અમદાવાદમાં અડધો ઈંચ વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયાઃ ટ્રાફિક જામ થયો
૭૦ કરોડથી વધુના ખર્ચે બનેલા પાલડી જલારામ અન્ડરબ્રિજના ભ્રષ્ટાચારના પોપડા ઉખડી ગયા હોય તેમ રોડ તૂટી ગયેલો હતો
શુક્રવારે સાંજે પડેલા વરસાદથી ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયાઃ અમદાવાદમાં બે દિવસ ભારે વરસાદની આગાહી
અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ શહેરમાં અસહ્ય ઉકળાટ વચ્ચે શુક્રવારે સાંજે ધોધમાર વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતા.
ઓફિસેથી ઘરે જઈ રહેલા નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. એસ.જી.હાઈવે, નારોલ, નરોડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પ્રથમ વરસાદમાં જ અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ વિકટ બનતાં આગામી સમયમાં નાગરિકોને વધુ મુશ્કેલીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. અમદાવાદ શહેરમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. શુક્રવાર બપોરે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને શહેરના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે પરંતુ, માત્ર વરસાદી ઝાપટા પડી બંધ થઈ જાય હતા.
જો કે, સાંજે એકાએક શહેરના લો ગાર્ડન, પરિમલ ચાર રસ્તા, એલિસ બ્રિજ, જમાલપુર, શિવરંજની, એસ.જી. હાઇ-વે, ખમાસા, પાલડી, એલિસબ્રિજ, આશ્રમરોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આમ શહેરમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જો કે આ અડધો ઈંચ વરસાદે ભ્રષ્ટાચારની પોલી ખોલી નાંખી છે. ૭૦ કરોડમાં બનેલા જલારામ બ્રિજના રોડના સળિયા દેખાઈ ગયા હતા. જ્યારે મકરબા હેડક્વાર્ટરમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત ઉજાલા સર્કલ પાસે રોડ બેસી જતા આઇશર ટ્રક ફસાતા તેને ક્રેનથી કાઢવી પડી હતી.
શહેરમાં થયેલ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાના કારણે અમુક જગ્યાએ વાહનચાલકો પણ અટવાયા હતા. ભારે ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોને બફારાથી રાહત મળી છે. તો બીજી તરફ સાબરમતી ચીમનભાઈ બ્રિજ ઉપરથી કેશવનગર સેન્ટ્રલ જેલ તરફ જવાના રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપ તૂટી જવાના કારણે સીધું પાણી રોડ ઉપર પડયું હતું,
જેના કારણે વાહનચાલકોને અવરજવરમાં તકલીફ પડી હતી. સાંજે ૫ વાગ્યા બાદ એસ.જી. હાઈવે, સરખેજ, મકરબા, જોધપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સરખેજ વિસ્તારમાં ૨૦ મિનિટમાં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ભારે વરસાદના પગલે મકરબા હેડ ક્વાર્ટર પાસે પાણી ભરાઈ ગયા હતા અને ગટરના પાણી બેક મારતા રોડ પર પાણી પાણી થઈ ગયું હતું.
પૂર્વ વિસ્તારમાં જશોદાનગર પાસે આવેલા પુનિત નગરમાં માત્ર અડધો ઇંચ જેટલા વરસાદમાં જ રોડ પર પાણી ભરાઈ ગયા હતા. કરોડો રૂપિયાના ખર્ચે ગટર લાઈનો સાફ કરી હોવા ના દાવા પોકળ સાબિત થયા હતા. પાલડી જલારામ અંડરબ્રિજનો રોડ તૂટી ગયો શહેરના પશ્ચિમ વિસ્તારમાં તાજેતરમાં જ બે મહિના પહેલા ઉદ્ઘાટન કરવામાં આવેલા પાલડી જલારામ અન્ડરબ્રિજના ભ્રષ્ટાચારના પોપડા ઉખડી ગયા હોય તેમ રોડ તૂટી ગયેલો હતો અને એક સળીયા દેખાવા લાગ્યા છે.
૭૦ કરોડથી વધુના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રેલવે અને મેટ્રો દ્વારા સંયુક્ત રીતે આ અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ તેની કામગીરીને લઈને હવે સવાલ ઊભા થયા છે. શુક્રવાર સાંજે ૫થી ૭ વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ સરખેજ વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડયો તો જ્યારે જોધપુર, એસજી હાઇવે, વાસણા, મકતમપુરા, વટવા, રખિયાલ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
બાકીના અન્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. માત્ર સામાન્ય વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સામાન્ય વરસાદ પડે તો પાણી તરત જ નિકાલ થઈ જવો જોઈએ પરંતુ સામાન્ય વરસાદમાં પણ પાણી એક કલાક સુધી નીકળ્યું નહોતું. જેથી પ્રીમોનસુન કામગીરી જ નથી થઈ તેવું સ્પષ્ટ જણાય છે. જો કે, ગઈકાલ સુધીના હવામાન વિભાગના અનુકરણ અનુસાર ગુજરાતના મધ્ય ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું હતું.
જેને કારણે ગુજરાતના મધ્ય ભાગમાં એટલે કે, અમદાવાદ અને ગાંધીનગર સિવાય આસપાસના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી ઉપરાંત વરસાદ પણ વરસી રહ્યો હતો, પરંતુ આજે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આજે સર્ક્યુલેશનની સ્થિતિ ગુજરાતના દક્ષિણ ભાગમાં છે.