ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ કોઇપણ ભોગે ચલાવી નહીં લેવાય ,કડક કાર્યવાહી થશે: આરોગ્યમંત્રી
ખાદ્ય પદાર્થોના ચેકિંગની ખાસ ઝૂંબેશમાં રૂ. ૧.૭૩ કરોડથી વધુનો ૩૨,૦૦૦ કિગ્રાનો જથ્થો જપ્ત કરાયો: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ
Ø પખવાડિયાના પ્રથમ ૪ દિવસ દરમિયાન ૨,૨૭૯ શંકાસ્પદ નમુના લેવાયા
Ø ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વિવિધ કચેરીઓ દ્વારા એન્ફોર્સમેન્ટ, અવરનેશ, ટ્રેનિંગ જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા ખોરાકની સલામતી અને લોકજાગૃતિ માટે ૩ ઓક્ટોબરથી ૧૭ ઓક્ટોબર ૨૦૨૪ સુધી “ફૂડ સેફટી પખવાડિયા” નું આયોજન કરવામાં આવ્યું છે.
પખવાડિયાના પ્રથમ ૪ દિવસમાં ખાદ્ય પદાર્થોના ચેકિંગની ખાસ ઝૂંબેશમાં રૂ. ૧.૭૩ કરોડથી વધુનો ૩૨,૦૦૦ કિગ્રાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.રાજ્ય સરકાર ખાદ્યપદાર્થો માં થતી ભેળસેળ કોઇપણ ભોગે ચલાવી નહીં લે આવા તત્વો સામે કડક કાર્યવાહી થશે.
ફૂડ સેફટી પખવાડિયા દરમિયાન કરવામાં આવેલી કામગીરી વિશે માહિતી આપતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,ફૂડ સેફટી પખવાડિયા દરમ્યાન વિવિધ જગ્યાએ ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા નવરાત્રી દરમ્યાન લોકોમાં જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે.
ફૂડ સેફટી પખવાડિયના પ્રથમ ૪ દિવસ દરમિયાન ૬૭૨ એન્ફોર્સમેન્ટ નમુના અને ૧,૬૦૭ સર્વેલન્સ નમુના મળીને ૨,૨૭૯ નમુના લેવામાં આવ્યા હતા. જયારે ૧,૧૭૦ ઇન્સ્પેકશન કરાયા હતા. આ પખવાડિયા દરમ્યાન દૂધ અને દૂધની બનાવટો, મીઠો માવો અને બરફી, ખાદ્ય તેલની ડ્રાઈવની ૧૪ રેડમાં રૂ. ૧.૭૩ કરોડથી વધુનો ૩૨,૦૦૦ કિગ્રાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ ફૂડ સેફટી પખવાડિયામાં રાજ્યની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વિવિધ કચેરીઓ દ્વારા એન્ફોર્સમેન્ટ, અવરનેશ, ટ્રેનિંગની વિવિધ પ્રવૃતિઓ અને લાયસન્સ-રજીસ્ટ્રેશનના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૯૦૦ થી વધુ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
ફૂડ સેફટી પખવાડિયાના ત્રીજા દિવસે તંત્રની વિવિધ કચેરીઓ દ્વારા વિવિધ શાળા- કોલેજોમાં વિદ્યાર્થીઓ અને ખોરાકના વેપારીઓ માટે અવરનેશ અને ટ્રેનીંગ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જે હેઠળ ૧૫૦થી વધુ અવરનેસ કાર્યક્રમો અને ૭૦થી વધુ ટ્રેનિંગ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત પી.એમ. પોષણ કાર્યક્રમ અંતર્ગત કામ કરતા ૧૫,૦૦૦ થી વધુ સંચાલકો ઓનલાઈન ટ્રેનિંગમાં જોડાયા હતા.
આ ઉપરાંત, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નડિયાદમાં આવેલી જય અંબે સ્પાઇસીસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કાળા મરીમાં ભેળસેળ કરતાં હોવાથી રૂ. ૯ લાખ થી વધુની કિંમતનો ૨,૬૦૦ કિગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું .