માધુપુરા પોલીસ લાઈન તેમજ ઈસનપુર અને દાણીલીમડા પોલીસ લાઈનના સમર કેમ્પની મુલાકાત લેતાં હર્ષ સંઘવી

બાળકો મોબાઇલના વધુ પડતા દૂષણ અને સોશિયલ મીડિયામાંથી બહાર આવે એ માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ સમર કેમ્પ થકી એક અદભુત પહેલ કરાઈ -: ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
-: ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી :-
- પોલીસ પરિવારના વેલ્ફેરને લક્ષ્યમાં રાખીને શહેર પોલીસ પરિવારનાં બાળકો માટે અમદાવાદ શહેરની વિવિધ પોલીસ લાઈનમાં ૧૪ જેટલા સમર કેમ્પનું આયોજન
- આ સમર કેમ્પ થકી બાળકોની જીવન જીવવાની રીતમાં બદલાવ લાવવાનો જે પ્રયાસ થયો અને સફળતા પ્રાપ્ત થઈ તે ખરેખર ખૂબ પ્રશંસનીય
- આ સમર કેમ્પમાં ૫૦૦થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ શહેરની માધુપુરા પોલીસ લાઈન તેમજ ઈસનપુર અને દાણીલીમડા પોલીસ લાઈનના સમર કેમ્પની મુલાકાત લઈને આ કેમ્પમાં બાળકોની પ્રવૃત્તિઓ નિહાળી હતી.
આ અવસરે સમગ્ર અમદાવાદની પોલીસ ટીમને અભિનંદન પાઠવતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ પરિવારના વેલ્ફેરને લક્ષ્યમાં રાખીને શહેર પોલીસ પરિવારનાં બાળકો માટે અમદાવાદ શહેરની વિવિધ પોલીસ લાઈનમાં ૧૪ જેટલા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે અમદાવાદ પોલીસની પ્રશંસનીય પહેલ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉનાળાના વેકેશનમાં બાળકો ઘરે બેઠા સૌથી વધુ ઉપયોગ મોબાઇલનો કરતાં હોય છે અને સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતાં હોય છે. બાળકો આ મોબાઈલના દૂષણમાંથી બહાર આવે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ સમર કેમ્પ થકી એક અદભુત પહેલ કરવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આ સમર કેમ્પ થકી બાળકો માટી પર રમાતી રમતોમાં રુચિ દાખવતા થયાં છે. આ સાથો સાથ બાળકોને ગમતી પ્રવૃત્તિઓ જેમ કે, ડ્રોઈંગ, યોગ, ફનીગેમ, દોડ વોક, ડાન્સ, પેપર ક્રાફટ, ચેસ, કેન્વાસ પેઇન્ટિંગ, પેઇન્ટિંગ, આર્ટ એન્ડ ક્રાફટ, સંગીત સાથે જોડવાનું ભગીરથ કાર્ય અમદાવાદ પોલીસની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
સમર કેમ્પ અંગે વાત કરતા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ સમર કેમ્પમાં બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા છે. આ કેમ્પમાં અંદાજિત ૫૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો છે. આ સમર કેમ્પમાં બાળકો સ્વૈચ્છિક રીતે જોડાઈ રહ્યાં છે. આ સમર કેમ થકી બાળકોના વ્યવહારમાં પણ ખૂબ મોટો ફરક જોવા મળી રહ્યો છે.
પોલીસ માત્ર ગુનેગારોને પકડવા કે પછી કાયદો વ્યવસ્થા જાળવવા માટે નહીં પણ તેનાથી વધુ એક પગલું આગળ વધીને માનવ જીવનમાં ખાસ કરીને આ સમર કેમ્પ થકી બાળકોની જીવન જીવવાની રીતમાં બદલાવ લાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે અને એમાં સફળતા પ્રાપ્ત થઈ તે ખરેખર ખૂબ પ્રશંસનીય છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી જી. એસ. મલિકે કહ્યું કે, અમદાવાદ શહેર પોલીસ દ્વારા છેલ્લાં બે વર્ષથી ઉનાળાના વેકેશનમાં વોકેશનલ ટ્રેનિંગ એટલે કે સમર કેમ્પ‘નું આયોજન કરવામાં આવે છે. આ ઉનાળા વેકેશન દરમિયાન અમદાવાદ શહેરની વિવિધ પોલીસ લાઈનમાં ૧૪ જેટલા સમર કેમ્પ આયોજિત કરવામાં આવ્યાં છે.
