હરિયાણાના ગુરુકુળ, કુરુક્ષેત્રમાં ‘શિક્ષા ઉત્સવ’નું ભવ્ય આયોજન

ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ શક્ય છેઃ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
ગુરુકુલ કુરુક્ષેત્ર, હરિયાણા દ્વારા ‘ગુરુકુલ શિક્ષા ઉત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો માતા-પિતાએ તેમના બાળકો સાથે ભાગ લીધો હતો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાચીન સમયમાં ઋષિ-મુનિઓ ગુરુકુળના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાની સાથે ચારિત્ર્ય ઘડતર પણ કરતા હતા. ગુરુકુલ શિક્ષણ પ્રણાલી માત્ર જ્ઞાન આપવા પુરતી મર્યાદિત નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે.
રાજયપાલશ્રીએ વધુમાં કહ્યું કે, આધુનિક શિક્ષણ પ્રણાલીએ યુવાનોને ડોક્ટર, એન્જિનિયર અને અન્ય પ્રતિષ્ઠિત ક્ષેત્રોમાં સફળ બનાવ્યા છે, પરંતુ સમાજમાં નૈતિક મૂલ્યોનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા આ સ્થિતિનો બોલતો પુરાવો છે. ગુરુકુળોમાં વિદ્યાર્થીઓને પરંપરાગત મૂલ્યો અને સંસ્કારોનું શિક્ષણ આપવામાં આવે છે, જે તેમને જવાબદાર નાગરિક બનાવે છે. તેઓ માતા-પિતાની સેવા અને સન્માન કરે છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બાળકોમાં મોબાઈલના વ્યસનને માતા-પિતા માટે સૌથી મોટો પડકાર ગણાવીને યુવાનોમાં નશાના વ્યસનના વધતા જતા વલણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, બાળકોને સંસ્કારી બનાવવા અને તેમને માનવીય મૂલ્યોથી સજ્જ કરવા એ સમાજની સામૂહિક જવાબદારી છે. ગુરુકુળોમાં ‘સેવા, સુરક્ષા, શિક્ષણ અને મૂલ્યો‘ના સિદ્ધાંત પર કાર્ય કરવામાં આવે છે, જેના કારણે અહીંના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહે છે.
ડૉ. રાજેન્દ્ર વિદ્યાલંકરે જણાવ્યું હતું કે, આ વર્ષે ગુરુકુલ કુરુક્ષેત્રના 10 વિદ્યાર્થીઓ અને ગુરુકુલ જ્યોતિસરના 4 વિદ્યાર્થીઓ NDAમાં પસંદ થયા છે, જ્યારે ઘણા વિદ્યાર્થીઓને IITમાં પ્રવેશ મળ્યો છે. તેમણે કહ્યું હતું કે, ગુરુકુળ શિક્ષણ પ્રણાલી બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે.
આ કાર્યક્રમમાં ગુરુકુલ કુરુક્ષેત્રના ડાયરેક્ટર બ્રિગેડિયર ડૉ. પ્રવીણ કુમાર, ગુરુકુલ નિલોખેડીના શિવકુમાર આર્ય, અર્જુનદેવ આર્ય, ગુરુકુલ જ્યોતિસરના આચાર્ય સચિન આર્ય અને આર્યકુલમ નિલોખેડીના આચાર્ય દિનેશ રાણા સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.