હરણી હોડી હોનારતઃ સામાજિક કાર્યકર અર્ધનગ્ન થઈ આળોટતા તળાવ પહોંચ્યા
શરીર પર ‘ન્યાય આપો’નું લખાણ લખીને દેખાવો કરાતાં તંત્રમાં દોડધામ
વડોદરા, વડોદરામાં હરણી લેકઝોન ખાતે બાર બાળકો અને બે શિક્ષકો સહિત ૧૪ લોકોના હોડી હોનારતમાં થયેલા મોતની ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થયો છે. જિલ્લા કલેકટર દ્વારા બનાવ સંદર્ભનો તપાસ રિપોર્ટ રાજય સરકારને સોંપી દેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા આ મામલે એક એન્જિનિયરને ટમીનેટ તથા અન્યને સસ્પેન્ડ કર્યો છે.
જયારે પોલીસ વિભાગ દ્વારા વીસ વ્યક્તિઓની ધરપકડ કરી દેવામાં આવી છે. આ આખી પ્રક્રિયામાં હજી પણ મોટા માથાઓ લીલા લહેર કરી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા નાના અધિકારીનો ભોગ લઈને મોટા અધિકારીઓને બચાવ્યા હોવાની લાગણી ફેલાઈ ગઈ છે. મૃતકોના પરિવારજનો સહિત વડોદરાવાસીઓ હજી પણ તંત્ર પાસે ન્યાયની અપેક્ષા રાખીને બેઠા છે. આ સંજોગોમાં સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ શરીર પર ન્યાય આપો લખાવીને આળોટતા આળોટતા હરણી લેક સુધી પહોચ્યા છે. તપાસમાં કચાશના મુદ્દાઓ ઉજાગર કરી પોતાનો રોષ ઠાલવ્યો છે.
સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ પત્રકારોને જણાવ્યું હતું કે, હરણી લેક ઝોન ખાતેની દુર્ઘટનામાં ૧ર બાળકો અને ર શિક્ષકોના મૃત્યુ થયા છે દુખદ ઘટના હતી. આ દુખદ ઘટનાને પાલિકા કંઈ સમજતી નથી તેમ દેખાઈ રહ્યું છે. આજની તારીખે નગરસેવકો અને ધારાસભ્યો ફરવા ગયા છે. સભામાં મુદ્દા લીધા નથી. શ્રી રામનો મુદ્દો લીધો, તે મારા તમારા બધાના છે જે રીતે ૧૪ લોકોના મૃત્યુ થયા તે માટે જવાબદાર પીપીપી મોડેલ છે, વડોદરા પાલિકા અને કોન્ટ્રાકટર તમામ શાળાના સંચાલકો તેમને અહિંયા લઈને આવ્યા હોવાથી તેઓ પણ તેટલા જ જવાબદાર છે.
વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી, ગૃહમંત્રી આવ્યા હતા, કહ્યું હતું કે, કોઈ ચમરબંધીને નહિ છોડવામાં આવે. હજી સુધી કોઈ ચમરબંધી પાલિકા કે શાળામાંથી પકડવામાં આવ્યો નથી. કોન્ટ્રાકટર પકડાઈ ગયા છે. મુદ્દો એ છે કે જે રિપોર્ટ જિલ્લા કલેકટર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને સોંપવામાં આવ્યો છે તેને જાહેર કરવામાં આવ્યો નથી.
રિપોર્ટ જાહેર કરવો ખુબ જ જરૂરી છે. વડોદરા શહેરના નાગરિકો નહિ પરંતુ ગુજરાતનું ધ્યાન હરણી બોટ કાંડ પર છે. વિશ્વના લોકોની પણ નજર છે. આ દુર્ઘટનામાં સાચો ન્યાય મળે છે કે નહિ, ન્યાય નહિ મળે તો વિશ્વફલક પર શહેરની છબી ખરડાશે તેમ તેમણે જણાવ્યું હતું.