હણોલ ગામની આત્મનિર્ભરતા અને સાષ્ટાંગ સભરતાની ઉડાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/07/hanol-3-1024x577.jpg)
કવિ આદિલ મન્સૂરીનો વતનપ્રેમ ગુજરાતી સાહિત્યમાં બત્રીશે કોઠે વખાણવા જેવો છે.શુ શબ્દો છે પોતાના વતન માટે ! !? અન્ય સૌ કોઈને આર્તનાદ કરી પોકારતા..
‘વતનની ધુળની એકેક કણને સાચવજો
ને આરપાર આ વિસ્તરતા રણને સાચવજો
હવાને,બાગને વહેતા ઝરણને સાચવજો
ને હેમખેમ આ વાતાવરણને સાચવજો’
આવી જ વતનપ્રીતિ માટે ૩-૦ મોદી મંત્રીમંડળના મંત્રી ડો.મનસુખ માંડવિયાને યાદ કરવાં પડે! મનસુખભાઈ ભલે આજે દિલ્હીમાં રહ્યાં રહ્યાં દેશના યુવાઓની, શ્રમિકોની કે પછી આરોગ્ય મંત્રાલય હોય તો દર્દીઓની ચિંતા કરતાં હોય, પરંતુ તેનો એક ડોળો સતત પોતાના વતન તરફ મંડાયેલો હોય છે.તેની સાક્ષી પુરે છે, પોતાના વતન હણોલમાં તેઓનાં વિકાસ કાર્યો!
હણોલ પાલીતાણાથી ઉત્તર દિશા તરફ આવેલું છે.ગારીયાધારથી સોનગઢ તરફ જવાના રસ્તે નોઘણવદરથી ત્રણ કિલોમીટર જમણી તરફ ફંટાવ એટલે હણોલ ગામનું સુંદર મજાનું પ્રવેશદ્વાર દેખાય છે.આગળ જતા રસ્તાની જમણી બાજુએ તમને ડો. મનસુખ માંડવિયા ક્રિકેટ એકેડેમી પણ દેખા દેશે.ગામ ખૂબ નાનું છે, લગભગ ૨૨૦૦ લોકોની વસ્તી ત્યાં રહી છે. મોટાભાગનાં લોકો વ્યવસાય અર્થે સુરત અને અમદાવાદ વગેરે મોટાં શહેરોમાં જઈને વસી ગયા છે.
પરંતુ ગ્રામજીવન ધબકતું રહે અને કૃષિ- પશુપાલનને પુરતી તક મળતી રહે તે માટે મનસુખભાઈએ કમરકસી છે.તેથી તેઓ માટે ભલે વતનમાં હવે રહેવાનું સંભવ નથી,પરંતુ પોતાના ગામની સાથેનો નાતો અભિન્ન બની રહ્યોં છે.
અમારાં ગામમાં ડો.મનસુખભાઈએ કરેલી ઉતમ ગ્રામસેવાને પેઢીઓ પણ ભુલી શકશે નહીં.અમે સૌ ગામલોકો એક પરિવાર બનીને રહીએ છીએ.અમારું ગામ પેંડા માટે જાણીતું તો હતું હવે વિકાસની રુપરેખાથી ગુજરાતના નક્શામાં અવ્વલ નંબરે આવશે.
-રઘુભાઈ આલ …ગામ અગ્રણી, હણોલ
મનસુખભાઈ કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યાં અને તેમણે સંકલ્પ કર્યો કે હું મારાં ગામ માટે કંઈક એવું કરું કે જેથી ગામનાં લોકોની આત્મનિર્ભરતા વધે અને તન,મન,ધનની શ્રેષ્ઠતાને બળ આપી શકાય. તેથી આ સંકલ્પને સાકાર કરવા માટે નાનાં એવાં હણોલ ગામમાં ક્રિકેટ એકેડમીની સ્થાપના કરીને, વિદ્યાર્થી- યુવાનોને ક્રિકેટનું કોચિંગ આપવા માટેની એક મજબૂત વ્યવસ્થા ઊભી કરી.લગભગ ૧૦ એકરમાં પથરાયેલું સુંદર મજાનું લોનથી સજ્જ એવું ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે.
