Western Times News

Gujarati News

ચોખાના દાણા જેટલી વધી રહી છે હનુમાનજીની મૂર્તિ

રાજકોટ, આખી દુનિયામાં ચારે તરફ હનુમાન દાદાનું સાંનિધ્ય આવેલુ છે. હનુમાન દાદા કોઈને કોઈ સ્વરૂપે આપણી વચ્ચે હાજરાહજુર હોય જ છે. ત્યારે આજે અમે રાજકોટના એક એવા મંદિર વિશે જણાવીશું કે જ્યાં હનુમાન દાદા સ્વયંભૂ પ્રગટ થયા હતાં.

આ મંદિર સાથે એક પૌરાણિક કથા પણ જાેડાયેલી છે. આ ઘટના વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે.ત્યારે આજે ૪૦૦ વર્ષ જુના સ્વયંભૂ પાટવાળ હનુમાનજીના મંદિરના ઈતિહાસ વિશે જણાવીશું. આ મંદિરમાં એવા ચમત્કારો થાય છે કે ભાગ્યે જ કોઈએ સાંભળ્યા હશે.

રાજકોટ જિલ્લામાં જામનગર રોડ પર પડધરી તાલુકાના દહિંસરડા ગામથી બે કિલોમીટર દૂર ખાખરાબેલા ગામ જવાના રસ્તે આજી નદીના કાંઠે આશરે ૪૦૦ વર્ષ જૂનું પવન પુત્ર મહાબલિ સ્વયંભૂ શ્રી પાટવાળા હનુમાનજી દાદા બિરાજમાન છે.

તદ્દન નદીના કાંઠે નીજ મંદિરમાં દક્ષિણાભિમુખ હનુમાનજી જમીનની અંદર પાંચ ફૂટ નીચે બિરાજેલા છે. આ બાલાજીની ચમત્કારિક મૂર્તિ એકદમ આકર્ષક સ્વરૂપમાં દેખાય છે. તેના દર્શન માત્રથી દરેક ભાવિકોને રૂબરૂ બાલાજી સાથે મુલાકાત કરી હોય તેવો મનમાં અહેસાસ થાય છે.

મહંત કનુપ્રસાદ મહારાજે જણાવ્યું હતું કે, આશરે પાંચ એકર વિશાળ જગ્યા વિવિધ ઉંચા ઉંચા ઘટાટોપ લીલાછમ ઝાડથી આ જગ્યા પથરાયેલી છે. આખો વિસ્તાર નયનરમ્ય અને કુદરતી સૌંદર્યથી ભરપુર છે. પરિસરમાં બાલાજી મંદિર ઉપરાંત યશ-હવન માટેની જગ્યા, રસોઈ ઘર અને ભાવિકો માટે બેસીને ભોજન પ્રસાદ લેવાની અલાયદી સુંદર વ્યવસ્થા છે.

જગ્યામાં ભાવિકોને દિવસ દરમિયાન વિશ્રામ માટે રૂમની વ્યવસ્થા પણ છે. મંદિરમાં બિરાજમાન બાલાજી જયારે પ્રગટ થયા ત્યારે મૂર્તિ નાની હતી અને સ્વયંભૂ રીતે પથ્થરની પાટથી રચાયેલી છે. કહેવાય છે કે, આ મૂર્તિ દર વર્ષે એક ચોખાના દાણા જેટલી વધે છે અને હાલમાં મૂર્તિ આશરે ત્રણ ફૂટ ઉંચી અને બે ફૂટ પહોળાઈ ધરાવતી બની ગઈ છે.

આ પૌરાણિક મંદિરની જગ્યા એક પવિત્ર યાત્રાધામ તરીકે પણ પ્રખ્યાત છે. આસ્થા રૂપે અહીં આવતા દરેક લોકો બાલાજીના દર્શન કરી અપાર આત્મ શાંતિ અનુભવે છે. મહંત કનુપ્રસાદ મહારાજે કહ્યું કે, મંદિરમાં રહેલી આ મૂર્તિને કોઈ ૩૦ મિનિટ સુધી એકધારૂ ન જાેઈ શકે એટલુ તેજ આ મૂર્તિમાં છે. આ મંદિરમાં કોઈ રાત્રે રોકાઈ શકતુ નથી.

અહીં મંદિરમાં રાતે આપોઆપ આરતી વાગે છે, આપોપાપ દાદાની ગદા ફરે છે અને મંદિરનું ઝૂમર પણ ફરે છે. અહીં કોઈને રાત રોકાવા દેવામાં આવતી નથી. જ્યારે દાદા પ્રગટ થયા તે સમયે મોરબી સ્ટેટનું છેલ્લું સરહદનું ગામ કનકી નગરી તરીકે ઓળખાતુ હતું.

જ્યારે દાદા પ્રગટ થયા ત્યારે આ જગ્યા ખુબ જ વિરાન હતી.પણ આજે અહીં દાદાના દર્શન કરવા માટે દુર દુરથી લોકો આવે છે. કહેવાય છે કે, અહીં તમે માગો એના કરતા ૧૦ ગણુ દાદા આપે છે. જેથી લોકો અહીં પોતાની માનતા માનવા માટે અને પૂર્ણ કરવા માટે આવે છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.