ફુડ વિભાગની ફાફડા-જલેબી બનાવતા વેપારીઓ પર બાજ નજર
દશેરાના દિવસે અમદાવાદમાં જ ફાફડા અને જલેબીના ૮થી ૧૦ હજાર જેટલા સ્ટોલ બિલાડીના ટોપની જેમ ખૂલી જાય છે.
(એજન્સી)અમદાવાદ, નવરાત્રિ અને દિવાળીના તહેવારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ફરસાણ અને મીઠાઈના વેપારીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી શરુ કરી દીધી છે. શહેરમાં અલગ અલગ ટીમ બનાવીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ખાસ કરીને અમદાવાદમાં જ ફાફડા અને જલેબીના ૮થી ૧૦ હજાર જેટલા સ્ટોલ બિલાડીના ટોપની જેમ ખૂલી જાય છે. ત્યારે ખાદ્યચીજાેમાં મિલાવટ કરતા કે પછી ફરસાણ બનાવવામાં બળેલું તેલ વાપરતા વેપારીઓ સામે કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.
ત્યારે દશેરાના તહેવારમાં ફાફડા અને જલેબીના વેપારીઓ પર પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફુડ વિભાગ બાજનજર રાખી રહ્યું છે. આમ તો દશેરા પર્વ અમદાવાદના સ્વાદરસિકો ફાફડા જલેબીની જ્યાફત ઉડાવતા હોય છેય. ત્યારે શહેરના ફરસાણના વેપારીઓને ત્યાં ફાફડા જલેબીની ખરીદી માટે વહેલી સવારથી જ સ્વાદરસિકોની કતારો લાગી જાય છે.
ફાફડા જલેબીના સ્વાદના શોખીનોને ધ્યાને લઈને જ અમદાવાદમાં ફરસાણના વેપારીઓની સાથે સાથે મંડપ બાંધીને સ્ટોલ ઉભા કરીને પણ ઘણાં લોકો સ્પેશિયલ દશેરાના દિવસે ફાફડા અને જલેબીનું વેચાણ કરતા હોય છે. એક અંદાજે ફાફડા અને જલેબી માટે અલગથી મંડપ ઉભા થાય તેવા ૮થી ૧૦ હજાર સ્ટોલ લાગે છે
અને દશેરાના દિવસે કરોડો રુપિયાના ફાફડા જલેબી લોકો આરોગી જાય છે. પરંતુ ઘણીવાર ફરસાણના વેપારીઓ વધુ નફાખોરી કરવા સફાઈના કે પછી લોકોના આરોગ્યને લગતા તમામ નિયમોને નવે મૂકી દેતા હોય છે.
આવા વેપારીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. શહેરના ફરસાણના વેપારીઓને ત્યાં દશરેના પર્વ પહેલાં જ ચેકિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને એક જ તેલમાં વારંવાર ફરસાણ બનાવતા વેપારીઓ સામે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ખાસ મશીન દ્વારા તેલનું ટોટલ પોલાર કાઉન્ટ ચેક કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓના મતે આ મશીન દ્વારા તેલના ચેકિંગ દરમિયાન ટોટલ પોલાર કાઉન્ડ ૨૫થી વધુ આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. મશીન ચેકિંગમાં જ રેડ સિગ્નલ બતાવી દે છે જેથી તે તેલ ઉપયોગલાયક નથી તેવો ખ્યાલ આવી જાય છે.
આ પ્રકારે હાલ ફરસાણના અને ખાસ કરીને ફાફડા જલેબી બનાવતા વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ તેલના સેમ્પલ લઈને પણ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવી રહ્યાં છે.