ડે. મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસનના કાર્યકાળમાં બનેલો હાટકેશ્વર બ્રીજ મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસનના કાર્યકાળમાં તુટશે
અજય ઈન્ફ્રા. કંપની જેણે આ બ્રીજ બનાવ્યો હતો તેણે કામ ન આપવા માટે પણ તે અગાઉ નિર્ણય થઈ ચુકયો હતો તેમ છતાં વર્તમાન કમિશનર એટલે કે તત્કાલિન ડેપ્યુટી કમિશનર એમ. થેન્નારસને અજય ઈન્ફ્રાકોર્નને આ બ્રીજ બનાવવાનું કામ સોંપ્યુ હતું
ર૦૧૭માં રૂ.૪ર કરોડમાં તૈયાર થયેલ બ્રીજ હવે રૂ.૧૦૮ કરોડમાં બનશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરનો હાટકેશ્વર બ્રિજનો વિવાદ દિન પ્રતિદિન જોર પકડી રહયો છે. ર૦૧૭માં કાર્યરત થયેલ આ બ્રીજને તેની નબળી ગુણવત્તાને કારણે બે વર્ષ અગાઉ બંધ કરવામાં આવ્યો હતો જેને તોડી નવેસરથી બનાવવા માટે કમિશનર દ્વારા અવાર નવાર જાહેરાતો કરવામાં આવે છે.
પરંતુ તે અંગે હજી સુધી કોઈ જ નક્કર કાર્યવાહી થઈ નથી. બીજી તરફ કમિશનર દ્વારા બ્રીજ નવેસરથી બનાવવા માટે બે મહિના અગાઉ જે અંદાજિત રકમ જાહેર કરવામાં આવી હતી તે લગભગ બમણી થઈ ગઈ છે જેની સામે કોંગ્રેસ પાર્ટીએ પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા હાટકેશ્વર બ્રીજ મામલે શાસકોની સ્થિતિ સાપે છંછુદર ગળ્યા જેવી થઈ ગઈ છે. આ બ્રીજ તેની નબળી ગુણવત્તાના કારણે પરિવહન માટે બંધ કર્યાં બાદ શાસકો તેને તોડી શકતા નથી અને તેને નવેસરથી બનાવવા માટે ટેન્ડર કિંમત એટલી ઉંચી આવે છે કે વહીવટી તંત્ર અને સત્તાધારી પક્ષ શંકાના દાયરામાં આવી શકે છે.
મ્યુનિ. કમિશનરે લગભગ બે મહિના અગાઉ હાટકેશ્વર બ્રીજ તોડીને નવેસરથી બનાવવા માટે રૂ.પર કરોડનો ખર્ચ થશે તેવી જાહેરાત કરી હતી પરંતુ બે મહિના બાદ જ આ બ્રીજનો ખર્ચ રૂ.પર કરોડથી વધીને રૂ.૧૦૮ કરોડ થઈ ગયો છે જેના કારણે મ્યુનિ. અધિકારીઓ અને હોદ્દેદારોની સ્થિતિ કફોડી બની ગઈ છે. મ્યુનિ. કોર્પોરેશનના સુત્રોનું માનીએ તો વહીવટી તંત્ર આ બ્રીજને તોડીને કાયમી ધોરણે સમથળ કરવા માટે મન બનાવી ચુકયું છે
પરંતુ જો બ્રીજને કાયમી ધોરણે તોડી પાડવામાં આવે તો શાસકોની ભારે બદનામી થાય તેમ છે. જેના કારણે ગમે તેટલો ખર્ચ થાય પણ બ્રીજ બનાવવાની તરફેણમાં શાસકો એ મન બનાવ્યું છે.
મ્યુનિ. ઈજનેર વિભાગના સુત્રોનુ માનીએ તો સદર બ્રીજ બનાવવામાં આવ્યો તે સમયે ર૦૧૪-૧પના એસઓઆર મુજબ ભાવની ગણતરી કરવામાં આવી હતી આજે તેને એક દાયકો થઈ ગયો છે. એક દાયકામાં સ્ટીલ અને સીમેન્ટના ભાવ લગભગ બમણા થઈ ગયા છે તેથી નવા એસઓઆર મુજબ ભાવની ગણતરી કરવામાં આવી હોવાથી ટેન્ડર કિંમત ઉંચી ગઈ છે.
વિપક્ષી નેતા સહેજાદખાન પઠાણના જણાવ્યા મુજબ માત્ર બે મહિનામાં જ ટેન્ડર કિંમત બમણી કેવી રીતે થાય તે સમજવું મુશ્કેલ છે. મ્યુનિ. કમિશનરે જે સમયે આ બ્રીજની તપાસ પૂર્ણ કરી તે સમયે માત્ર ૩ મહિનામાં જ બ્રીજ નવેસરથી બનાવવાની જાહેરાત કરી હતી. જેને બે વર્ષ કરતા પણ વધુ સમય થઈ ગયો છે અને દિવસેને દિવસે આ ભ્રષ્ટાચારનો બ્રીજ તંત્રને મોંઘો પડી રહયો છે અને પ્રજાના પરસેવાની કમાણીનો વ્યય થઈ રહયો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે ર૦૧૭માં આ બ્રીજ બનાવવાની શરૂઆત થઈ તેના ટેન્ડર પ્રક્રિયા અને વર્ક ઓર્ડર સમયે વર્તમાન કમિશનર જ ડેપ્યુટી કમિશનર રોડ એન્ડ બ્રીજ પ્રોજેકટનો હવાલો સંભાળી રહયા હતા.
અજય ઈન્ફ્રા. કંપની જેણે આ બ્રીજ બનાવ્યો હતો તેણે કામ ન આપવા માટે પણ તે અગાઉ નિર્ણય થઈ ચુકયો હતો તેમ છતાં વર્તમાન કમિશનર એટલે કે તત્કાલિન ડેપ્યુટી કમિશનર એમ. થેન્નારસને અજય ઈન્ફ્રાકોર્નને આ બ્રીજ બનાવવાનું કામ સોંપ્યુ હતું તેમજ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી બ્રીજ બનાવવાની કામગીરી તેમના કાર્યકાળ દરમિયાન શરૂ થઈ હતી.