હર ઘર તિરંગા અભિયાનમાં મ્યુનિ. કાઉન્સીલરો રૂા.૧ લાખ ફાળવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા ઘરે ઘરે તિરંગો લહેરાય તે માટે નાગરિકોને વિનામૂલ્યે ધ્વજ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે જેના માટે મ્યુનિ. કાઉન્સીલરના બજેટમાંથી રૂા.૧ લાખ સુધીની રકમ ફાળવવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી અન્વ્યે રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત દરેક ઘર સુધી તિરંગો પહોંચે તેના માટે ખુદ પ્રજાને તેમના જ પૈસાથી જ તિરંગા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપશે.
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં દરેક કોર્પોરેટરને જે બજેટ વર્ષ દરમિયાન ફાળવવામાં આવે છે તેમાં રૂ.૫૦ હજારથી લઈને એક લાખ સુધીની મર્યાદામાં કોર્પોરેશન પાસેથી તિરંગા લેવાના રહેશે. માત્ર ભાજપના જ નહીં પરંતુ કોંગ્રેસના કોર્પોરેટરોએ પણ તિરંગા માટે પોતાનું બજેટ ફાળવ્યું છે. તેથી કોંગ્રેસના કોર્પોરેટરો પણ ઘર ઘર તિરંગા પહોંચે તેના માટે લોકોને તિરંગા આપશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કોર્પોરેટરો કૂલ ૩.૨૦ લાખ જેટલા તિરંગાની વહેચણી કરશે.
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક કોર્પોરેટરો પોતાના વાર્ષિક બજેટમાંથી રૂપિયા ૫૦ હજારથી લઈને એક લાખ સુધીની મર્યાદામાં ફાળવણી કરી અને તિરંગા મેળવી શકશે. ભાજપના તમામ કોર્પોરેટરોએ પત્ર લખી અને પોતાનું રૂપિયા ૫૦ હજારનું બજેટ ફાળવ્યું છે જેથી તેમને આવતીકાલથી તિરંગા આપવામાં આવશે.
કોંગ્રેસના કોર્પોરેટરોએ પણ પત્ર લખી અને તિરંગા માટે બજેટ ફાળવ્યું હોવાથી તેઓને પણ તિરંગા આપવામાં આવશે. અત્યાર સુધીમાં ૬.૭૫ લાખ જેટલા તિરંગાનું વિતરણ થઇ ચૂક્યું છે. રૂ. ૫૦ હજારની મર્યાદામાં દરેક કોર્પોરેટરને ૧૬૬૭ જેટલા તિરંગા મળશે. એક વોર્ડ દીઠ ૬૬૬૭ જેટલા તિરંગા આપવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં તિરંગા નું વિતરણ સારું કર્યું છે દરેક સોસાયટીઓ અને ફ્લેટોમાં ચેરમેન સેક્રેટરી દ્વારા સામેથી સંપર્ક કરી અને તિરંગા ની ખરીદી કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં ૬ લાખ ૭૫ હજાર જેટલા ગંગા નું વેચાણ થઈ ચૂક્યું છે અને હજી પણ વેચાણ ચાલી રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રધ્વજ વેચાણ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો સિવિક સેન્ટરો તેમજ વોર્ડ ઓફિસ વગેરે જગ્યાએ રૂ. ૩૦માં સ્ટીક સાથે રાષ્ટ્રધ્વજ વિતરણ કરવામાં આવે છે.