ભુતકાળની ભુલો પર ઢાંકપિછોડો કરવા મ્યુનિ. કમિશ્નરનો નિરર્થક પ્રયાસ

File
હાટકેશ્વર બ્રીજ બનાવવાની પ્રક્રિયા એમ.થેન્નારસને શરૂ કરાવી હતી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી હાટકેશ્વર બ્રીજની નબળી ગુણવત્તાનો મામલો વિવાદ પકડી રહયો છે. સદ્દર બ્રીજના કામ દરમિયાન કોન્ટ્રાકટર દ્વારા ઓછો માલ સામાન વાપરવામાં આવ્યો હોવાનું લેબોરેટરી ટેસ્ટમાં પુરવાર થઈ ચુકયું છે
સાથે સાથે મ્યુનિ. તંત્ર દ્વારા પણ આ મામલે આંખ આડા કાન કરવામાં આવ્યા હોવાનું પણ સાબિત થઈ રહયું છે. જાેકે ચોંકાવનારી બાબત એ છે કે હાટકેશ્વર બ્રીજ મામલે પુરતી તપાસ કરી અને નિર્ણય કરવાનો જેને અધિકાર સોંપવામાં આવ્યા છે તેમના જ કાર્યકાળ દરમિયાન આ બ્રીજની ટેન્ડર પ્રક્રિયાથી લઈ લોકાર્પણ સુધીની કાર્યવાહી થઈ હતી
જેમાં વર્તમાન મ્યુનિ. કમિશ્નર પણ સામેલ છે. ર૦૧૩ થી ર૦૧પના સમય ગાળા દરમિયાન વર્તમાન મ્યુનિ. કમિશ્નરે ડેપ્યુટી કમિશ્નર તરીકે જે ભુલો કરી હતી તેનો ઢાંક પીછોડો કરવા માટે હાલ પ્રયાસ થઈ રહયા છે જેમાં હાટકેશ્વર બ્રીજ ઉપરાંત ગેરકાયદેસર બાંધકામો તોડવા મામલે કરવામાં આવેલ પરિપત્રનો પણ સમાવેશ થાય છે તેવા સીધા આક્ષેપ ચાલી રહયા છે.
અમદાવાદ મ્યુનિ. કમિશ્નર ર૦૧૩ થી ર૦૧પ દરમિયાન જયારે ડેપ્યુટી કમિશ્નર તરીકે કાર્યભાર સંભાળતા હતા તે સમયે તેમને મધ્યઝોન ઉપરાંત રોડ પ્રોજેકટ, બ્રીજ પ્રોજેકટ, એસટીપી, રિવરફ્રંટ લિમિટેડ, જનમાર્ગ લિમિટેડ સહિતના તમામ વિભાગના કામ સોંપવામાં આવ્યા હતાં.
૧૯ જાન્યુઆરી ર૦૧પના રોજ તત્કાલીન મ્યુનિ. કમિશ્નર ડી.થારાએ તેમને આ તમામ ખાતાની સોંપણી કરી હતી આ અગાઉ નવેમ્બર ર૦૧૩માં તત્કાલીન કમિશ્નર ડો. ગુરૂપ્રસાદ મહાપાત્રે પણ વર્તમાન કમિશ્નરને તે સમયે એન્જીનીયરીંગ વિભાગની કામગીરી આપી હતી.
હાલ વિવાદમાં રહેલ હાટકેશ્વર બ્રીજની ટેન્ડર પ્રક્રિયા વર્તમાન કમિશ્નરના કાર્યકાળ દરમિયાન થઈ હતી તેમજ તેની કામગીરી પણ ૧૦ એપ્રિલ ર૦૧પના રોજ થઈ હતી મતલબ કે વર્તમાન કમિશ્નર જ તે સમયે ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર (બ્રીજ પ્રોજેકટ) તરીકે કાર્યભાર સંભાળતા હતાં તેમની બદલી થયા બાદ ર૦૧૭માં સદર બ્રીજનું કામ પૂર્ણ થયું હતું
તથા વિધાનસભા ચૂંટણી અગાઉ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે સમયે મ્યુનિ. કમિશ્નર પદે મુકેશકુમાર કાર્યભાર સંભાળતા હતાં વિધિનીવક્રતા એ છે કે હાલ આ બંને મહાનુભાવો જ હાટકેશ્વર બ્રીજની ગુણવત્તા તથા તેમાં થયેલ ગેરરીતિ મામલે તપાસ કરી રહયા છે તેથી હાટકેશ્વર બ્રીજમાં કોને કેવી સજા થશે તે મામલો વિચારવા લાયક છે.
મ્યુનિ. કમિશ્નરે બુધવારે ગેરકાયદેસર બાંધકામો તોડવા મામલે ખાસ પરીપત્ર કર્યો છે જેમાં કોમર્શિયલ બાંધકામોને તોડવા માટે પ્રાયોરિટી આપવી, માર્જીનના દબાણો દુર કરવા જેવા અનેક મુદ્દાઓનો સમાવેશ કર્યો છે પરંતુ અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે
મ્યુનિ. કોર્પોરેશનમાં ર૦૧૩ની સાલમાં તત્કાલીન કમિશ્નર ડો. ગુરૂપ્રસાદ મહાપાત્રે ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે ડીમોલીશન સ્કવોર્ડની રચના કરી હતી જેના ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર તરીકે વર્તમાન કમિશ્નરને કાર્યભાર સોંપ્યો હતો જે અંગે એપ્રિલ ર૦૧૩માં જીડીઈએસટી થયો હતો.
આ ડીમોલીશન સ્કવોર્ડ રચના થઈ તે સમયથી સદર સ્કવોર્ડ બંધ કરવામાં આવી તે સમયગાળા દરમિયાન કોઈ જ નોંધનીય કામગીરી થઈ ન હતી તથા મોટા કહી શકાય તેવા કોમર્શિયલ બાંધકામો તોડવામાં આવ્યા હોય તેની સંખ્યા ખૂબ જ ઓછી હતી અહીં પણ ફરી એક વખત વર્તમાન મ્યુનિ. કમિશ્નરની ભુતકાળની કામગીરી સામે પ્રશ્રાર્થ થઈ રહયો છે
તેવી જ રીતે વર્તમાન કમિશ્નર તેમની નિમણુંક થઈ તે સમયથી રોડ, પાણી, ડ્રેનેજ સહિત મામલે ઈજનેર વિભાગ સામે લાલ આંખ કરી રહયા છે પરંતુ તે બાબત પણ નોંધવી જાેઈએ કે ર૦૧૩થી ત્રણ વર્ષ સુધી ઈજનેર વિભાગના ડેપ્યુટી કમિશ્નર તરીકે તેમણે જ કાર્યભાર સંભાળ્યો હતો
તે વખતે તેઓ માસ્ટેક પધ્ધતિથી રોડ બનાવવા નવી સ્કીમ લઈ આવ્યા હતા જે પણ ફેઈલ ગઈ હતી આ સમયગાળા દરમિયાન પણ રોડમાં ગાબડા પડયા હતાં, પ્રદુષિત પાણી સપ્લાય થયા હતા તથા ડ્રેનેજના પાણી પણ રોડ પર જાેવા મળ્યા હતા તેવા આક્ષેપ થઈ રહયા છે.