હાલોલના તાજપુરા ખાતે શ્રી નારાયણ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ગુજરાતના નાણાં, ઊર્જા તથા પેટ્રોલ કેમિકલ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરાયું
હાલોલ તાલુકાના તાજપુરા મુકામે આવેલ શ્રી નારાયણ આઈ હોસ્પિટલ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કુલ ૧,૮૯,૦૦૦ જેટલા દર્દીઓની ઓપીડી તથા કુલ ૬૯૭૮૪ જેટલા દર્દીઓના આંખના વિવિધ રોગોના ઓપરેશન કરવામાં આવ્યા છે. આ હોસ્પિટલના વિકાસ કામો અંતર્ગત ડોક્ટર્સના નિવાસ સ્થાન, સ્ટાફ ક્વાટર્સ તથા દર્દીઓની સુવિધામાં વધારો કરતા શ્રી નારાયણ ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
શ્રી નારાયણ ભવનના ખાતમુહૂર્તનો કાર્યક્રમ ગુજરાતના નાણાં, ઊર્જા તથા પેટ્રોલ કેમિકલ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે તા.૧૫-૧૨-૨૦૨૪ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાજપુરા ખાતે યોજાયો હતો. આ દરમિયાન GETCO દ્વારા આપવામાં આવેલા રૂપિયા ત્રણ કરોડથી વધુના સાધનોનું મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય શ્રી નારાયણ બાપુજીની પુણ્ય તપોભૂમિ તાજપુરા મુકામે શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ સંચાલિત શ્રી નારાયણ આઈ હોસ્પિટલ દ્વારા મોતિયો,રેટિના (પડદાના), જામર, વેલ, નેત્રમણી જેવા આંખોના તમામ રોગ માટે તદ્દન નિશુલ્ક નિદાન, સારવાર, ઓપેરશન તથા દર્દી અને દર્દીના એક સગા માટે રહેવા-જમવાની સુવિધા તેમજ ઓપરેશન પહેલા અને પછીના લેબોરેટરી ટેસ્ટ તેમજ દવાઓ નિ:શુલ્ક પુરી પાડતો માનવસેવા યજ્ઞ વર્ષ ૧૯૭૬ થી અખંડ પ્રજ્વલિત છે.