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં માધુપુરા પોલીસ લાઈન તેમજ ઈસનપુર અને દાણીલીમડા પોલીસ લાઈનના સમર કેમ્પની મુલાકાત લીધી ત્યારે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર-૨ જયપાલસિંહ રાઠોડ, ઝોન ૪ ડીસીપી ડૉ. કાનન દેસાઈ, ઝોન ૬ ડીસીપી રવિ મોહન સૈની, ઇસનપુર, દાણીલીમડા અને માધુપુરા પોલીસ સ્ટેશનના પીઆઇશ્રી, પોલીસ સ્ટેશનનો સ્ટાફ, તેમજ બાળકો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરની તમામ પોલીસ લાઈનો જેમાં દેવજીપુરા પોલીસ લાઈન, એલીસબ્રિજ પોલીસ લાઈન, માધુપુરા પોલીસ લાઈન, અમરાઈવાડી પોલીસ લાઈન, દાણીલીમડા પોલીસ લાઈન, ગોમતીપુર પોલીસ લાઈન, ગાયકવાડ હવેલી પોલીસ લાઈન, રાણીપ પોલીસ લાઈન, મણિનગર પોલીસ લાઈન, વટવા પોલીસ લાઈન, ઓઢવ પોલીસ લાઈન, નરોડા પોલીસ લાઈન, બાપુનગર પોલીસ લાઈન, ઈસનપુર પોલીસ લાઈન તથા પોલીસ મુખ્ય મથક ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
આ સમર કેમ્પમાં પોલીસ લાઈન ખાતે બાળકો માટે સેલ્ફ ડીફેન્સ, માર્શલ આર્ટ્સ, જીમ્નેસ્ટિક, ડ્રોઈંગ, યોગા, ફનીગેમ, દોડ, ડક વોક, ડાન્સ, પેપર ક્રાફટ, ચેસ, કેન્વાસ પેઇન્ટિંગ, પેઇન્ટિંગ, આર્ટ એન્ડ ક્રાફટ, સંગીત, કીચેઈન મેકિંગ, કેલીગ્રાફ, કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન, બાળકો માટેના વિજ્ઞાન પ્રયોગો, ગ્લાસ પેઇન્ટિંગ, ગ્રીટીંગ કાર્ડ, હોમ મેડીટેશન, નેઈલ આર્ટ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ વોકેશનલ ટ્રેનિંગ એટલે કે સમર કેમ્પ અંતર્ગત થનાર ખર્ચ પોલીસ વેલ્ફેર ફંડમાથી ચૂકવવામાં આવે છે.
આ સમર કેમ્પનો મુખ્ય હેતુ બાળકોનો શૈક્ષણિક, રમતગમત તથા સાંસ્કૃતિક વિકાસ કરવાનો છે. આ સમર કેમ્પમાં પોલીસ પરિવારનાં બાળકો એવી પ્રવૃત્તિઓથી પરિચિત થાય છે કે જેનાથી તેમની વિવેચનાત્મક અને તાર્કિક કુશળતામાં સુધારો આવી શકે છે. સાથે જ, બાળકોમાં સામાજિક કૌશલ્યો વિકસે, તેમના વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન મળે, તેઓ શારીરિક પ્રવૃત્તિઓમાં જોડાય, નવા મિત્રો બનાવે અને મૂલ્યવાન જીવન કૌશલ્યો શીખે તે રીતની તમામ તકો તેમને મળે તેવા ઉદ્દેશથી આ સમર કેમ્પ યોજાઈ રહ્યો છે.