સુરતમાં બાળકના મોત બાદ વરસાદી ગટરમાં ડ્રેનેજ કનેકશન દૂર કરવાનું શરૂ કરાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/04/gutter-1024x843.jpg)
પ્રતિકાત્મક
રાંદેર અને પાલ વિસ્તારમાં ઝુંબેશ, ગેરકાયદે ડ્રેનેજ કનેકશન દૂર કરાયા
સુરત, શહેરના રાંદેર ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ વરિયાવ ખાતે સ્ટ્રોમ ડ્રેનેજની ગટરમાં ખાબકતા માત્ર બે વર્ષના માસૂમ કેદારના મોતને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી છે. આ ઘટનામાં પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવાની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કાર્યપાલક ઈજનેર તેજસ પટેલ સહિત ચાર કર્મચારીઓને નોટિસ પાઠવવામાં આવી છે.
અલબત્ત, હવે મહાપાલિકા દ્વારા રાંદેર ઝોનમાં વધુ એક વખત ગેરેકાયદે ડ્રેનેજ કનેકશન વિરૂદ્ધ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મંગળવારે પાલ રોડ પર પાલિકાની ટીમ દ્વારા ઝુંબેશ હાથ ધરીને ગેરકાયદેસર ડ્રેનેજ કનેકશનો તાકીદના ધોરણે સીલ કરાયા છે.
ગત પમી ફેબ્રુઆરીના રોજ અમરોલી-વરિયાવ પાસે બુધવારી બજાર નજીક માતા સાથે ગયેલા બે વર્ષીય બાળક કેદાર વેગડ સ્ટ્રોમ ડ્રેનેજના મેનહોલમાં પડી ગયો હતો. ભારે શોધખોળને અંતે ર૪ કલાક બાદ વરિયાવ પમ્પીંગ સ્ટેશનમાંથી કેદારનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે શહેરીજનોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો હતો
આ ઘટનાને પગલે પાલિકાના વહીવટી તંત્ર દ્વારા શહેરભરમાં તૂટેલી અને જર્જરિત ગટરોના ઢાંકણા રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ આજે સવારથી રાંદેર ઝોનમાં અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદે ડ્રેનેજ કનેકશન દૂર કરવા માટેની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે તેમાં પાલ ખાતે ગિરનાર હોટલ નજીક આવેલી સ્ટ્રોમ ડ્રેનેજની લાઈનમાં ગેરકાયદેસર કનેકશન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.