મુખ્યમંત્રીએ “હર ઘર તિરંગા”માં ઉત્સાહભેર જોડાવા આહવાન કર્યું
મુખ્યમંત્રીશ્રીના હસ્તે અરવિંદ મિલમાં તિરંગા વિતરણ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવે, એ માટે વિવિધ શહેરોમાં તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે અને નાગરિકોને પોતાના ઘરે તિરંગો લહેરાવવા માટે સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ આજે અમદાવાદની જાણીતી અરવિંદ મિલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીના હસ્તે અરવિંદ મિલના શ્રમિકો અને કર્મચારીઓને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગા વિતરણ બાદ શ્રમિકોને 13થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાઈને આ અભિયાનને જન અભિયાન બનાવવા અનુરોધ કર્યો હતો
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સ્વાતંત્રતા પર્વ એ રાષ્ટ્રીય તહેવાર છે અને ગરીબ-તવંગરથી લઈને તમામ જ્ઞાતિ-જાતિ-ધર્મના લોકો રાષ્ટ્રીય ભાવનાથી આ તહેવારમાં સહભાગી બનતા હોય છે. નરેન્દ્રભાઈની પ્રેરણાથી હર ઘર તિરંગા થકી આ રાષ્ટ્રીય તહેવાર માટે એક અલગ માહોલ સર્જાયો છે, જેમાં સૌ ઉત્સાહભેર નાગરિકો જોડાઈ રહ્યા છે અને તિરંગા ખરીદી રહ્યા છે, એવું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે હર ઘર તિરંગાનું આહવાન ઝીલી લઈને તિરંગા યાત્રાઓ થકી રાષ્ટ્ર માટેનો ભાવ આપણા દિલમાં જાગ્યો છે. આ ભાવના કાયમી જળવાઈ રહે એ માટે પણ આપણે પ્રયાસ કરીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સમગ્ર વિશ્વમાં આપણા દેશની જે છબી ઉજાગર કરી છે, તેને આ અભિયાનમાં જોડાઈને ચરિતાર્થ કરવાની છે.
હર ઘર તિરંગાનો સંકલ્પ છેવાડેના માનવી સુધી પહોંચે, નાનામાં નાના ઘર સુધી પહોંચે, એ માટે મુખ્યમંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.