આરોગ્ય વિભાગે ૪ અધિકારીઓને ફરજિયાત નિવૃત કર્યા
રાજ્યમાં વધારે ચાર અધિકારીઓને ફરજિયાત નિવૃત કરાયાં
(એજન્સી)ગાંધીનગર, રાજ્ય સરકારમાં ફરી એક વખત અધિકારીઓ સામે એક્શન મોડમાં આવી છે અને રાજ્યમાં વધુ ૪ અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે ૪ અધિકારીઓને ફરજિયાત નિવૃત કર્યા છે. ૨ તાલુકા હેલ્થ ઓફિસર અને ૨ મેડિકલ ઓફિસરને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાંતીવાડાના ટીએચઓ બિજોલ ભેદ્રુ, નડિયાદના ટીએચઓ વિપુલ અમીનને નિવૃત ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે, ત્યારે સંખેડાના મેડિકલ ઓફિસર રાજીવ નયનને અને આણંદના મેડિકલ ઓફિસર મયંક ચૌહાણને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત સરકારે ૨૦ નવેમ્બરે પણ સરકારી અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવાના આદેશ આપ્યા હતા.
રાજ્યના વધુ ૫ અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા હતા. નર્મદા અને જળ સંપત્તિ વિભાગના ૫ અધિકારીઓને નિવૃત્ત કરવામાં આવ્યા હતા. નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં કામ કરતા જશવંતસિંહ પરમાર, પ્રદીપભાઈ ડામોર, શૈલેષભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ અને અરવિંદભાઈ માહલા નામના અધિકારીઓને સરકારે ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા હતા.
જશવંતસિંહ મગનભાઈ પરમાર નામના અધિકારી વડોદરા હસ્તક પંચાયત સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા હતા, ત્યારે પ્રદિપભાઈ વજાભાઈ ડામોર નામના અધિકારી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, શૈલેષભાઈ પ્રભાતભાઈ દેસાઈ નામના અધિકારી પણ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં ફરજ બજાવતા હતા.
જ્યારે બાબુભાઈ રામાભાઈ દેસાઈ સુજલામ સુફલામ વર્તુળ નંબર ૨માં મહેસાણામાં ફરજ બજાવતા હતા અને અરવિંદભાઈ ભીખુભાઈ માહલા નામના અધિકારી સુરત હસ્તક ડ્રેનેજ ડિઝાઈન પેટા વિભાગમાં ફરજ બજાવતા હતા. જેમને તાત્કાલિક અસરથી રાજય સરકારે નિવૃત કર્યા છે.