Western Times News

Gujarati News

હાલોલના પાવાગઢ રોડ ઉપર પરવાનગી વગરના બાંધકામો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ

(પ્રતિનિધિ)હાલોલ, હાલોલ પાવાગઢ રોડ પર નવી કોર્ટ સામે આવેલ સર્વે નં.૫૩૪/૧ આદિવાસીની ૭૩ છછ અવિભાજ્ય નવી શરતની જમીન ઉપર ૦૯ જેટલા વ્યક્તિઓ દ્વારા જમીન ઉપર અનઅધિકૃત રીતે ભોગવટો કરી બિનખેતીની પરવાનગી મેળવ્યા વગર કરેલા બાંધકામો ઉપર

આજે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવી દેવાની કામગીરી કરવામાં આવી હતી. આ બાંધકામો પૈકી એક શોપિંગ કોમ્પ્લેક્સનું બાંધકામ હાલોલ નગરપાલિકાના ઉપપ્રમુખનું હોવાથી નગરપાલિકાઓની ચૂંટણીઓ પહેલા આ દબાણોદૂર કરવાની કામગીરીએ ભારે ચર્ચાઓ જગાવી છે.

હાલોલના પાવાગઢ રોડ ઉપર આવેલી સર્વે નંબર ૫૩૪/૧ની આદિવાસીની ૭૩છછની સત્તા પ્રકારની અવિભાજ્ય નવી શરતની જમીન ઉપર ભોગવટો અને કબજો કરી કેટલાક મોટા માથાઓએ જે તે સમય ન હાલોલ નગરપાલિકાના વહીવટ સાથે મળી આ જમીનો વેચી દેતા ત્યાં કેટલાક પાકા બાંધકામો અને શોપિંગ કોમ્પ્લેક્સ કોઈ પણ પ્રકારની બાંધકામની મંજૂરી વગર બનાવી દેવામાં આવ્યા હતા.

આ સર્વે નંબર હાલોલ બોડેલી નેશનલ હાઇવેને અડીને આવેલો હોવાથી અહીં તમામ કોમર્શિયલ બાંધકામો કરી દેવામાં આવ્યા હતા. આ માટે આ જમીનને હેતુફેર કરવામાં પણ આવી ન હતી. આ હકીકત હાલોલ નગરપાલિકાના વહીવટદાર અને પ્રાંત અધિકારીના ધ્યાને આવી હતી. જેમાં આ જમીન ઉપર અનઅધિકૃત રીતે ભોગવટો કરનાર ૯ અરજદારોએ આદિવાસીની જમીન હોવા છતાં સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદે વેચાણ વ્યવહાર કરી બિન ખેતીની પરવાનગી મેળવ્યા

વગર અનઅધિકૃત બાંધકામો કરી પાલિકા સાથે મિલીભગત કરી પાલિકાની આકારણી કરાવી જમીન પર કંચન કૃપા સોસાયટીના નામે પ્લોટ પાડી દુકાનો કોમ્પ્લેક્ષ ઉભા કરી વેચાણ કરી દઈ સરકારની રેવન્યુ તિજોરીને લાખો રૂપિયાનું નુકશાન કરેલું હોઈ હાલોલ પ્રાંત અધિકારી દ્વારા શરત ભંગની કાર્યવાહી કરવા અભિપ્રાય સહ દરખાસ્ત જિલ્લા કલેકટરને રજૂ કરાઈ હતી.

અંતે જિલ્લા કલકટરે સદર જમીન શ્રીસરકાર કરવાના હુકમ સાથે જમીન પર થયેલ ગેરકાયદે બાંધકામો સ્થાનિક વહીવટીતંત્ર સહિત નગરપાલિકા એ ૨૦ દિવસમાં જમીન પર અન અધિકૃત રીતે ભોગવટો કરનાર (૧) શેઠ ગૌતમ કુમાર ઇંદ્રવદન, (૨) સોની હેમલકુમાર, ૩. સોલંકી શક્તિ સિંહ, (૪)સોલંકી ઉર્વશીબેન, (૫)કડીવાલા નદીમ આસિક (૬)ઘાચી હોટલવાલા ફરીદાબેન શરીફ

( ૭) લીલાબેન વિજયસિંહ ખાટ, (૮) પઠાણ સલમાન,( ૯)પટેલ શીતલભાઈ ભાઈલાલભાઈની સંક્ષિપ્ત હકાલપટ્ટી કરી અનઅધિકૃત બાંધકામોને કબ્જેદારોના ખર્ચ એ દૂર કરી બાંધકામો દૂર કરવાનો તમામ ખર્ચ ઉપરોક્ત લોકો પાસેથી વસુલ કરવા હુકમ કરાયો હતો.

જિલ્લા કલેકટરના હુકમ સામે ઉપરોક્ત તમામ કબ્જેદારોએ રાજ્ય મહેસુલ વિભાગમાં ફેર તપાસ અરજી અને મનાઈ અરજી રજૂ કરી મનાઈ હુકમની માગ કરી હતી. જે અંગેનો કેસ ચાલી જતા કોર્ટે બન્ને પક્ષે દલીલો બાદ કોર્ટે ચુકાદામાં મહત્વના મુદા ટાંકી મનાઇ હુકમની અરજી રદ કરતા આજે આ તમામ બાંધકામો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જો કે છેલ્લા એક વર્ષથી આ જમીન ઉપરના બાંધકામો ગેરકાયદે હોવા અંગેની તપાસ બાદ આ બાંધકામો તમામ કબ્જેદારો દ્વારા સ્વૈચ્છીક રીતે તોડી પાડવામાં આવે તે અંગે નોટિસો આપવાની કામગીરી હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.