બાદ ત્રણ આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. જેમાં ફરિયાદી સાથે આવેલ દિનેશ કોલીને માથાના ભાગે, મુકેશ બેચરા અને રમેશ હઠા ભરવાડને પગના ભાગે તેમજ વલીમામદને નાકના ભાગે ગોળી લાગતા ઈજાઓ પહોંચી હતી.
દિનેશને માથામાં ગોળી વાગતા આરોપીઓ એક સમયે પોતાની ગાડીઓ તરફ ગયા હતા. એ દરમિયાન દિનેશને સારવાર માટે બાઈક પર લઈ જવા રણ માર્ગે રવાના થતા આરોપીઓએ બોલેરો ગાડી બાઈક પર ચડાવી હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હતો.
હિંસક ધીંગાણામાં ઘાયલ થયેલા ચાર લોકોને સામખિયાળી અને ગંભીર ઈજા પામેલ એકને રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.SS1MS