Western Times News

Gujarati News

મોરબીની ઘટનાથી માતા-પિતાએ યુવાન પુત્ર અને પુત્રવધુ ગુમાવ્યા

મોરબીની ઘટનાએ ઝાલાવાડિયા પરિવારને વ્રજઘાત આપ્યો-લગ્નના પાંચ મહિના બાદ નવદંપતીનું મોત

(એજન્સી)રાજકોટ, વેકેશનમાં ફરવા નીકળેલા અનેક લોકોના મોત મોરબીની હોનારતમાં લખાયા હતા. આ બ્રિજ મોતનો બ્રિજ બની ગયો. વેકેશન હોવાથી અનેક લોકો બહારથી પુલ પર આવ્યા હતા, તેમને ક્યા ખબર હતી કે અહી તેમનુ મોત તેમને ખેંચીને લાવ્યું છે.

મોતનો આંકડો ૧૩૫ એ પહોંચી ગયો છે. અનેક પરિવારોમાં લાશોના ઢગલા પડ્યા હતા. પરંતુ રાજકોટના ઝાલાવાડીયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની દુર્ધટનામાં રાજકોટના પતિ અને પત્નીના મોત થયા. હતા. પત્ની મીરાબેન ઝાલાવાડિયા અને પતિ હર્ષભાઈ ઝાલાવાડિયા મૃત્યુ થયું. નસીબ તો જુઓ કે, દંપતીના પાંચ મહિના પહેલા જ લગ્ન થયા હતા. મોરબીમાં વાયણુ જમવા ગયા હતા અને તેમને મોત મળ્યુ હતું.

રાજકોટની સિદ્ધિ હાઈટ્‌સ અંબિકા ટાઉનશિપમાં રહેતો પરિવાર મોરબી આવ્યો હતો. હર્ષભાઈ ઝાલાવાડીયા અને મીરાબેન હર્ષભાઇ ઝાલાવાડીયાના પાંચ મહિના પહેલા લગ્ન થયા હતા. હર્ષભાઈ તેના પરિવાર સાથે હળવદ ગયા હતા. પાંચ મહિના પહેલા જ તેમના લગ્ન થયા હોવાથી તેઓ મોરબીમાં રહેતા માસિયાઈ ભાઈના ઘરે વાયણુ જમવા માટે ગયા હતા.

રવિવારે સવારે પરત રાજકોટ આવવા નીકળવાના હતા. પરંતુ પિતરાઇભાઇએ રોકાવાનો આગ્રહ કરતા રોકાઈ ગયા હતા. જેથી દંપતીએ માતા પિતાને રાજકોટ મોકલી દીધા હતા, જેથી તેઓ બચી ગયા હતા. રવિવારે સાંજે હર્ષભાઈ, પત્ની મીરાબેન, માસિયાઈભાઈ, તેની પત્ની અને પુત્ર સાથે ઝૂલતા પુલ ગયા હતા.

અને આ દુર્ઘટનામાં બંને નવદંપતીનું મૃત્યુ નિપજ્યું હતું. પત્ની મીરાબેનનુ ઘટના સ્થળ પર જ મોત થયુ હતું, તો પતિનું રાજકોટની દોશી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. હર્ષભાઈ ઝાલાવાડીયાના મોતથી તેમના માતાપિતા પર આભ તૂટી પડ્યું છે.

હર્ષભાઇ ઝાલાવાડીયા તેના પરિવારમાં એક જ દીકરા અને આધાર સ્તંભ હતા. તેથી આજે અંતિમ વિધિમાં પિતાના આંખમાંથી આસું સૂકાતા ન હતા. આ ઘટનાથી માતાપિતા આઘાતમાં સરી પડ્યા છે. હર્ષ અને મીરા બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. દિવાળીના વેકેશનમાં વતન રાજકોટ આવ્યા હતા. વૃદ્ધ માતાપિતાએ એવુ વિચાર્યુ પણ ન હતું કે આવુ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.