HDFC બેંકે તેની ત્રણ ટ્રેનિંગ ફેસિલિટીને કોવિડ પોઝિટિવ કર્મચારીઓ માટેના આઇસોલેશન સેન્ટરમાં ફેરવી
રસીકરણ અને આઇસોલેશનની સુવિધા પૂરી પાડવા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે-કર્મચારીઓ માનસિક તણાવ સાથે કામ પાર પાડવામાં મદદરૂપ થવા મનોચિકિત્સકોની પેનલ ઊભી કરવામાં આવી
એચડીએફસી બેંકે આજે જાહેર કર્યું હતું કે, તેણે ભુવનેશ્વર, પૂણે અને ગુરુગ્રામમાં આવેલી તેની ત્રણ ટ્રેનિંગ ફેસિલિટીને આઇસોલેશન ફેસિલિટીમાં ફેરવી નાંખી છે. આ ફેસિલિટીઓ પ્રાથમિક સહાય માટેની આવશ્યક સુવિધાઓથી સજ્જ છે તથા નર્સ અને વિઝિટિંગ ડૉક્ટરો અહીં દિવસ-રાત પોતાની સેવા પૂરી પાડશે.
જો જરૂર પડશે તો નજીકમાં આવેલી હોસ્પિટલમાંથી તાત્કાલિક તબીબી મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બેંક દ્વારા લેવામાં આવેલ આ પગલું પોતાના કર્મચારીઓ અને તેમના આશ્રિતોને સાકલ્યવાદી આરોગ્યસેવા પૂરી પાડવા માટે બેંક દ્વારા લેવામાં આવેલા અનેકવિધ પગલાંઓનો એક હિસ્સો છે.
તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ
– સ્થાનિક વહીવટીતંત્ર સાથે ભેગા મળીને કામ કરવું અને રસીકરણ કેમ્પો સ્થાપવા. તેમાંના કેટલાક તો સફળતાપૂર્વક પૂરાં પણ કરી લેવામાં આવ્યાં છે.
– એપોલો, મનીપાલ, શેલ્બી, એમઆઇઓટી, બિલરોથ જેવી હોસ્પિટલો ખાતે રસીકરણની સુવિધા પૂરી પાડવા સમગ્ર દેશની એકથી વધુ હોસ્પિટલો સાથે જોડાણ કરવું.
– સમગ્ર દેશની અનેકવિધ હોટલો સાથે જોડાણ કરવું, જેથી કરીને આઇસોલેશનની સુવિધા, મૂળભૂત સુવિધાઓ અને મૂળભૂત તબીબી તપાસની સુવિધાઓ પૂરી પાડી શકાય.
– એપોલો 24/7, મેડિબડી, ફાર્મઇઝી જેવી એપ્સ મારફતે ડૉક્ટરો સાથે ઈ-કન્સલ્ટેશનની સુવિધા પૂરી પાડવી. દવાઓ પહોંચાડવા માટે ફાર્મઇઝી એપ સાથે પણ જોડાણ કરવામાં આવ્યું છે.
– આ એપ્સ મારફતે પેનલમાં રહેલા મનોચિકિત્સકો સાથે ઈ-કન્સલ્ટેશન.
એચડીએફસી બેંકના સીએસઆર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાઇનાન્સના ગ્રૂપ હેડ આશિમા ભટ્ટે જણાવ્યું હતું કે, ‘આ પ્રકારના પડકારજનક સમયમાં અમારી પ્રાથમિક ચિંતા અમારા કર્મચારીઓનું કલ્યાણ છે. અમારા કર્મચારીઓ અને તેમના પ્રિયજનોને શક્ય એટલી શ્રેષ્ઠ મદદ અને તબીબી સેવા પ્રાપ્ત થાય તેની ખાતરી કરવા માટે અમે કોઈ કસર નહીં છોડીએ.
ફક્ત તેમની શારીરિક સુખાકારી માટે જ નહીં પરંતુ તણાવ સાથે કામ પાર પાડવા તેમની માનસિક સુખાકારી માટે પણ. અમારા સાથીઓની સુખાકારી અમારી પ્રાથમિકતા હોવાથી તેઓ મનોચિકિત્સકોની સલાહ લઈ શકે તે માટે અમે મનોચિકિત્સકોની એક પેનલ પણ તૈયાર કરી છે.’