જેમાં ચારે બાજુ ગ્રાઉન્ડમાંથી પાણીનો નિકાલ થઈ જાય તે માટે એક ગટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.નેટ પ્રેક્ટિસ માટે ચાર નાનાં નાનાં નેટ ગ્રાઉન્ડ પણ ઊભા કરવામાં આવ્યાં છે.તમે જોઈ અંચંબિત થઈ જાઓ કે નાનાં એવાં ગામમાં આવું સંભવ છે ખરું?!પણ તે થયું છે!અત્યારે લશ્કરભાઈ ભાલીયા અને સંદીપ આલ જેવાં નીવડેલાં ક્રિકેટરો આસપાસના યુવાનોને સવારના ૯ થી શરૂ કરીને સાંજના ૭ સુધી સતત વિનામૂલ્યે ક્રિકેટનું કોચિંગ આપી રહ્યાં છે.
અમારાં ગામમાં પચ્ચીશ મુસ્લિમ પરિવારો છે અમે બધાં ધાર્મિક તહેવાર કોઈપણ ભેદભાવ વગર ઉજવીએ છીએ.હુ શિયા વ્હોરા કોમ્યુનિટીથી છું પણ મને આજે પણ કદી આ ગામને છોડવાનું મન થયું નથી.
-મોઈઝભાઈ વ્હોરા..હણોલ
તેમાંથી કેટલાક યુવાનો જિલ્લા અને રાજ્ય સ્તરના ખેલાડી તરીકે પણ પોતાની નામનાં મેળવવાં માટે દસ્તક દઈ રહ્યાં છે.આ ઉપલબ્ધિ આજે ભલે નાની છે પરંતુ આવતાં દિવસોમાં રમતના ક્ષેત્રમાં હણોલનું નામ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ગુંજતું હશે તેવી આશાને બાજુ પર મૂકી શકાય તેમ નથી.
આસપાસના યુવાનોને પણ ક્રિકેટમાં પોતાની પારંગતતાને સિદ્ધ કરવા માટેની ઉત્તમ તક મળી રહી છે. તેના વાહક તરીકે ડો. માંડવિયાની પીઠ થાબડવી પડે.આ પ્રકલ્પથી યુવાનોમાં તન- મનની શક્તિ આરોપિત કરીને એક મજબૂત ઈચ્છા શક્તિવાળું યુવાધન તૈયાર કરવાનો મક્કમ ઈરાદો છે.
સમગ્ર દેશનો સાંપ્રત સમય ભેળસેળયુક્ત અને રસાયણયુક્ત ખોરાક તથા વ્યંજનો આરોગીને દુનિયા તથા યુવાનો બરબાદી- અધોગતિ તરફ જઈ રહ્યાં છે. ત્યારે ગાય અને ગાય આધારિત ખેતીને આપણી વર્તમાન જરૂરિયાત તરીકે સ્વીકારવી જ રહે. તેથી હણોલ ગામમાં એનિમલ હોસ્ટેલનો એક કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સમગ્ર ગામના એવા લોકો કે જે એકલપંડ્યે છે અથવા સ્વતંત્ર રીતે ગાયનું પાલનપોષણ કરી શકે તેમ નથી.
તો આ ગાયની સાચવણી અને નિભાવણી માટે આખાં ગામનો એક સાર્વત્રિક એવો ઢોરવાડો જેનું નામ એનિમલ હોસ્ટેલ એવું આપવામાં આવ્યું છે.
તેને સ્થાપિત કરવામાં આવશે અને તેમાં થતો ખર્ચ ગામલોકો જેની જેની ગાય હોય તે બધાં વહેંચીને ભોગવી લે અને તેનું દૂધનો પોતાની જરૂરિયાત પ્રમાણે ગાયનું દુધ સ્વીકાર કરશે. અન્યથા આ દૂધ નજીકની ડેરીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.જેથી સૌને ઉત્તમ પ્રકારનો ખોરાક અને ગાયનું દૂધ અને દૂધના ઉત્પાદનો મળી રહેશે.
આખું ગામ પોતાની એક ગાય પાળી શકશે અને ગૌસેવા કરીને જાતે ધન્યતા પણ અનુભવી શકશે.અમદાવાદ, સુરત જેવાં મહાનગરોમાં વસતાં લોકો પણ પોતાના ટાંચા સાધનોને ધ્યાનમાં રાખીને પોતાની ગાય અહીં સારી રીતે સાચવી શકશે, તે સ્થળ છે એનિમલ હોસ્ટેલ.
