“દરોગા હપ્પુ સિંહ માટે મારા શિક્ષક પાસેથી મેં પ્રેરણા લીધી છે,” યોગેશ ત્રિપાઠી
ભારતીય ટેલિવિઝન પર અનેક પ્રતિકાત્મક પાત્રો ઘેર ઘેર ચર્ચાનું નામ બની ગયાં છે અને આપણા મનમાં કાયમી છાપ કંડારી દીધી છે. આવું એક પાત્ર દરોગા હપ્પુ સિંહનું છે, જે એન્ડટીવી પર હપ્પુ કી ઉલટનપલટનમાં યોગેશ ત્રિપાઠી દ્વારા ભજવવામાં આવી રહી છે.
યોગેશે પહેલી જ વાર પડદા પર મોજીલો મોટી ફાંદવાળો, ભ્રષ્ટ દરોગા તરીકે ભાભીજી ઘર પર હૈમાં દેખાયો હતો. તેણે આ પાત્ર સાથે દર્શકોના ચહેરા પર સ્મિત લાવી દીધું છે અને ભરપૂર હસાવ્યા છે. આ પાત્ર તુરંત હિટ થઈ ગયું છે અને દર્શકોનું ફેવરીટ બની ગયું છે, જેને લીધે યોગેશને હપ્પુ કી ઉલટન પલટનમાં પણ આવું જ પાત્ર મળ્યું છે, જે પરિવાર અને તેની આખી પલટન માટે દરોગાની ફરજોથી દૂર તેના પાત્રની અલગ બાજુ છે.
કોમેડી ભજવવી તે આસાન લાગી શકે છે, પરંતુ તેને ફેવરીટ પ્રતિકાત્મક પાત્ર બનાવવા માટે ઘણી મહેનત કામે લાગે છે. અભિનેતાને આ વિશાળ ટેલિવિઝન ઉદ્યોગમાં પોતાનું સ્થાન જમાવવા માટે વર્ષોનો સંઘર્ષ કરવો પડ્યો હતો. બે લોકપ્રિય શો અને કામકાજના લાંબા કલાકો વચ્ચે મહેનત લેતા અભિનેતા બુંદેલખંડી બોલીભાષામાં નિપુણ બની ગયો છે.
ઉપરાંત તેનો અજોડ લૂક અને લાક્ષણિક મોટી ફાંદે આ પાત્રમાં વધુ મજેદાર તત્ત્વ ઉમેરી દીધું છે. અભિનેતાએ હાલમાં જ આ પાત્ર પાછળની અસલી પ્રેરણા અને આ પાત્રમાં વિવિધ ખૂબીઓ ઉમેરવા માટે તેને મદદરૂપ થનારી વ્યક્તિ યોગેશના રંગમંચના શિક્ષક વિશે ખૂલીને વાતો કરી.
અભિનેતા યોગેશ ત્રિપાઠીએ હાલમાં જણાવ્યું કે, “હપ્પુનું પાત્ર મારી અભિનયની કારકિર્દીની રૂપરેખા છે અને મને તે ભજવવાનું ગમે છે. નકલી ફાંદ પહેરીને લાંબા સમય સુધી શૂટિંગ કરવાનું મુશ્કેલ છે, પરંતુ દર્શકો પાસેથી ભરપૂર પ્રેમ અને સરાહના મળે છે તેનાથી તે સરભર થઈ જાય છે.
બહુ ઓછી લોકો એક વાત જાણે છે. મારા એક પ્રેમચંદજી નામે રંગમંચના શિક્ષક હતા. તેઓ હપ્પુના પાત્ર સાથે અમુક સામ્યતા ધરાવતા હતા. જેમ કે, મોટી ફાંદ અને લાક્ષણિક વર્તન. રંગમંચના તે દિવસોમાં એક દિવસ આવું જ પાત્ર ભજવવા મળશે એવું સપનામાં પણ વિચાર્યું નહોતું.
આથી મને હપ્પુનું પાત્ર ભજવવાની તક મળી ત્યારે મેં પાત્રના અમુક વર્તનને જીવંત લાવવા માટે તેમની પ્રેરણા લીધી છે. પ્રેમચંદજી હવે આપણી વચ્ચે રહ્યા નથી, પરંતુ મેં આ પાત્ર થકી તેમને જીવિત રાખ્યા છે.”