હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ૧૫ લાખથી વધુ નાગરિકો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા
દેશભક્તિના રંગે હિલોળે ચડ્યું ગુજરાત: મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્યકક્ષાના ચાર અને જિલ્લા કક્ષાના ૩૩, તાલુકા કક્ષાના ૨૫૨ અને ૧૦ હજારથી વધારે ગામોમાં ભવ્ય કાર્યક્રમો યોજાયા: શ્રી હર્ષ સંઘવી
:રાજ્યના વિવિધ ૭૫ આઇકોનીક સ્થળો પર યોજાયેલા કાર્યક્રમો બન્યા આકર્ષણનું કેન્દ્ર
Ø અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજીત તિરંગા યાત્રામાં દોઢ લાખ કરતા વધુ જ્યારે સુરત મહાનગરપાલિકા ખાતે યોજાયેલ તિરંગા રેલીમાં ૧.૨૫ લાખ કરતા વધુ નાગરિકો જોડાયા
Ø દેવભૂમિ દ્વારકાના ૨,૦૯૦ ફુટની ઉંચાઇ ધરાવતા “આભાપરા” ટેકરી પર લહેરાવેલો તિરંગો તેમજ ૧૩૬ જેટલા સરહદી વિસ્તારોમાં આયોજીત તિરંગા યાત્રા બની આકર્ષણનું કેન્દ્ર
રાષ્ટ્રધ્વજના સન્માનમાં તા.૮થી ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન રાજ્યના લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે એ માટે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન ‘હર ઘર તિરંગા’ તથા ‘તિરંગા યાત્રા’ કાર્યક્રમનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનને ઝીલીને સમગ્ર દેશ દેશભક્તિના રંગે રંગાયું છે. રાષ્ટ્રીય ચેતનાને એક તાંતણે બાંધવાનો અવસર એટલે ‘હર ઘર તિરંગા’ અભિયાન જેમાં ગુજરાતના નાગરિકો પણ ઉત્સાહભેર જોડાઈ રહ્યાં છે. ઉમંગ-ઉત્સાહ અને દેશભક્તિપૂર્ણ માહોલ વચ્ચે કેન્દ્રીય આરોગ્યમંત્રી શ્રી જગતપ્રકાશ નડ્ડા, કેન્દ્રીય જળશક્તિમંત્રી શ્રી સી.આર. પાટીલ તથા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતમાં રાજકોટના રેસકોર્સથી તિરંગા યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ૫૦,૦૦૦ નાગરિકો તિરંગા યાત્રામાં જોડાયા હતાં. સુરત ખાતે કેબિનેટ જળશકિત મંત્રી શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ૧.૨૫ લાખ કરતા વધારે નાગરિકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. વડોદરા ખાતે મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ કરીને નવલખી મેદાન ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં ૪૦ હજાર કરતા વધુ નાગરિકો તિરંગા યાત્રામાં સહભાગી થયા હતાં.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં ‘હર ઘર તિરંગા‘ અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન, એસ.આર.પી. જવાનો, પોલીસ બેન્ડ, ફાયરના જવાનો, વિવિધ શાળાઓનાં બાળકો તથા શિક્ષકો, રમતવીરો, વિવિધ સમાજના નાગરિકો મળીને અંદાજિત દોઢ લાખથી વધુ લોકો તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યકક્ષાના ચાર કાર્યક્રમો, જિલ્લા કક્ષાના ૩૩ કાર્યક્રમો, તાલુકાઓના હેડક્વાર્ટર ખાતે ૨૫૨ કાર્યક્રમો અને ૧૦ હજાર કરતા વધારે ગામોમાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત યાત્રાઓ અને વિવિધ કાર્યક્રમ યોજાયા હતાં. રાજ્યના ૧૩૬ જેટલા સરહદી ગામોમાં તિરંગા યાત્રાનું ઉત્સાહભેર આયોજન થયુ હતું તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે.
રાજ્યભરમાં ૯૮૦ જેટલી સામાજીક સંસ્થાઓ દ્વારા તિરંગાયાત્રાનું રંગેચંગે આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યની ૨૦૦૦ થી વધારે શાળાઓમાં ‘હર ઘર તિરંગા’ ની થીમ પર રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. રાજ્યના ૭૫ જેટલા આઇકોનીક સ્થળો પર તિરંગા યાત્રાનું આયોજન થયું હતું.
વલસાડ શહેર ખાતે બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં ૪૦૦ મીટર લંબાઈના તિરંગાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બરડા ડુંગરની ટોચ પર આવેલ ૨૦૯૦ ફુટની ઉંચાઇ ધરાવતા “આભાપરા” ટેકરી પર તિરંગો લહેરાવી આ તિરંગા યાત્રાને જિલ્લાનાં દુર્ગમ અને સામાન્ય જન-જીવનથી દૂર રહેતા નેશવાસીઓ સુધી પહોંચાડી તેમને રાષ્ટ્રભકિતની ભાવનાથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
રાજ્યના સરહદી વિસ્તારો બનાસકાંઠામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ જવાનો દ્વારા ૨૦૦ મીટર લાંબા તિરંગા સાથેની આ યાત્રા સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી. જ્યારે કચ્છના જિલ્લાના આઇકોનિક પ્લેસ માંડવી શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ ખાતે તિરંગા યાત્રા દરમિયાન બુરહાની ગાર્ડસ દ્વારા દેશ ભક્તિના ગીતો સ્પેશ્યલ બેન્ડ ટીમ દ્વારા વગાડવામાં આવ્યા હતાં.
અત્રે ઉલેખ્ખનીય છે કે, ૭૮માં સ્વાતંત્ર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ખેડા જિલ્લા ખાતે થનાર છે. સમગ્ર ખેડા જિલ્લામાં સ્વાતંત્ર પર્વને ઉજવવા દેશભક્તિને લગતા અનેક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે એસ.આર.પી ગ્રાઉન્ડથી ઇપ્કોવાલા હોલ, નડિયાદ સુધી ૪ કિમી લાંબી તિરંગાયાત્રા યોજાઇ હતી. જેમાં ૫૦૦૦થી વધુ નાગરિકો ભારત માતા કી જય ના જયઘોષ સાથે જોડાયા હતા, અને નડિયાદવાસીઓએ ઠેર ઠેર ફુલ વર્ષા કરી ઉમળકાભેર તિરંગાયાત્રાનું સ્વાગત કર્યું હતું.
આ ઉપરાંત રાજ્યમાં સ્વાતંત્ર દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાના, તાલુકા કક્ષાના અને ગ્રામ્ય કક્ષાના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, જેમાં નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા છે.