કારખાનાના માલિકનું ફેસબુક એકાઉન્ટ હેક કરી ફોટા મોર્ફ કરી 10 લાખ પડાવ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/Facebook.webp)
પ્રતિકાત્મક
બ્લેક મેઈલીંગના કારણે કારખાનેદારે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું-છ દિવસ પહેલા શાપર-વેરાવળમાં ઝેરી દવા પી લીધી’તી ઃ મૃતકના મોબાઈલ ફોનનો ડેટા મેળવીને કાર્યવાહી કરાશે
રાજકોટ, ન્યુડ ફોટા અને બ્લેકમેઈલના કારણે અહી સોરઠિયાવાડી સર્કલ પાસેના વિષ્ણુનગરમાં રહેતા અને શાપર વેરાવળમાં કારખાનું ધરાવતા ૪૦ વર્ષના ગીરીશભાઈ અમરશીભાઈ ભેંસદડિયાએ વિષપાન કરીને જીવનનો અંત આણ્યો હતો.
છ દિવસ પહેલા તા.રરમીએ ઈમિટેશનનો ધંધો કરતા અને શાપર વેરાવળમાં કારખાનું ધરાવતા ગિરીશભાઈ ભેંસદડિયા શાપર વેરાવળમાં જાેલી ઈન્ડસ્ટ્રીઝની બાજુમાં નદીના કાંઠે ઝેરી દવા પી લીધી હતી. બાદમાં તેણે તેના ભાણેજને મે દવા પી લીધી છે તું પરિવારનું ધ્યાન રાખજે તેવો ફોન કર્યો હતો. આ ફોનના પગલે તેના પરિવારજનો શાપર દોડી ગયા હતા.
ગિરીશભાઈને તાકીદે સારવાર માટે અહીની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા જયાં તેમનું મૃત્યુ નીપજયું હતું.
મૂળે અમરેલીના વાવડી ગામના વતની અને ૧૩ વર્ષના પુત્રના પિતા એવા ગિરીશભાઈના પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા ગિરીશભાઈનું ફેસબુક એકાઉન્ટ કોઈએ હેક કર્યું હતું બાદમાં તેમાંથી ગિરીશભાઈના ફોટા મોર્ક કરીને ન્યુડ બનાવી નાખ્યા હતા.
આ ફોટા તેને મોકલીને વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલીંગ શરૂ કરાયું હતું છેલ્લા એક વર્ષ દરમિયાન જુદા જુદા ફોન નંબર પરથી ફોન કરીને તેની પાસેથી રૂ.૧૦ લાખ જેવી રકમ પડાવી લેવામાં આવી હતી. આવડી મોટી રકમ આપ્યા છતાં આ શખસો દ્વારા વધુ રકમની માગણી કરવામાં આવતી હતી.
તેનાથી ગળે આવી જઈને ગીરીશભાઈએ આ પગલું ભર્યું હતું. તેણે ઝેરી દવા પી લીધા બાદ તેનો મોબાઈલ ફોન પણ તુટેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે મોબાઈલ ફોન કબજે કરીને એફએસએલમાં તેના કોલ ડિટેઈલ સહિતનો ડેટા મેળવવા પ્રયાસ શરૂ કર્યો છે.
મોબાઈલ ફોનમાંથી મળનાર માહિતીના આધારે કાર્યવાહી કરાશે તેમ તપાસનીશ અધિકારી દ્વારા જણાવવામાં આવે છે. હાલમાં પોલીસે ઈમિટેશનના ધંધાર્થી કમ કારખાનેદાર ગિરીશભાઈ ભેંસદડિયાના આપઘાત પાછળનું કારણ શું છે ? તે અંગે તેમના પરિવારજનોના નિવેદન લેવા સહિતની કાર્યવાહી ચાલી રહી છે.