અમદાવાદ ખાતે ‘HCG આસ્થા’ કેન્સર હોસ્પિટલના નવનિર્મિત કેન્સર સેન્ટરનું ઉદઘાટન

અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ ખાતે ‘HCG આસ્થા’ કેન્સર હોસ્પિટલના નવનિર્મિત કેન્સર સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે HCG આસ્થા કેન્સર હોસ્પિટલની ટીમને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે,
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગથી લઈને આયુષ્માન સુધીની સ્વાસ્થ્યને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે ત્યારે રાજ્યના પ્રત્યેક નાગરિકને સરળતાથી સ્વાસ્થ્ય અંગેની ઉત્તમ સેવાઓ આપવા રાજ્ય સરકાર હંમેશાં પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્વાસ્થ્યની જાળવણી માટે રોજિંદા વ્યવહારમાં પોતાની જીવનશૈલીનું ધ્યાન રાખવા સૌને તાકીદ કરવાની સાથોસાથ HCG આસ્થા હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓની મદદ માટે સ્થાપવામાં આવેલ ટ્રસ્ટ કેન્સરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.