Western Times News

Gujarati News

હાટકેશ્વર બ્રિજ મામલે મ્યુનિ. કમિશ્નરના અંગત સચિવ શંકાના દાયરામાં

ર૦૦૭ના પરિપત્ર મુજબ બ્રિજની ગુણવત્તા ચકાસણીની જવાબદારી વિજીલન્સ વિભાગની હતી જેમાં બેદરકારી દાખવ્યા બાદ ઢાંકપીછોડો કરવાના પ્રયાસ થઈ રહયા છે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર વિસ્તારમાં બનાવવામાં આવેલ છત્રપતિ શિવાજી ફલાયઓવરની ગુણવત્તાનો મામલો વઘુ ગંભીર બની રહયો છે. ફલાયઓવરની ગુણવત્તાની સાથે સાથે પડદા પાછળના રાજકારણે પણ આ મામલાને સળગતો રાખ્યો હોવાનું માનવામાં આવે છે.

હાટકેશ્વર બ્રીજ મામલે મ્યુનિ. કમિશ્નર કચેરીમાંથી જ માહિતી લીક થતી હોવાની તેમજ મ્યુનિ. કમિશ્નરના અંગત સચિવ કે જેઓ વિજીલન્સ વિભાગમાં પણ મહત્વનો હોદ્દો ધરાવે છે તેમની મનસા એ પણ આ મુદ્દાને ચગાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાની ચર્ચાએ જાેર પકડયું છે.

શહેરના હાટકેશ્વર વિસ્તારના ફલાયઓવરની ગુણવત્તા મામલે ઈજનેર વિભાગની સાથે સાથે ‘વીજીલન્સ વિભાગ’ પણ શંકાના દાયરામાં આવી રહયો છે. ઈજનેર વિભાગની ચાલુ કામગીરીનું નિરીક્ષણ કરવાની તમામ જવાબદારી વિજીલન્સ વિભાગની છે.

ર૦૦૭-૦૮ના વર્ષમાં તત્કાલીન એસઓડી એચ.કે. પટેલે એક સરકર્યુલર કર્યો હતો જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે પ૦ હજાર કે તેથી વધુ રકમના કોઈપણ કામની વિગતો ઈજનેર વિભાગે વિજીલન્સ વિભાગને આપવાની રહેશે તથા વિજીલન્સ વિભાગે આ તમામ સાઈટોના ઈન્સ્પેકશન કરવાના રહેશે.

સદર પરિપત્રમાં જુલાઈ- ર૦રરમાં તત્કાલીન કમિશ્નર લોચન સહેરાએ સુધારો કર્યો હતો તેમજ પ૦ હજારની જે સત્તા હતી તે વધારી રૂા.૧ કરોડની કરી હતી. આમ ઉપરોક્ત બંને પરિપત્રથી એ બાબત સ્પષ્ટ થાય છે કે ઈજનેર વિભાગના તમામ કામો અંગે વિજીલન્સ વિભાગ પણ જવાબદાર રહે છે.

હાટકેશ્વરબ્રિજનું કામ ચાલી રહયું હતું તે દરમિયાન પણ માલ સામાનની ગુણવત્તા સહિતની તમામ ચકાસણી કરવાની જવાબદારી વિજીલન્સ વિભાગની હતી પરંતુ વિજીલન્સ વિભાગ દ્વારા આ બાબતે ચકાસણી કરવામાં આવી ન હતી જેના કારણે જ વિજીલન્સ વિભાગના ઉચ્ચ અધિકારી કે જેઓ મ્યુનિ. કમિશ્નર કચેરીમાં પણ ફરજ બજાવે છે

તેઓ તેમની ભુલ પર ઢાંકપીછોડો કરવા પ્રયત્ન કરી રહયા છે તથા સદર બ્રિજ મામલે નવી જુની કોઈપણ માહિતી લીક કરી ઈજનેર વિભાગના અધિકારીઓને દોષિત સાબિત કરવા પ્રયાસ કરી રહયા છે તેવી ચર્ચા પણ જાેરશોરથી ચાલી રહી છે.

મ્યુનિ. કમિશ્નર કચેરીમાં એકિઝકયુટીવ આસીસ્ટન્ટ (ટેકનિકલ) તેમજ વિજીલન્સ વિભાગના એડિશનલ ઈજનેર તરીકે ફરજ બજાવતા નેનૈષભાઈ દોશીની કામગીરી સામે આંગળી ચિંધાઈ રહી છે. હાટકેશ્વરબ્રિજનું કામ ચાલી રહયુ હતું તે સમયે તેની તમામ ચકાસણી કરવાની જવાબદારી એક વિજીલન્સ અધિકારી તરીકે તેમના શીરે હતી જે તેમણે કરી ન હતી

તદઉપરાંત અજય ઈન્ફ્રાસ્ટ્રકચર કે જેને મોટી રકમની પેનલ્ટી કરવામાં આવી હતી તથા ચાર-ચાર વર્ષ સુધી કોઈ કામ સોંપવામાં આવ્યું ન હતું તેને હાટકેશ્વરબ્રિજનો કોન્ટ્રાકટ સોંપવામાં આવ્યો હતો તે સમયે મ્યુનિ. કમિશ્નરના ટેકનીકલ અધિકારી તરીકે તેમણે કોઈપણ જગ્યાએ નોંધ કરી ન હતી

તેમજ તત્કાલીન કમિશ્નરનું ધ્યાન પણ દોર્યું ન હતું જેના કારણે અજય ઈન્ફ્રાસ્ટ્રકચરની મામુલી રકમની પેનલ્ટીનો સ્વીકાર કરી હાટકેશ્વરબ્રિજનું કામ સોંપવામાં આવ્યું હતું. મ્યુનિ. કોર્પો.ના આંતરિક સુત્રોનું માનીએ તો નેનૈશભાઈ દોશી એડિશનલ ઈજનેર તરીકેનો હોદ્દો ધરાવે છે

તેમ છતાં તેઓ મ્યુનિ. કમિશ્નર કચેરીમાં ફાળવણી કરાવી કામ કરી રહયા છે. છેલ્લા ઘણા સમયથી તેઓ સીટી ઈજનેર બનવા માટે પ્રયત્ન કરી રહયા છે. વર્તમાન સીટી ઈજનેર (રોડ પ્રોજેકટ) ૬ મહિના પહેલા નિવૃત્ત થઈ ગયા હતા પરંતુ તેમની સારી કામગીરીને ધ્યાનમાં લઈ તેમને એક વર્ષના કોન્ટ્રાકટ પર રાખવામાં આવ્યા છે

તેમનું એક વર્ષ પૂર્ણ થયા બાદ તેમનું સ્થાન લેવા માટે નેનૈશ દોશી તલપાપડ છે તેથી હાટકેશ્વરબ્રિજનો મુદ્દો યેનકેન પ્રકારે ચગાવવામાં આવી રહયો છે. તદઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ આ હોદ્દા માટે દાવેદારી ન કરે તે માટે પાંચ-છ વર્ષ જુના કામની ફાઈલો ફંફોળી અને ઈજનેર અધિકારીઓને તેઓ નોટિસ આપી તેમની કારકિર્દી પણ ખરાબ કરી રહયા હોવાના સીધા આક્ષેપ ચાલી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.