વિધાનસભા ગૃહમાં અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા પર પોતાનું મંતવ્ય રજુ કરતા હર્ષ સંઘવી

File
ગરવી ગુજરાતનું આ અંદાજપત્ર એ દસ્તાવેજ નથી, પણ સાડા છ કરોડ ગુજરાતીઓની આકાંક્ષાઓનો આલેખ છે : મંત્રી શ્રી હર્ષ સંઘવી
આ અંદાજપત્ર ગુજરાતની જનતાની આકાંક્ષાઓ અને વાસ્તવિકતાઓનો સરવાળો છે
· રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, અમારું દરેક બજેટ વંચિતોની ચિંતા અને ચિંતનથી ભરેલું છે
વિધાનસભા ગૃહમાં અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા પર પોતાનું મંતવ્ય રજુ કરતા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, ગરવી ગુજરાતનું આ અંદાજપત્ર: એ દસ્તાવેજ નથી, પણ સાડા છ કરોડ ગુજરાતીઓની આકાંક્ષાઓનો આલેખ છે. આ અંદાજપત્ર એ સમૃદ્ધિ, પ્રગતિ અને જનકલ્યાણની ત્રિવેણી છે. ગુજરાત સરકારે અવનવી યોજનાઓનો મહાકુંભ રચ્યો છે, આ મહાકુંભમાંથી નીકળતી વિકાસ ગંગામાં આ રાજ્યનો પ્રત્યેક નાગરિક ડૂબકી લગાવી સુખાકારીનો અનુભવ કરી રહ્યો છે તેનો મને આનંદ અને ગૌરવ છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આ બજેટ ‘વિઝન ફોર વિકસિત ગુજરાત અને મિશન જનકલ્યાણ’ના સૂત્રને સાકાર કરે છે. આ બજેટમાં મહેનત અને મજબૂત ઇરાદો સ્પષ્ટ દેખાય છે. આજના યુગમાં જ્યારે એઆઈ અને વીઆર જેવી ટેકનોલોજી આપણા દરવાજે દસ્તક દઈ રહી છે, ત્યારે આ અંદાજપત્ર નવી દિશા સાથે નવા આયામો સર કરવાની નેમ દર્શાવે છે. પ્રત્યેક ગુજરાતી ગ્લોબલ ગુજરાતના સપના આંખમાં આંજીને ઉભો છે ત્યારે એની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે આ સરકાર કટિબદ્ધ છે.
વિકાસની વ્યાખ્યાઓને પોષક એવું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુરૂપ સર્વગ્રાહી અંદાજપત્ર આપવા માટે મંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇનો સમગ્ર રાજ્યના નાગારિકો વતી આભાર વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યુ હતું કે, આ અંદાજપત્ર સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ પાંચ મજબૂત સ્તંભો પર ઉભું છે, આ પાંચ સ્તંભ જેટલા વધુ સમૃદ્ધ હશે, તેટલી ઝડપથી રાજ્ય સમૃદ્ધ થશે અને આ સ્તંભો આપણા વિકાસનો મજબૂત પાયો છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, આ બજેટમાં મહિલા શક્તિ, યુવા શક્તિ, ગરીબ ભાઈ-બહેનો, ખેડૂતો, માછીમારો અને પશુપાલકોની વાત છે. જે સર્વાંગી વિકાસનું પ્રતીક છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રીશ્રીએ આ બજેટ દ્વારા ગુજરાતના ઉજ્જ્વળ ભવિષ્યનો રોડમેપ આપ્યો છે, આ અંદાજપત્ર ગુજરાતની જનતાની આકાંક્ષાઓ અને વાસ્તવિકતાઓનો સરવાળો છે.
