બ્રિજ પર ગાબડું પડતા હાટકેશ્વર ઓવરબ્રિજ ત્રણ મહિના બંધ રહેશે
ઓગસ્ટ માસમાં ફરી એકવાર બ્રિજ પર ગાબડું પડતા બ્રિજને રીપેર કરવાની કામગીરી કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો
અમદાવાદ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખોખરા અને હાટકેશ્વર વિસ્તારને જાેડતા મહારાજ છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ (હાટકેશ્વરબ્રિજ) પાંચ વર્ષમાં જ તૂટી જતાં મ્યુનિસિપલ કોર્પોરેશન રૂ. ૯૦ લાખના ખર્ચે તેને રિપેર કરવાની કામગીરી શરૂ કરી હતી.
પરંતુ છેલ્લા ૨ મહિનાથી આ કામગીરી બંધ છે. બ્રિજ વચ્ચે રોડ તોડી અને કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે. રોજના એક લાખથી વધુ લોકો આ વિસ્તારમાંથી પસાર થાય છે ત્યારે આ બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવી જાેઈએ તેની જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ભાજપના શાસકો આ બાબતે ધ્યાન આપતા નથી. આ બ્રિજ બંધ હોવાના કારણે અનેક વાહન ચાલકો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગે રોડ એન બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૬ પહેલા આ બ્રિજની ડિઝાઇન બની હતી. તેના પરથી ૩૦થી ૪૦ ટનના ભારે વાહનો પસાર થઈ શકે તે રીતે બનાવવામાં આવી હતી પરંતુ હવે તેનાથી વધુ ૬૦ થી ૭૦ ટનના ભારે વાહનો પસાર થાય છે, જેના કારણે બ્રિજને મજબૂત કરવા માટે નિષ્ણાંતોની મદદ લેવામાં આવી રહી છે અને નવી ડિઝાઇન પ્રમાણે હવે આ બ્રિજ રિપેર કરવામાં આવશે. હજી બે થી ત્રણ મહિના સુધી આ બ્રિજનું સમારકામ ચાલશે.
ખોખરા વોર્ડના ભાજપના કોર્પોરેટર કમલેશ પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં બ્રિજની રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બ્રિજ વચ્ચેના ભાગને તોડી કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પરંતુ હવે જુના સળિયામાં નવા સળિયા લગાવી અને આરસીસી ભરવો કે ફરીથી આખું ગર્ડર મૂકવું તે વિશે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ નિષ્ણાંતોની સલાહ લઈ કામગીરી કરશે તેવી અમને જાણકારી મળી છે. જેથી હવે નિષ્ણાંતોની સલાહ લીધા બાદ જ અહીં કામગીરી શરૂ થશે.
બ્રિજના સમારકામની કામગીરી ઝડપથી કરવા માટે નવા ચૂંટાયેલા ધારાસભ્ય અમુલ ભટ્ટને પણ રજૂઆત કરી હતી અને તેઓએ પણ આ કામગીરી મામલે કોર્પોરેશનના શાસક પક્ષ અને ધ્યાન દોર્યુ છે.વર્ષ ૨૦૧૬-૧૭માં ખોખરાથી હાટકેશ્વરને જાેડતા મહારાજ છત્રપતિ શિવાજી ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
માત્ર પાંચ વર્ષમાં જ પાંચથી છ વખત બ્રિજ ઉપર રોડ તૂટી ગયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા રોડના સમારકામ કરી દેવામાં આવતું હતું. ગત ઓગસ્ટ માસમાં ફરી એકવાર બ્રિજ પર ગાબડું પડતા બ્રિજને રીપેર કરવાની કામગીરી કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે તે સમયે જણાવ્યું હતું કે રૂપિયા ૯૦ લાખના ખર્ચે આ બ્રિજ ને રીપેર કરવામાં આવશે, અંદાજે ત્રણ મહિનામાં આ બ્રિજ નું સમારકામ થઈ જશે. પરંતુ આજે ૪ મહિના થવા આવ્યા છે છતાં પણ બ્રિજ પર કામગીરી અધુરી છોડી દેવામાં આવી છે.
અમદાવાદમાંથી વડોદરા, સુરત અને દક્ષિણ ગુજરાત તરફ જવા માટે આ બ્રિજ પરથી હજારો વાહનો પસાર થાય છે. આ સૌથી વ્યસ્ત રોડ હોવાનો મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના શાસકોને ખ્યાલ હોવા છતાં પણ આ બ્રિજ પર કોઈપણ ધ્યાન આપવામાં આવ્યું નથી.
છ વર્ષ પહેલા જ્યારે આ બ્રિજ બનાવવામાં આવ્યો ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓ અને શાસકોએ બ્રિજની ડિઝાઈન અને તેના આયુષ્ય પર યોગ્ય રીતે ધ્યાન આપ્યું નથી. તેના કારણે હવે વધારાનો ખર્ચ કરી ફરીથી આ બ્રિજ રીપેર કરવો પડ્યો છે.
આગામી ૨૫ વર્ષ સુધી બ્રિજ ટકી રહે અને કોઈપણ પ્રકારની રિપેર કરવાની જરૂર ન પડે તેવા બ્રિજ બનાવવાના હોય છે. પરંતુ કરોડો રૂપિયાના કન્સલ્ટન્ટ રાખ્યા બાદ પણ આજે તંત્ર અને ભાજપના શાસકોની બેદરકારીથી આ બ્રિજને માત્ર છ વર્ષમાં જ ફરીથી રિપેર કરવો પડ્યો છે.