ગટર સાફ કરી રહેલા શ્રમિકનો ગેસ ગળતરના કારણે શ્વાસ રૂંધાયો

પ્રતિકાત્મક
અમદાવાદના વસ્ત્રાપુરમાં ગટર સાફ કરવા ઉતરેલા કર્મચારીનું મોત-ગેસ ગળતરના કારણે શ્રમિકનું મોત
(એજન્સી)અમદાવાદ, દેશભરમાં ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવે છે. ટેન્કોલોજીમાં હરણફાળ ભરવાની વાત કરવામાં આવે છે પરંતુ, ગુજરાતમાં હજુ સુધી ગટર સાફ કરવાને લઈને કોઈ જ ટેન્કોલોજી વિકસિત કરવામાં નથી આવી. યોગ્ય મશીનરી અને ટેન્કોલોજીના અભાવે અવાર-નવાર ગટર સાફ કરવા માટે શ્રમિકોએ ગટરની અંદર ઉતરવું પડે છે.
જે દરમિયાન ગેસ ગળતરના કારણે શ્રમિકો મોતને ભેટે છે. આવો જ કિસ્સો ફરી અમદાવાદના પોષ વિસ્તારમાં બન્યો છે. જેમાં વસ્ત્રાપુરમાં ગટર સાફ કરતા દરમિયાન એક શ્રમિકનું મોત નિપજ્યું છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં સુભાષ પાર્ક પાસે મંગળવારે લાલા પટેલ નામનો શ્રમિક ગટર સાફ કરવા માટે અંદર ઉતર્યાે હતો. એક ખાનગી સોસાયટી દ્વારા શ્રમિકને ગટર સાફ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો.
શ્રમિક ગટર સાફ કરતો હતો તે દરમિયાન સાંજે ૬ વાગ્યાની આસપાસ તેનું ગેસ ગળતરના કારણે શ્રમિકનો શ્વાસ રૂંધાયો અને તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
ફાયરની ટીમ દ્વારા શ્રમિકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ, મૃતક શ્રમિક કોર્પાેરેશનનો કર્મચારી હતો. ત્યારે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, કોર્પાેરેશન દ્વારા શ્રમિકને સુરક્ષાના સાધનો પૂરા પાડવામાં કેમ નહતાં આવ્યા? ક્યાં સુધી વિકસિત અમદાવાદને સુંદર બનાવી રાખનારા સફાઈ કામદારો સુરક્ષાના અભાવે મોતના મોંમાં ધકેલાતા રહેશે? સમગ્ર મુદ્દે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.