મંત્રીશ્રીએ અગાઉના શાસન તે સમયના અંદાજપત્રો વિશે કહ્યુ કે, ગૃહમાં વિપક્ષના સાથી મિત્રો આ અંદાજપત્રથી સંતુષ્ટ નથી. પરંતુ એ મિત્રોએ પહેલાના અંદાજપત્રો નથી જોયા લાગતા. કોંગ્રેસના શાસનમાં અંદાજપત્રોમાં ખેડૂતો નહોતા દેખાતા, માછીમારોનું નામોનિશાન નહોતું, પશુપાલકો ગાયબ હતા, મહિલાઓ માટે ખાસ કંઈ નહોતું, યુવાનોની અને આદિવાસી ઉત્કર્ષ તો વાત જ ન કરો. તો બીજી તરફ યોજનાઓની અમલવારી તો ગોકળગાયની ગતિએ ચાલતી. જ્યારે આ અંદાજપત્ર સર્વગ્રાહી છે. અમે ખેડૂતો, માછીમારો, પશુપાલકો, મહિલાઓ, યુવાનો – સૌને સાથે લઈને ચાલીએ છીએ.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, વિપક્ષના મિત્રો ફરી નફરતનું જૂનું પ્રોડક્ટ લોન્ચ કરવા માગે છે. તેઓ કહે છે, “અમે મહોબ્બતની દુકાન ખોલી છે,” પણ ખરેખર તો આ નફરતની દુકાન છે. એક જ પ્રોડક્ટ વારંવાર લોન્ચ કરવાના કારણે કોંગ્રેસની દુકાન તાળા લાગી જવાના આરે છે. વિપક્ષ ગૃહમાં “બંધારણ બચાવો”ની ખોટી દુહાઈ આપે છે, પણ આ એ જ કોંગ્રેસ છે જેણે બાબા સાહેબ આંબેડકરના વિચારોને ખતમ કરવામાં કોઈ કસર બાકી નથી રાખી. આવા તો અનેક અન્યાયો બાબાસાહેબને અને સરદાર પટેલને પણ કરવામાં આવ્યા. ભગવાન સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરનાર લોખંડી પુરુષને સાચી શ્રદ્ધાંજલિ એટલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 182 મીટર એટલે કે 597 ફૂટ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ. આ જ સરદાર સાહેબના ચરણોમાં સાચી શ્રદ્ધાંજલિ છે.
આ વર્ષે 42 લાખ લોકોએ એકતાનગરની મુલાકાત લીધી, વિદેશી નેતાઓએ અંજલિ આપી, પણ કોંગ્રેસનો એક પણ મોટો નેતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા નથી આવ્યો. આજે જ્યારે સરદાર સાહેબની 150મી જન્મજયંતી ચાલી રહી છે, આ અંદાજપત્રમાં ગુજરાત સરકારે તેના માટે વિશેષ જોગવાઈ કરી છે, જે એકતા અને વિકાસનું પ્રતીક છે. આ બજેટ સરદાર સાહેબ અને બાબા સાહેબના સપનાઓને સાકાર કરે છે, જેમાં દરેક વર્ગની ચિંતા સમાઇ છે. તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.
આ એક ઐતિહાસિક અંદાજપત્ર છે તેમ કહેતા મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગુજરાતનું આ વર્ષનું બજેટ રૂ.3,70,250 કરોડનું છે, જે ગયા વર્ષ કરતાં રૂ.37,785 કરોડ વધુ છે. આ બજેટ છેલ્લા આઠ વર્ષમાં બમણું થયું છે, જે ગુજરાતની વિકાસગાથાનું પ્રતીક છે. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, અમારું દરેક બજેટ વંચિતોની ચિંતા અને ચિંતનથી ભરેલું છે.
મંત્રીશ્રી સંઘવીએ કહ્યુ કે, આજે વિશ્વ આખુય મંદી, મોંઘવારી, રશિયા-યુક્રેન યુદ્ધ, પડકારો સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે આપણો દેશ અડીખમ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF કહે છે કે, ઓછી આવક ધરાવતા વિકાસશીલ દેશોમાં મોટાભાગે વૃદ્ધિ દરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં વર્ષ ૨૦૨૪ અને વર્ષ ૨૦૨૫ માં ભારતનો વૃદ્ધી દર વધતો રહેવાની શક્યતા છે. વર્લ્ડ ઈકોનોમિક આઉટલુકે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનો અંદાજ મૂક્યો છે. વર્ષ ૨૦૨૪માં ભારતીય અર્થતંત્રનું કદ ૩.૯ ટ્રિલિયન અમેરિકી ડોલર થવાનો અંદાજ છે. ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરી ભારતે UPI પેમેન્ટમાં ક્રાંતિ સર્જી છે. વર્ષ ૨૦૧૭-૧૮માં રૂા. ૯૨ કરોડના ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા હતાં, જે વર્ષ ૨૦૨૩-૨૪માં વધીને રૂા.૨૦૦ લાખ કરોડના થયા છે.
