અમદાવાદમાં મંગળવારે તિરંગા યાત્રામાં 50 હજારથી વધુ લોકો જોડાશે
હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાનું આયોજન
(પ્રતિનિધિ) અમદાવાદ, ભારતની આઝાદીના ૭૮માં વર્ષમાં રાષ્ટ્ર નિર્માણની પ્રતિબદ્ધતા માટે ભારતીય રાષ્ટ્રધ્વજ એ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજના સન્માનમાં તા.૦૯.૦૮.૨૦૨૪ થી તા.૧૫.૦૮.૨૦૨૪ સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન રાજ્યના લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વન ભાવના જાગે તે માટે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરુપે સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન “હર ઘર તિરંગા” તથ “તિરંગા યાત્રા” કાર્યક્રમનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા.૧૩.૦૮.૨૦૨૪ ને મંગળવારના રોજ ‘તિરંગા યાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવશે.આ તિરંગા યાત્રાને માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તથા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ફલેગઓફ કરાવવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિરંગા યાત્રા વિરાટનગર ઝોનલ ઓફિસ (પૂર્વ ઝોન) થી કેસરી નંદન ચોક (ફુવારા સર્કલ) થી બેટી બચાવો સર્કલ થઇ ઉત્તમનગર ખોડીયાર મંદિર થી જમણી બાજુ વળી કોઠીયા હોસ્પિટલ થઈ કેનાલ ક્રોસ કરી જીવણવાડી સર્કલ થઈ ખોડીયાર મંદિર, નિકોલ પાસે સમાપ્ત થશે.
આ યાત્રામાં પોલીસ વિભાગના વિવિધ પ્લાટુન, એસ.આર.પી.ના જવાનો, પોલિસ બેન્ડ, પાઇપ બેન્ડ, ફાયરના જવાનો, વિવિધ શાળાઓના બાળકો તથા શિક્ષકો, રમતવીરો, વિવિધ સમાજ જોડાશે. આશરે ૫૦૦૦૦ થી વધુ લોકોને તિરંગા યાત્રામાં જોડવામાં આવશે.
તદુપરાંત સરકારના વિવિધ વિભાગોના કુલ ૧૧ ટેબ્લો આ તિરંગા યાત્રામાં જોડાશે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરની તમામ સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. તદ્ઉપરાંત, અમદાવાદ શહેર વિસ્તારમાં આવેલ તમામ શાળા-કોલેજો, રેસીડેન્સ સોસાયટી, વ્યાવસાયીક એકમો તેમજ તમામ હોટલ/રેસ્ટોરન્ટ પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે.