Western Times News

Gujarati News

HDFC બેંક અને CSCએ નાના વેપારીઓ માટે સ્મોલ બિઝનેસ મનીબૅક ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું

 અમદાવાદ, એચડીએફસી બેંક અને ભારત સરકારના કૉમન સર્વિસ સેન્ટર (સીએસસી) એસપીવીએ આજે કૉ-બ્રાન્ડેડ સ્મોલ બિઝનેસ મનીબૅક ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું હતું. આ વિશિષ્ટ પ્રકારનું ક્રેડિટ કાર્ડ ખાસ કરીને સીએસસીના ગ્રામ્ય સ્તરના ઉદ્યોગસાહસિકો (વીએલઈ-વિલેજ લેવલ એન્ટરપ્રેન્યોર્સ) અને વીએલઈ-સોર્સ્ડ ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેનાથી વપરાશકર્તાઓ તેમના વ્યાપારના દૈનિક ખર્ચાઓ માટે ખૂબ જ સરળતાથી ધિરાણ મેળવી શકશે.

એચડીએફસી બેંકના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આદિત્ય પુરી અને સીએસસીના સીઇઓ શ્રી દિનેશકુમાર ત્યાગી દ્વારા આ કાર્ડ લૉન્ચ કરવામાં આવ્યું હતું. સીએસસી દિવસની ઉજવણી કરવા માટે નવી દિલ્હીમાં આવેલ સિરી ફોર્ટ ઑડિટોરિયમ ખાતે સીએસસી એસપીવી દ્વારા વીએલઈ માટે આયોજિત કરવામાં આવેલ એક દિવસની વર્કશૉપ દરમિયાન આ કાર્ડને લૉન્ચ કરવામાં આવ્યું હતું. પર્સનલાઇઝ્ડ બનાવવામાં આવેલા કાર્ડ્સને કેટલીક મહિલા વીએલઈને સોંપવામાં આવ્યાં હતાં.

એચડીએફસી બેંકએ પણ આ વર્કશૉપમાં ભાગ લીધો હતો અને શ્રી પુરીએ અંદાજે 2000 મહિલા વીએલઈને સંબોધિત કર્યા હતા. આ લિંક પર ભાષણ જુઓ: https://www.facebook.com/136617136381867/posts/2496121810431376/

એચડીએફસી બેંકના ગવર્મેન્ટ એન્ડ ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસ એન્ડ ઈ-કૉમર્સના વડા સુશ્રી સ્મિતા ભગત પણ તેમાં હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, ‘અમે આ પ્રસંગનો હિસ્સો બનીને અને મહિલા વીએલઈનું સશક્તિકરણ કરવામાં મદદરૂપ થઇને અત્યંત આનંદ અનુભવી રહ્યાં છીએ. આ કટિબદ્ધતાના ભાગરૂપે અમે સ્મોલ બિઝનેસ મનીબૅક ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું છે. ભારતના ગ્રામ્ય વિસ્તારને સમૃદ્ધ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને તમામ પ્રદેશોમાં સેવાઓ પૂરી પાડવાનો આ અમારો એક નમ્ર પ્રયાસ છે. તે શહેરી ભારતની જેમ જ ગ્રામીણ ભારતમાં પણ કસ્ટમાઇઝ કરેલા ઉત્પાદનો અને સેવાઓની સમાન શ્રેણી પૂરી પાડવાના વ્યાપક ઉદ્દેશ્યનો એક હિસ્સો છે.’

જુલાઈ 2018માં એચડીએફસી બેંક અને સીએસસીએ એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા, જેના દ્વારા સીએસસીમાં નોંધણી પામેલ વીએલઈને સુદૂરના વિસ્તારોમાં બેંકિંગ ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ વ્યવસ્થા હેઠળ ઔપચારિક બેંકિંગ સેવાઓથી વંચિત ગ્રામ્ય ભારતના લાખો લોકોને બેંકિંગ સેવા ઉપલબ્ધ કરાવવાની કલ્પના કરવામાં આવી છે.

સીએસસી એસપીવી એ ભારત સરકારના ડિજીટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ મિનિસ્ટ્રી ઑફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (એમઇઆઇટીવાય) દ્વારા તૈયાર કરવામાં આવેલ એક સ્પેશિયલ પર્પઝ વ્હિકલ (એસપીવી) છે. વિવિધ ગવર્મેન્ટ ટુ સિટિઝન (જી2સી) અને અન્ય બિઝનેસ ટુ સિટિઝન (બી2સી) સેવાઓ પૂરી પાડવા માટે તેની અસિસ્ટેડ ફ્રન્ટ-એન્ડ આઇસીટી-અનેબલ્ડ સેન્ટરો તરીકે કલ્પના કરવામાં આવી છે. તેનું સંચાલન અને વ્યવસ્થાપન સ્થાનિક કૌશલ્યવાન ઉદ્યોગસાહસિકો એટલે કે, વીએલઈ દ્વારા કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.