Western Times News

Gujarati News

એક પણ મેચ હાર્યા વિના ફાઈનલમાં પહોંચીને હરિયાણાએ ઈતિહાસ રચ્યો

નવી દિલ્હી, હરિયાણાની ક્રિકેટ ટીમ વિજય હજારે ટ્રોફી ૨૦૨૩ના ફાઈનલમાં પહોંચી ગઈ છે. હરિયાણાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં રમાનાર ૫૦ ઓવરની આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ફાઈનલ માટે ક્વાલિફાઈ કર્યું છે. અશોક મેનારિયાના નેતૃત્વમાં હરિયાણાની ટીમે સેમિફાઈનલમાં તમિલનાડુને ૬૩ રનથી હરાવ્યું હતું.

હરિયાણાએ ગ્રુપ સ્ટેજની મેચોમાં શાનદાર પ્રદર્શન કરતા અનુક્રમે ઉત્તરાખંડ, બિહાર, ચંદીગઢ, મિઝોરમ, દિલ્હી, કર્ણાટક અને જમ્મુ-કાશ્મીરને હરાવ્યા હતા. આ પછી હરિયાણાએ ક્વાર્ટર ફાઇનલમાં બંગાળને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. ત્યારબાદ સેમિફાઇનલમાં તમિલનાડુને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

વિજય હજારે ટ્રોફી ૨૦૨૩ની ફાઈનલ મેચ ૧૬ ડિસેમ્બરના રોજ રાજકોટમાં રમાનાર છે. હરિયાણા અને તમિલનાડુ વચ્ચે રમાયેલી સેમિફાઈનલ મેચ પણ રાજકોટમાં જ રમાઈ હતી. આજે રાજસ્થાન અને કર્ણાટક વચ્ચે બીજી સેમિફાઈનલ મેચ રમાશે. બીજી સેમિફાઈનલ મેચ જીતનારી ટીમની ફાઈનલમાં હરિયાણા સાથે ટક્કર થશે.

હરિયાણાએ સેમિફાઈનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા હરિયાણાની ટીમે ૫૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાને ૨૯૩ રન બનાવ્યા હતા. હરિયાણા તરફથી હિમાન્શૂ રાણાએ ૧૧ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૧૧૬ રન બનાવ્યા હતા.

તે ઉપરાંત ઓપનર યુવરાજ સિંહે ૭ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૬૫ રનની શાનદાર ઇનિંગ રમી હતી. જવાબમાં ટાર્ગેટની પીછો કરવા મેદાન પર ઉતરેલી તમિલનાડુની ટીમ ૪૭.૧ ઓવરમાં ૨૩૦ રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.

આ દરમિયાન હરિયાણા માટે અંશુલ કંબોજે સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી. જયારે રાહુલ તેવાટિયાએ ૨ વિકેટ અને સુમિત કુમાર, નિશાંત સિંધૂ અને હર્ષલ પટેલે ૧-૧ વિકેટ ઝડપી હતી. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.