તેલુગુ પૌરાણિક સુપરહીરો ફિલ્મ હનુમાને 10 કરોડથી વધુની કમાણી કરી
મુંબઈ, તેલુગુ પૌરાણિક સુપરહીરો ફિલ્મ હનુમાન એ તેના તમામ કામકાજના દિવસોમાં ૧૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. સોમવારે ૧૫ કરોડ અને મંગળવારે ૧૨ કરોડ રૂપિયાની કમાણી કર્યા બાદ ફિલ્મે બુધવારે ૧૧ કરોડ ૬૯ લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર ૬ દિવસમાં ‘હનુમાન’નું કુલ કલેક્શન ૮૦ કરોડ ૪૪ લાખ રૂપિયા થઈ ગયું છે.
ફિલ્મના હિન્દી વર્ઝને ૬ દિવસમાં ૨૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. સમગ્ર ભારતમાં ફિલ્મ રિલીઝ કરતાં પહેલાં, નિર્માતાઓએ તેલુગુ પેઇડ પ્રિવ્યૂનું પણ આયોજન કર્યું હતું જેનાથી નિર્માતાઓને ૪.૧૫ કરોડ રૂપિયા મળ્યા હતા. હનુમાન, ઓછા બજેટમાં, કોઈ મોટા સ્ટાર અને યુવા દિગ્દર્શક ન હોવા છતાં, માત્ર હકારાત્મક શબ્દોના આધારે જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે.
બુધવારે ૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યા બાદ ‘ગુંટૂર કારમ’નું કુલ ડોમેસ્ટિક કલેક્શન ૧૦૧ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. વૈશ્વિક સ્તરે આ ફિલ્મ ૨૦૦ કરોડનો આંકડો વટાવી ચૂકી છે. બુધવારે તેની કમાણીમાં ૩૬%નો ઘટાડો થયો હતો. આ ફિલ્મે રિલીઝ થયા બાદ દરરોજ ૧૦ કરોડથી વધુની કમાણી કરી હતી.
૯૪ કરોડની વર્લ્ડવાઈડ ઓપનિંગ મેળવનારી આ ફિલ્મ મહેશ બાબુની સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ છે. તેણે પહેલા વીકએન્ડ પર ૬૯ કરોડ ૧૦ લાખ રૂપિયાની કમાણી કરી હતી. તાજેતરમાં મહેશ બાબુએ પોતાના ઘરે ફિલ્મની સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું હતું.
કેટરિના કૈફ અને વિજય સેતુપતિ સ્ટારર ‘મેરી ક્રિસમસ’ ફ્લોપ શ્રેણીમાં આવી શકે છે. ગયા શનિવાર અને રવિવાર સિવાય, અન્ય તમામ કામકાજના દિવસોમાં આ ફિલ્મના કલેક્શનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે જો તે તેના બીજા વીકએન્ડ પર સારું કલેક્શન નહીં કરે તો તે ફ્લોપ કેટેગરીમાં આવશે તે લગભગ નિશ્ચિત છે.
ધનુષ સ્ટારર ‘કેપ્ટન મિલર’ની કમાણી રવિવારથી સતત ઘટી રહી છે. બુધવારે તેણે ૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. હવે ૬ દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન ૩૮ કરોડ ૪૩ લાખ રૂપિયા પર પહોંચી ગયું છે.
એક સાથે આટલી બધી ફિલ્મો રિલીઝ થવા છતાં ‘કેપ્ટન મિલર’ એ વિશ્વભરમાં ૭૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. એવી અપેક્ષા છે કે, આ સપ્તાહના અંત સુધીમાં તે વિશ્વભરમાં રૂ. ૧૦૦ કરોડ અને સ્થાનિક સ્તરે રૂ. ૫૦ કરોડના આંકને પાર કરી જશે.SS1MS