Western Times News

Gujarati News

પાટણનાં ખેતરોમાં ભૂગર્ભ ગટરનાં પાણી ફરી વળ્યાં

પ્રતિકાત્મક

ખેડૂતો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરાતાં રૂબરૂ સ્થળ મુલાકાત કરી

પાટણ, પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલા માખણીયા પરા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે. ખેતરોમાં ભરાયેલા દૂષિત પાણીના કારણે ખેડૂતોને ખેતરમાં અવર-જવર માટેના રસ્તા પણ બંધ થઈ ગયા છે.

આ બાબતની જાણ પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલને કરતાં ગુરુવારે તેમણે રૂબરૂ સ્થળ તપાસ કરવાની સાથે ટ્રેકટરમાં બેસીને ભૂગર્ભ પાણીથી ભરાયેલા ખેતરોનું નિરીક્ષણ કર્યું હતું તેમજ સ્થળ પર પાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયરને બોલાવી તેઓની પાસે પણ સમસ્યાનું જાત નિરીક્ષણ કરાવ્યું હતું.

ખેતરોમાં ફરી વળેલા ભૂગર્ભ ગટરના દૂષિત પાણીને લઈ પાટણ ધારાસભ્ય પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પાલિકાના અણઘડ વહીવટને કારણે ખેડૂતોને આ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે તેમણે ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવા માટે જવાબદાર અધિકારીઓ સાથે ટેલીફોનિક વાતચીત કરી ખેડૂતોને નુકસાનનું વળતર મળી રહે અને આ ભૂગર્ભ ગટરના પાણી ઝડપથી ખેતરમાં આવતા બંધ થાય તે દિશામાં પાલિકાએ પ્રયત્નો હાથ ધરવા જણાવ્યું હતું.

આ બાબતે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા શહેરનું ભૂગર્ભ ગટરનું પાણી કેનાલ મારફતે માખણીયા તળાવમાં ટ્રીટ કરીને ઠાલવવામાં આવે છે જે પાણી શિયાળા અને ઉનાળા દરમિયાન આ વિસ્તારના ખેડૂતો ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ ચોમાસાના સમયમાં ખેડુતો આ પાણીનો ઉપયોગ ન કરતા હોઈ અને વરસાદના કારણે માખણીયા તળાવમાં પાણીનો ભરાવો થયો હોઈ આજુબાજુના ખેતરમાં પાણી ફરી વળ્યા છે.

આથી સરકારી ધારા ધોરણ મુજબ ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર નગરપાલિકા દ્વારા સર્વે કરીને ચૂકવવામાં આવશે અને માખણીયા તળાવમાં ભરાતા પાણીના નિકાલ માટે પાઈપલાઈન મારફતે જયુડીસીને કામ માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોવાનું પણ તેઓએ જણાવી માખણીયા વિસ્તારમાં સર્જાતી ભૂગર્ભના પાણીની સમસ્યા નિરાકરણ માટે પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું.

પાટણ શહેરના માખણીયા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં ફરી વળેલા ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ના મામલે પાટણના ધારાસસભ્યને કરાયેલી રજૂઆતના પગલે સ્થળ પર દોડી આવેલા અધિકારીઓએ ખેડૂતોના પાકના ફરી વળેલા દૂષિત પાણી મામલે નિરાકરણની ખાતરી આપતા ખેડૂતોએ પાટણના ધારાસભ્યની ખેડૂત હિતમાં કરાયેલી રજૂઅત ને કામગીરીને સરાહનીય લેખાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.