પેટલાદના કથાકારની ગંગા નદીના તટે હરિદ્વારમાં ભાગવત કથાનું ભવ્ય આયોજન
(તસ્વીરઃ દેવાંગી ઠાકર) (પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદના કથાકાર દ્વારા હરિદ્વાર ખાતે ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાત દિવસ ચાલનાર આ કથા જ્ઞાન યજ્ઞનો તા.૭ એપ્રિલથી પ્રારંભ થયો છે. જેમાં રોજેરોજ સંગીતમય કથા સહિત પારાયણની પૂજા, ભજન, ધૂન, પ્રાર્થના, આરતી તથા ભગવાનના જુદા જુદા ઉત્સવો ઉજવવામાં આવી રહ્યા છે. જેનો લાભ ભક્તજનો લઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ હરિદ્વારના ગંગા નદીના તટ ખાતે બંસી બાબા આશ્રમ આવેલ છે. જ્યાં તા.૭ એપ્રિલથી રોજ ભાગવત કથાનુ રસપાન શાસ્ત્રી રિષભભાઈ દવે કરાવી રહ્યા છે. માં ગંગાના તટે પ્રારંભ થયેલ આ કથાના પ્રથમ દિવસે મુખ્ય યજમાન નિલાબેન સુરેશભાઈ પટેલ દ્વારા સર્વાનંદ ઘાટથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. જે બંસી બાબા આશ્રમ પહોંચ્યા બાદ કથાનો પ્રારંભ થયો હતો.
અત્યાર સુધીમાં કથાકાર રિષભભાઈ દવે દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના વાગ્મય સ્વરૂપનું મહત્વ, ભગવાન વિષ્ણુના અવતારો, ભાગવતની ઉત્પત્તિ, કુન્તાજીની સ્તુતિ, દાદા ભિષ્મની સ્તુતિ, પરિક્ષિત રાજાનો જન્મ, દક્ષ પ્રજાપતિનું વૃતાંત, વૃષભદેવ મહારાજની કથા, ધૃવજીનો જન્મ, પુરંજન, આખ્યાન, સપ્તમ સ્કંધમાં પ્રહલાદની ભક્તિ, ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય,
ગજેન્દ્ર મોક્ષ, વામન અવતાર, રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ વગેરેની સંગીતમય કથા સહિત ઉત્સવોની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ત્યારબાદ ગોવર્ધન ઉત્સવ, ભગવાનનું ગોકુળ છોડી મથુરા ગમન, કંસમામાનો વધ, ભગવાન કૃષ્ણના રૂક્ષ્મણી સાથેના ગાંધર્વ વિવાહ, સુદામા ચરિત્ર, સુખદેવ મહારાજ દ્વારા પરિક્ષિત રાજાને મોક્ષ ગમન વગેરે વિષયક કથા આગળ ચાલશે.
આ કથાનું સમાપન તા.૧૩ એપ્રિલના રોજ થનાર છે. આ સમગ્ર આયોજન મુખ્ય યજમાન નિલાબેન સુરેશભાઈ પટેલ (મૂળ ધર્મજ, હાલ લંડન), તેઓના પુત્ર, હિરેનભાઈ સુરેશભાઈ પટેલ, પુત્રવધુ મોનિકા હિરેનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. કથાની સઘળી તમામ વ્યવસ્થા કથાકાર શાસ્ત્રી રિષભભાઈ દવે, વિપ્ર વૃંદ, મિલન જાેષી, વિજય જાેષી, પ્રિયંક તપોધન વગેરે દ્ધારા કરવામાં આવી છે.