નાના-નાના વેપારીઓ, ફેરીયાઓ પહેલા બહારથી ઉંચા ભાવે લોન લઇને આખુ જીવન હપ્તા ચુકવતા ચુકવતા ગુજારતા હતા. શ્રી નરેન્દ્ર મોદીએ આવા સ્ટ્રીટ વેન્ડર્સની ચિંતા કરી, PM સ્વનિધિ યોજના અમલમાં મુકી. જેનાથી હવે સરળતાથી લોન સહાય મળી રહેતા નાના ફેરિયાઓ વ્યાજની જાળમાંથી મુક્ત થયા છે. વડાપ્રધાનશ્રીના નકશે કદમ પર ગુજરાતની શ્રી ભૂપેન્દ્ર પટેલની આ સરકાર આગેકુચ કરી રહી છે. તેના સુખદ પરિણામો રાજ્યને મળી રહ્યા છે. અમારી પ્રાયોરીટી છે ગરીબ, વંચિત, શોષિત, પીડિતનો ઉધ્ધાર.મહિલા અને યુવાનોનો ઉદ્ધાર એ અમારી પ્રાયોરીટી છે. આજે ગુજરાત “ભારતનું વિકાસ એન્જિન” છે. વર્ષ 2030 સુધી 1 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અને 2047 સુધી 5 ટ્રિલિયન ડોલરનું રાષ્ટ્ર – આ અમારું સપનું છે. ગુજરાત GSTમાં 8% યોગદાન આપે છે, જે ગૌરવની બાબત છે.
મંત્રીશ્રીએ કહ્યુ કે, ગુજરાત “પોલિસી ડ્રિવન સ્ટેટ” તરીકે દેશભરમાં મોડલ સ્ટેટ સાબિત થયું છે. અંદાજપત્રને સારી રીતે અમલી બનાવવા માટે ગુજરાત સરકાર નવી-નવી નીતિઓ બનાવે છે. ગુજરાત બાયોટેકનોલોજી પોલિસી, ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી, ગુજરાત સ્પોર્ટસ પોલિસી, સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલિસી, નવી આઈ.ટી પોલિસી, ગુજરાત સેમિકન્ડકટર પોલિસી, ધ ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી, સીનેમેટિક ટૂરિઝમ પોલિસી, ગુજરાત ઈલેકટ્રોનિકસ પોલિસી, રિન્યુએબલ એનર્જી પોલિસી, નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી અને આવી તો અનેક પોલિસી ગુજરાતે તૈયાર કરી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં પ્રગતિશીલ અને વિકાસશીલ અંદાજપત્રોથી થયેલ ૩૬૦ ડીગ્રી પરિવર્તન અંગે વાત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યુ કે,વર્ષ ૨૦૦૧-૦૨માં ગુજરાત ક્યાં હતુ અને અત્યારે વર્ષ-૨૦૨૪-૨૫માં ક્યા છે તેની વિસ્તૃત માહિતી આપતા મંત્રીશ્રીએ કહ્યુ કે,પહેલા ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP)૧. ૨૩ લાખ કરોડ હતો જે ગ્રોથ ૧૭૦૦ % વધીને આજે ૨૨.૩ લાખ કરોડ થયો છે. પહેલા બજેટ ૩૬ હજાર કરોડ હતુ જે ૧૦૨૮% વધીને આજે ૩,૭૦,૨૫૦ કરોડ થયુ છે. માથાદીઠ આવક પહેલા રૂ. ૧૯,૭૧૩ હતી,તે ૧૨૫૦ % વધીને આજે ૨.૭૩ લાખ થઇ છે. ગુજરાત સરકારના આ સુશાસનનું સરવૈયું છે.
મંત્રીશ્રીએ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની વાત કરતા જણાવ્યુ કે, વર્ષ ૨૦૨૩-૨૪માં ભારતની કુલ નિકાસમાં ૩૦.૭૫ ટકા હિસ્સા સાથે ગુજરાત રાજયે નિકાસ ક્ષેત્રમાં પોતાનું અગ્રેસર સ્થાન નોંધાવ્યુ છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન સીધા/પ્રત્યક્ષ વિદેશી રોકાણના ઈક્વિટી પ્રવાહની દ્રષ્ટિએ ૧૬.૪૩ ટકાના યોગદાન સાથે ગુજરાત બીજા ક્રમે રહ્યું છે.
