નર્મદાનું પાણી હાથીજણના લોકોને મળશે

ભક્તિપથ પર આવેલ હાથીજણ વિકાસપથ પર અગ્રેસર બનવા તરફ-કોર્પોરેશન દ્વારા પાઈપલાઈન નાંખવાની કામગીરી પૂરજોશમાં- “ન્યુ મણીનગર”ની ઈમેજ ધરાવતાં હાથીજણમાં અનેક નવી રહેણાંક સ્કીમો પાઈપલાઈનમાં
(પ્રતિનિધિ) અમદાવાદ, જળ જીવન છે સભ્યતા- સંસ્કૃતિનો વિકાસ પણ ત્યાં જ થાય છે જયાં સરળતાથી પાણી ઉપલબ્ધ થાય છે. અમદાવાદનો ભૌગોલિક વિકાસ થયો છે વિસ્તાર વધ્યો છે. માનવ વસ્તી વધી છે. પરિણામે વિકાસલક્ષી કામોની જરૂરિયાત ઉભી થઈ છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પાયાના વિકાસના કામો કરવા માટે પ્રતિબધ્ધ છે. અમદાવાદના છેવાડાના વિસ્તારો સુધી વિકાસના કામોને પહોંચાડવા માટે બીડું ઉઠાવ્યુ છે અમદાવાદ નેશનલ હાઈવેને અને રાજય ધોરીમાર્ગને અડીને આવેલા હાથીજણ વિસ્તારમાં વિકાસના કામોની ગતિ વધી છે. મણીનગરમાં એક તરફ બુલેટ ટ્રેનનું કામ તેજ ગતિથી આગળ વધી રહયું છે
ત્યારે ‘ન્યુ મણીનગર’ તરીકે વિકાસ કામી રહેલા હાથીજણમાં એક પછી એક કામો આગળ વધી રહયા છે આ વિસ્તારમાં અનેક નવી રહેણાંક સ્કીમો આવી છે તેની સાથે અન્ય સ્કીમોની કામગીરી પાઈપલાઈનમાં છે તે આગામી વર્ષોમાં પૂર્ણ થતા લોકોને પાયાની જરૂરિયાતો જેવી કે ગટર, પાણી, લાઈટની વ્યવસ્થાની જરૂર પડશે. કોર્પોરેશન અને હાથીજણના સ્થાનિક આગેવાનો તેના માટે ચિંતિત છે.
વર્ષોથી હાથીજણના ડેવલપમેન્ટના કામો પડયા રહયા છે. હાથીજણ પણ અન્ય વિસ્તારોની માફક વિકાસને ઝંખી રહયું છે ત્યારે હાથીજણ વિસ્તારની અંદાજે ૩પ થી ૪૦ નાની મોટી સોસાયટી, ફલેટ ધારકો માટે આનંદના સમાચાર એ આવ્યા છે કે આગામી મહિનાઓમાં તેમને પણ અમદાવાદના અન્ય વિસ્તારોની માફક નર્મદાનું પાણી મળશે. તેના માટે સોસાયટી- ફલેટોની બહાર સુધી પાઈપલાઈન નાંખવાની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે.
કોર્પોરેશનના સત્તાધીશો નર્મદાના પાણીની પાઈપલાઈન લેવા માટે નીતિ-નિયમ અંતર્ગત જે રકમ ભરવાની હશે તે સોસાયટી- ફલેટોના ચેરમેન- સેક્રેટરીઓને જણાવશે ત્યાર પછી આ રકમ ભરાઈ ગયા પછી જે તે સોસાયટીને નર્મદાના પાણીનું કનેકશન આપવામાં આવશે. હાથીજણમાં ટોકિઝ-મોલ્સ- મોટી મોટી દુકાનો બની રહી છે. મકાનોના ભાવ ઉંચા જઈ રહયા છે.
હાથીજણ ગામમાં અને તે તરફ જવાના રસ્તાઓનો સુધારો કરવાની સાથે સ્થાનિક નાગરિકોના અનેક પ્રશ્રો છે તેનો ઉકેલ લાવવાની તાતી જરૂરિયાત છે. ગુજરાત જયારે વિકાસના પંથ પર આગળ વધી રહયુ છે ત્યારે ભક્તિપથ પર આવેલુ હાથીજણ પણ વિકાસપથ તરફ આગળ વધવા અગ્રેસર થવા જઈ રહયું છે.