હળવદના સુરવદર ગામે આધેડની હત્યા નીપજાવનાર ત્રણ આરોપી ઝડપાયા

AI Image
પ્રેમ પ્રકરણમાં પરિણીતાને ભગાડી જનાર યુવાનના કાકાની છરીના ઘા ઝીંકી હત્યા થઈ’તી
મોરબી, હળવદ તાલુકાના સુરવદર ગામે પ્રેમ પ્રકરણમાં પરિણીતાને ભગાડી જનાર યુવાનના કાકા ઉપર પરિણીતાના પરિવારજનોએ હુમલો કરી હત્યા નીપજાવ્યાની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણ આરોપીને ઝડપી પાડી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ હળવદના સુરવદર ગામે રહેતા કિરણભાઈ કરશનભાઈ ઘામેચાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના ભાઈ મનોજભાઈ ઘામેચા રાયધ્રા ગામની કાજલને શક્તિનગર પરણાવેલી હોય જેને ભગાડી લઈ ગયો હતો.
જેનું મનદુઃખ રાખી વહેલી સવારે આવી આરોપીઓએ ફરિયાદી કિરણનું અપહરણ કરી ગાડીમાં બેસાડી ગળું દબાવતા હતા ત્યારે કાકા ચંદુભાઈ રાઘવજીભાઈ ઘામેચા તેને છોડાવવા જતા આરોપી વિશાલે મૃતક ચંદુભાઈને છાતીના ભાગે છરીનો ઘા ઝીકી હત્યા કરી હતી તેમજ અન્યને માથામાં ઈજા પહોંચાડી હતી. હળવદ પોલીસે ચાર આરોપીઓના નામજોગ અને અજાણ્યા ચારથી પાંચ શખસો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારા વિશાલ રમેશ નંદેસરીયા, શામજી રણછોડભાઈ નંદેસરીયા અને સાગર રણછોડભાઈ નંદેસરીયા (રહે રાયધ્રા)ને ઝડપી લઈ ધરપકડ કીર હતી. જયારે અન્ય આરોપીઓ ફરાર હોઈ જેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.