વંચિતોના વિકાસ અંગે મંત્રીશ્રીએ કહ્યુ કે, વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માં આગામી પાંચ વર્ષમાં ₹૧ લાખ કરોડની ફાળવણી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે અંતર્ગત માર્ચ ૨૦૨૫ ના અંત સુધીમાં ₹૬૯,૮૮૨ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. આ વર્ષે અંદાજિત ₹૩૦,૧૨૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
લાખો પરિવારો માટે સપનાનાં ઘર અંગે મંત્રીશ્રીએ ઉમેર્યુ કે,ભગવાન રામલલ્લાને નિજ મંદિરમાં બિરાજમાન કરવાની સાથે સાથે દેશમાં ચાર કરોડથી વધુ લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ છેલ્લા ત્રણ વર્ષોમાં ગ્રામીણ વિસ્તારોમાં ઘર વિહોણા પરિવારો માટે આશરે સવા બે લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યા છે. આ અંદાજપત્રમાં, રૂ.૧૭૯૫ કરોડની જોગવાઈ સાથે બે લાખ કરતા વધારે આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે.
શહેરી વિકાસ અંગે મંત્રીશ્રીએ કહ્યુ કે, રાજ્યમાં શહેરી વિકાસને વેગ આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે અને પરિણામે, શહેરોમાં બહેતર માળખાકીય સુવિધાઓ અને આધુનિક પરિવહન વ્યવસ્થા ઊભી થઈ છે. આ હેતુ માટે બજેટ જોગવાઈમાં આશરે ૪૦% વધારો કરીને રૂ.૩૦,૩૨૫ કરોડ કરવામાં આવી છે.
રાજ્યના શૈક્ષણિક વિકાસની વાત કરતા મંત્રીશ્રીએ કહ્યુ કે, એક સમયે રાજ્યમાં ૨૨ કે ૨૫ યુનિવર્સિટીઓ હતી, વિદ્યાર્થીઓએ ભણવા માટે બીજા રાજ્યોમાં જવું પડતું. એડમીશન માટે લાખો રૂપિયા આપતા પણ ખૂબ મુશ્કેલી વેઠવી પડતી. ગુજરાત સરકારે નવી યુનિવર્સિટીઓને માન્યતા આપી છે. હવે રાજ્યમાં યુનિવર્સિટીઓની સંખ્યા વધીને ૧૧૩ થઇ છે જે સમગ્ર ભારતમાં યુનિવર્સિટીઓની સંખ્યા અને વેરાયટીની દ્રષ્ટીએ ગુજરાત નંબર વન છે.
મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં નમો લક્ષ્મી યોજના રાજ્ય સરકારે ધો.૯થી ૧૨માં અભ્યાસ કરતી કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટે તેમજ કિશોરવયની વિદ્યાર્થિનીઓને શિક્ષણની સાથોસાથ પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય તે હેતુથી કાર્યરત કરી છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરીના કરવામાં આવતાં મોનિટરિંગ અનુસાર જૂન-૨૦૨૪માં શૈક્ષણિક સત્ર શરૂ થયા પછીના ફક્ત ૬ મહિનામાં જ વર્ગખંડોમાં ૮૦-૧૦૦% હાજરી આપનારી કન્યાઓની સંખ્યા ૨૩%થી વધીને ૪૮% થઈ છે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત ₹૧, ૨૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આરોગ્ય વિકાસ અંગે મંત્રીશ્રીએ કહ્યુ કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ રાજ્યમાં પ્રતિ વર્ષ કુટુંબ દીઠ રૂ. ૧૦.૦૦ લાખ સુધીની ૨,૪૭૧ નિયત કરેલ પ્રોસીજર માટેનું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે.
મહિલા અને બાળ વિકાસ, કૃષિ વિકાસ તેમજ પ્રવાસન અને યાત્રાધામોના વિકાસ અંગે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યુ કે, આ તમામ ક્ષેત્રિમાં સર્વાંગી અને અકલ્પનિય વિકાસ થયો છે. જેને રાજ્યના છેવાડાના નાગરિકો પણ અનુભવી રહ્યા છે. વિકસિત ગુજરાતના માધ્યમથી વિકસિત ભારતનું લક્ષ્ય સાકાર કરવા માટે ગુજરાત સરકાર અને ગુજરાતના સાડા છ કરોડ નાગરિકો કટિબદ્ધ છે. ત્યારે આ બજેટ આ સ્વપ્નને સાકાર કરવામાં પ્રેરક બળ પુરૂ પાડશે.