ગામના પાદરમાં એક તાલીમ શાળા ઊભી કરવામાં આવી છે. જેમાં યુવાઓ અને બહેનો માટે સ્વનિર્ભર થઈ શકાય તે પ્રકારની તાલીમ આપવાની યોજના કાર્યાન્વિત થઈ રહી છે. કમ્પ્યુટર તાલીમ, સીવણ, ભરત- ગુંથણ અને મોતીકામની તાલીમ,બ્યુટી પાર્લર અને અગરબત્તી, તેલ, આયુર્વેદિક દવાઓ વગેરે બનાવવા માટેની તાલીમ શાળામાં શરુ કરવામાં આવી રહી છે.
જેથી ગામનાં યુવાનો- બહેનો સ્વનિર્ભર બને પોતાની જાતે જ પોતાનું કામ, પોતાનો વ્યવસાય કરી શકે.પોતાના કૌશલ્યનો યોગ્ય પ્રકારનો વિકાસ થાય તે માટે ગામના પાદરમાં નીચેના ભાગમાં શોપિંગ સેન્ટર અને ઉપરના ભાગમાં વિવિધ પ્રકારની ઓફિસો અને તાલીમ કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે.ભવિષ્યે તે બધું કાર્યાન્વિત કરવાની યોજના છે.
હણોલ સિંચાઈ યોજના ગામની નજીકમાં જ છે. એટલે અહીં પાણીની કોઈ ખાસ સ્કેરસિટી નથી. તોપણ ગામનું પાણી ગામમાં રહે તે વાતને સ્વીકારીને એક વિશાળ અમૃત સરોવર તળાવ બનાવવામાં આવ્યું છે. અમૃત સરોવર ચારેબાજુ દેશીકુળના વૃક્ષોથી તે સુશોભિત છે.સરોવર પાળે એક’ વોક વે’ બનાવવામાં આવ્યો છે.
પંખી,પાણી,વૃક્ષોથી આ સ્થળ પકૃતાલય બની રહ્યું છે.તળાવનું પાણી સિંચાઈમાં ઉપયોગમા લઈને ખેડૂતોના ખેતરોને લીલાછમ્મ કરવામાં માધ્યમ બન્યું છે.હરિયાળી આસપાસના લોકોને આકર્ષવામાં ખૂબ સફળ રહી છે.તેથી અમૃત સરોવર હવે આ પંથકનો પિકનિક પોઇન્ટ બની ગયું છે.ગામના નિર્વાણગૃહમાં શબવાહિની વસાવાઈ છે અને તે સ્થળ પણ સુંદર વૃક્ષોથી લહેરાઈ રહ્યું છે.
માર્ગ -પરિવહનથી આ ગામ ચારે બાજુથી પાકા રસ્તાઓથી જોડાયેલું છે. પરંતુ ગામમાં નાનાં મોટા કોઈ પ્રસંગો પછી તે કોઈપણ જ્ઞાતિ-સમુહ કે સમુદાયના કેમ ન હોય, બધાં માટે ઉપયોગમા લઈ શકાય તે માટે એક સરસ કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોલમાં સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન એક સાથે કરીને ગામ દરવર્ષે પોતીકો ઉત્સવ પણ ઉજવે છે.
ગામના શ્રેષ્ઠિઓ અને દૂરદરાજમાં સમગ્ર દેશમાં ડો. મનસુખભાઈ માંડવિયાની શાખ-ગરીમાથી આકર્ષાઈને પીડીલાઈટ, સીરમ ઇન્સ્ટિટયૂટ અને બીજી અન્ય ઉધોગ સંસ્થાએ પોતાની પોતાના ઉદ્યોગગૃહના સામાજિક સેવાના આરક્ષિત ફંડોને આ ગામ માટે વાપરીને ખૂબ ઉત્તમ કામ કર્યું છે. ગામનાં તમામ લોકોએ નાનું મોટું યોગદાન આપીને ગામના વિકાસમાં ફાળો આપ્યો છે. તેથી આ ગામ હવે “તીર્થગ્રામ હણોલ” બની ગયું છે. સૌને આ ગામની મુલાકાત લેવાનું, તેના પ્રકલ્પો જ નિમંત્રિત કરી રહ્યાં છે. અહેવાલ…તખુભાઈ સાંડસુર