ઈસનપુરમાં હેડ કોન્સ્ટેબલ ઉપર હુમલોઃ હુમલાખોરની અટક
ફૂટ પેટ્રોલીંગ દરમ્યાન હિસ્ટ્રીશીટરની પૂછપરછ કરતાં ઉશ્કેરાયેલા શખ્સનું કૃત્ય |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : પોલીસ કર્મચારીઓ ઉપર હિંસક હુમલો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અસામાજીક તત્ત્વ કાયદાની પરવા કર્યા વિના બેફામ બનીને સામાન્ય લોકો ઉપરાંત પોલીસ પર પણ જીવલેણ હુમલા કરી રહ્યા છે. આવી વધુ એક ઘટના ગત મોડી રાત્રે ઈસનપુરમાં બની છે. ડીસીબીની સુચના બાદ ફૂટ પેટ્રોલીંગ માટે ગયેલી પોલીસ ટીમે એક હિસ્ટ્રીશિટરની પુછપરછ કરતા તેણે પોતાની પાસે રહેલી છરી વડે એક હેડ કોન્સ્ટેબલ ઉપર આડેધડ છરીઓના ઘા ઝીંકી દીધા હતા.
ગત રાત્રે ડીસીપી ઝોન ૬ ની સુચના મળતાં ઈસનપુર પોલીસનો સ્ટાફ ફૂટ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો ત્યારે એ દરમ્યાન ટીમ મિલ્લતનગર મુનશીનગર આગળ પહોંચી હતી ત્યારે ગલ્લા ઉપર હિસ્ટ્રીશીટર ઝુબેરખાન અય્યાઝખાન પઠાણ ઉર્ફેે ચોરીને (રહે.રહીમભાઈની ચાલી, મિલ્લતનગર, )ને જાયો હતો. જેથી ટીમમાં સામેલ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહે ઝુબેશની પૂછપરછ કરતાં તે ઉશ્કેરાયો હતો. અને ગાળાગાળી કરીને પોતાની પાસની છરી કાઢી જાતજાતામાં યુવરાજસિંહ ઉપર હુમલો કરી દીધો હતો.
જેમાં તેમને શરીરે ઈજાઓ થઈ હતી. ઝુબેશે છરી લઈ યુવરાજસિંહના ગળા પર મારવા જતાં તેમણે પોતાનો હાથ વચ્ચે લાવતા બચી ગયો હતો. દરમ્યાનમાં અન્ય સ્ટાફ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. અને યુવરાજસિંહને બચાવ્યા હતા.
દરમ્યાનમાં ભાગવા જતાં ઝુબેરને ઝડપી પાડ્યો હતો. તથા યુવરાજસિંની હોસ્પીટલમાં સારવાર કરાવી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવરાજસિંહે બાદમાં ઝુબેશ વિરૂધ્ધ હત્યાના પ્રયાસની ફરીયાદ નોંધાવી હતી.