હાલોલ- ગોધરા હાઇવે પર બંધ દુકાનમાંથી 7 હજાર નંગ વિદેશી દારૂની બોટલો ઝડપાઈ
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લા એલસીબી અને ટાઉન પોલીસની ટીમે હાલોલ- ગોધરા હાઇવે રોડ પર લકકી સ્ટુડિયો પાસે આદિત્ય કોમ્પ્લેક્ષમાં આવેલ બંધ દુકાનમાંથી ૭ લાખ રૂપિયાની કિંમતની ૭,૦૦૮ નંગ વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી.
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જિલ્લા પંથકમાંથી દારૂની અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા જરૂરી સલાહ સૂચન અને માર્ગદર્શન આપેલ હતું જે અંતર્ગત પંથકમાંથી દારૂની અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરી વિદેશી દારૂનો મોટાપાયે ધંધો કરતા બુટલેગરો ઉપર વોચ રાખી તેઓને ઝડપી પાડવા પંચમહાલ જિલ્લા એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ.દેસાઈ સહિત એલસીબી પોલીસની ટીમે કવાયત હાથ ધરી છે
જે અંતર્ગત એલસીબી પોલીસના કર્મચારી કેતનકુમાર દેવરાજભાઈને બાતમી મળી હતી કે હાલોલ ગોધરા હાઇવે રોડ પર લકકી સ્ટુડિયો પાસે આદિત્ય કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાન નંબર ૩ માં નરેશ બદામીલાલ ભગોરા (રાજસ્થાની) ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો રાખી હેરાફેરી કરે છે
જે બાતમીના આધારે પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસની ટીમ તેમજ રાત્રિના સુમારે હાલોલ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં કરતી હાલોલ ટાઉન પોલીસની ટીમે લકકી સ્ટુડિયો પાસે આદિત્ય કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાનમાં છાપો મારવા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગત મંગળવારની મધ્યરાત્રીના સુમારે લકકી સ્ટુડિયો પાસેના આદિત્ય કોમ્પ્લેક્ષમાં છાપો માર્યો હતો
જેમાં બાતમીવાળી દુકાન નંબર ૩ સહિત કોમ્પલેક્ષની તમામ દુકાનો બંધ હતી બંધ હતી જેમાં દુકાન નંબર ૩ ના શટર પર ૨ તાળા મારેલા હતા જેમાં જિલ્લા એલસીબી પોલીસ અને હાલોલ ટાઉન પોલીસની ટીમે બે પંચોના માણસોને સાથે રાખી બંધ દુકાનના શટરના તાળા તોડવા માટે સરકારી ધારાધોરણ મુજબ કાર્યવાહી કરી દુકાનના શટર પર લાગેલા બંને તાળા તોડાવી દુકાનમાં તપાસ કરતાં
પોલીસને ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૪૬ નંગ પેટીઓ મળી આવી હતી જે પેટીઓમાંથી પોલીસને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ ૭૦૦૮ જેની કિંમત ૭,૦૦,૮૦૦/- રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં એલસીબી અને ટાઉન પોલીસની ટીમે દુકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી મુખ્ય બુટલેગર નરેશ બદામીલાલ ભગોરા (રાજસ્થાની) સામે હાલોલ ટાઉન પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી
આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જેમાં મોટા પ્રમાણમાં આદિત્ય કોમ્પ્લેક્ષમા દુકાન નંબર ૩ માંથી ઝડપાયેલા વિદેશી દારૂ મામલે મુખ્ય બુટલેગર નરેશ બદામીલાલ ભગોરા (રાજસ્થાની) સહિત અન્ય કોણ કોણ તેની સાથે સંડોવાયેલ છે તે દિશામાં તપાસ હાથ ધરી તેઓને ઝડપી પાડી તેઓની સામે ગુનો નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.