HDFC બેંકે એફડી પર વ્યાજદર ઘટાડી દીધો
નવી દિલ્હી, તા. ૧૮ ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંકે ફિસ્ક્ડ ડિપોઝિટ પર વ્યાજદરમાં ઘટાડો કરી દીધો છે. આને ૧૬મી નવેમ્બરથી અમલી કરવાનો નિર્ણય કરાયો છે. નવા સુધારા કરવામાં આવ્યા બાદ એચડીએફસી બેંક સાત દિવસથી લઇને ૧૪ દિવસની અવધિ પર ૩.૫૦ ટકા વ્યાજદર આપશે જ્યારે ૧૫થી ૨૯ દિવસના એફડી માટે ચાર ટકા, ૩૦થી ૪૫ દિવસની અવધિ માટે ૪.૯૦ ટકા વ્યાજદર આપશે.
બીજી બાજુ ૪૬ દિવસથી લઇને છ મહિનાના એફડી પર બેંક ૫.૪૦ ટકા વ્યાજદર આપશે. એક વર્ષના એફડી પર એચડીએફસી બેંક વ્યાજરેટમાં ૦.૧૫ ટકાનો ઘટાડો કરી ચુકી છે. એક વર્ષની અવધિ માટે ૬.૩૦ ટકા રિટર્ન મળશે. એક વર્ષ એક દિવસથી લઇને સાત વર્ષની અવધિ માટે એફડી પર વ્યાજ દરમાં પણ ૦.૧૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સિનિયર સિટિઝનોને સામાન્ય લોકોની સરખામણીમાં ૦.૫૦ ટકા વધારે વ્યાજદર મળશે.