પિત્ઝા ખાતાં પહેલાં વાંચી લો આઃ કેવી હાલતમાં હોય છે તેના રસોડાઃ AMCએ કર્યો 10 હજારનો દંડ
વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા લા-પીનોઝ પિત્ઝામાં કોર્પોરેશનની ટીમ પહોંચી- ત્યારે પિત્ઝાના રોટલા બનાવીને જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાં સ્વચ્છતાનો અભાવ જાેવા મળ્યો.
રેસ્ટોરન્ટ-ખાણીપીણી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગના દરોડા
(એજન્સી)અમદાવાદ, ચોમાસાની સિઝનમાં અમદાવાદ શહેરમાં રોગચાળો ફેલાવાની ભીતિને લઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણી એકમો, રેસ્ટોરન્ટ, અને હોટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું.
આ સિવાય યુનિટ પર સ્વચ્છતા નું અને હાઈજિનનું યોગ્ય ધ્યાન રખાય છે કે નહીં તે બાબત પણ ધ્યાને લેવાઇ. વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ ગાંઠિયા રથ માં તેલના નમૂના લેવાયા તેમજ ઇન્સ્ટન્ટ ટેસ્ટિંગ કીટ થકી જલેબી ચટણી સહિતની ખાદ્ય વસ્તુઓના ભેળસેળ કરાય છે કે કેમ તે અંગેનું ચેકિંગ કરાયું.
આરોગ્ય વિભાગની ટીમ ચેકિંગ કરવા માટે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ લા પીનોઝ પિત્ઝામાં પહોંચી હતી. જ્યાં તેમને ગંદકીના ચોંકાવનાર દ્રશ્યો જાેવા મળ્યા.
અહીં પીઝા માટે લોટનો બેઝ તૈયાર કરવામાં આવી રહ્યો હતો ત્યાં જ માંખીઓ જાેવા મળી. પિત્ઝાના રોટલા બનાવીને જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાં સ્વચ્છતાનો અભાવ જાેવા મળ્યો. આરોગ્ય વિભાગની ટીમ આ દ્રશ્યો જાેઈ ચોકી ઉઠી અને આઉટલેટના સંચાલકને ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાવ્યો. આ સિવાય પિઝા માટે વપરાતા ચીજ સામગ્રીઓનું પણ ચેકિંગ કરાયું.
ખાદ્ય પદાર્થોની સ્થિતિ, સ્વચ્છતાની તપાસ કરાઈ તેમજ સેમ્પલ પણ લેવાય.ચોમાસામાં રોગચાળો ફાટતો હોય છે ત્યારે આગોતરા પગલાને ધ્યાને લઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના તમામ આઠ ઝોનમાં દરોડા કામગીરી કરવામાં આવી. ખાણીપીણીની જગ્યા પર જે ખોરાક વેચાઈ રહ્યો છે તે ખાવા લાયક છે કે નહીં અને ભેળસેળ કરવામાં આવી છે કે નહીં તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.